દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો અને મહાસભા

← દેશી રાજ્યોમાં દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો અને મહાસભા
મોહનદાસ કરમચંદ ગાંધી
હૈદરાબાદ →






૯૧
દેશી રાજ્યો
અને મહાસભા

ગુજરાતના દેશી રાજ્યના એક કાર્યકર્તા નીચે પ્રમાણે લખે છે:

“આજના ‘હરિજનબંધુ’ના અંકમાં પહેલે જ પાને ‘દેશી રાજ્યોમાં’ એવા પેટામથાળા નીચે જે લખાણ છે તેમાં આપે એમ જણાવ્યું છે કે, ‘દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય બનાવવા એ દરેક રીતે અનુચિત છે. એમ કરતાં ઘર્ષણ થવાનો સંભવ રહે છે, અને સંતોષકારક સંગઠન પણ નથી થવા પામતું.’

મને લાગે છે કે આપના આ કથનથી ભારે ગેરસમજ થવાનો સંભવ છે. આપનો ઇરાદો એવો હોય ખરો કે દેશી રાજ્યોમાં મહાસભાની સમિતિની રચના કરવી એ દરેક રીતે અનુચિત છે… વગેરે.’

આપે તે પછીની લીટીમાં જણાવ્યું છે કે, ‘દેશી રાજ્યોના જે માણસો મહાસભાના સભ્ય થવા માગતા હોય તે બ્રિટિશ હિંદમાંની પોતાની નજીકની મહાસભા સમિતિના સભ્ય બને.’ બીજું વાક્ય વાંચનારના મનમાં પહેલા વાક્યથી ઊભી થયેલી ગેરસમજ દૂર થાય ખરી. પરંતુ જેઓ ગેરસમજ ઊભી કરવાને ટેવાયેલા હોય તેઓ પ્રચાર કરતી વખતે આપનાં લખાણનો તેમને અનુકૂળ જ ઉપયોગ કરે એ સ્વાભાવિક છે.

આજે વસ્તુસ્થિતિ એવી છે — ખાસ કરીને ગુજરાતમાં — કે દેશી રાજ્યોમાં મહાસભાના સભ્યો નોંધાય છે, અને તે સભ્યો પડોશની બ્રિટિંશ હિંદની તાલુકા સમિતિને દફતરે નોંધાયેલા સભ્યો ગણાય છે. દેશી રાજ્યોમાં મહાસભાની કોઈ સમિતિની રચના કરવામાં નથી આવી.

કૃપા કરી આપ એટલી સ્પષ્ટતા ‘હરિજન બંધુ’ મારફત કરશો કે આપની સલાહ દેશી રાજ્યોમાં મહાસભાના સભ્યો ન નોંધવા એવી છે, કે તેવા નોંધાયેલા સભ્યોની મહાસભા સમિતિ ન રચવી એવી છે ?”

આ કાગળમાં જે ચોખવટ લેખકે માગી છે તે મારી નોંધમાં સ્પષ્ટ છે. જે અર્થ લેખકે કર્યો છે એ જ મારી નોંધનો છે. જેઓને કોઈ લખાણનો ઊંધો અર્થ કરવો છે તેને સારુ ગમે તેવાં સ્પષ્ટ લખાણો કર્યાં હોય તે નકામાં છે. કોઈ પણ લેખકનાં લખાણમાં એક વાક્ય તેના સંબંધમાંથી નોખું પાડીએ તો આપણી ઈચ્છા પ્રમાણે અર્થ ઘટાવી શકીએ છીએ. પણ તે લેખકનો અર્થ નહીં હોય. આટલું યાદ રાખવાની જરૂર છે કે મારી નોંધ બધાં દેશી રાજ્યોને લાગુ પડે છે. એ નોંધ લખતાં ગુજરાત મારા ધ્યાનમાં ન હતું. હું જાણતો હતો કે ગુજરાતમાં મૂળથી જ સરદારે ખરી નીતિ ચલાવી છે. પણ હિંદુસ્તાનના બીજા ભાગોમાં ત્યાંત્યાંના નેતાઓએ જુદી નીતિ સ્વીકારી છે. કેટલાંક દેશી રાજ્યોમાં જ મહાસભાની સમિતિઓ સ્થાપવામાં આવી છે. આવાં રાજ્યોને ધ્યાનમાં રાખીને મારી નોંધ લખાઈ હતી. મારી નોંધનું મુખ્ય વાક્ય યાદ રાખવું જોઈએ કે મહાસભાની સેવા કરવા સારુ મહાસભામાં દાખલ થવાની જરૂર નથી, પણ મહાસભાનું માનસ હૃદયમાં રાખી તેના આદેશોને મૂંગે મોઢે અમલ કરવો. એવું કરોડોએ પ્રસંગ આવ્યે કરી બતાવ્યું છે. એવું આપણે સહુ કરી બતાવીએ. એટલે કે મહાસભામાં દાખલ થઈ એ તો તે વેળા સેવાભાવથી, ફરજ સમજીને; અધિકાર મેળવવા કદી નહીં. ઘણી વેળા મહાસભામાં કેવળ પક્ષાપક્ષી ચલાવવા ભરતી કરવામાં આવે છે. આ જૂઠી લાલચમાંથી સહુ મુક્ત રહે.

મુંબઈ, ૧૭–૯-૪૦
હરિજનબંધુ, ર૧-૯-૧૯૪૦