દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજકોટની લડત

← દેશી રાજ્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટની લડત
મોહનદાસ કરમચંદ ગાંધી
મારી કેફિયત →







૫૧
રાજકોટની લડત

રાજકોટની લડત વિષે મારે એક રીતે અંગત નાતો કહેવાય. રાજકોટમાં જ મૅટ્રિક સુધીની મારી બધી કેળવણી થઈ, અને મારા પિતા વર્ષો સુધી ત્યાં દીવાન હતા. કસ્તુરબાઈને તો ત્યાંના લોકો પર જે વીતી રહી છે એનું એટલું બધું લાગી આવે છે કે, જોકે એની અત્યારે મારા જેટલી જ વૃદ્ધાવસ્થા છે અને જેલજીવનની હાડમારી વેઠવાને તે મારા કરતાં ઘણી વધારે અશક્ત છે છતાં, તેને લાગે છે કે તેણે રાજકોટ જવું જ જોઈએ. અને આ લખાણ છપાશે તે અગાઉ કદાચ તે ત્યાં પહોંચી ગઈ હશે.

પણ હું આ લડતને ત્રાહિત દૃષ્ટિએ વિચારવા માગું છું. આ લડતને અંગે સરદારે પ્રગટ કરેલું નિવેદન એક કાયદેસરનો દસ્તાવેજ કહેવાય. એમાં એક શબ્દ નકામો કે અસંદિગ્ધ, લેખી પુરાવાના આધાર વગર, લખાયો નથી.

એ દસ્તાવેજો રાજકોટના રાજ્યકર્તા અને તેમની પ્રજા વચ્ચે થયેલા પવિત્ર કોલકરારના ટાઢે કાળજે કરવામાં આવેલા ભંગનો પુરાવો રજૂ કરે છે. અને એ વચનભંગ ત્યાંના બ્રિટિશ રેસિડેન્ટની પ્રેરણાથી અને આજ્ઞાથી કરવામાં આવ્યો છે. આ રેસિડેન્ટ હોદ્દાથી વાઈસરૉય જોડે સીધો સંકળાયેલ છે.

વળી આ કોલકરાર પર એક બ્રિટિશ દીવાનની પણ સહી છે. આ દીવાનને ગુમાન હતું કે પોતે બ્રિટિશ સત્તાનો પ્રતિનિધિ હતો. રાજા પર રાજ્ય ચલાવવાની ગણતરીએ તે કામ કરનારો હતો. એટલે એ કંઈ સરદારની જાળમાં સપડાઈ જાય એવું રાચ નહોતું. તેથી, થયેલ કોલકરાર એ એક નબળા રાજાને દબાવીને કઢાવી લીધેલી વસ્તુ નહોતી. પણ બ્રિટિશ રેસિડેન્ટને તો મહાસભા અને સરદાર આવીને રાજકોટ ઠાકોર સાહેબને આમ આર્થિક પાયમાલી અને કદાય ગાદી પણ ગુમાવી બેસવાની પરિસ્થિતિમાંથી ઉગારી લે એ ઝેર જેવું લાગ્યું. મહાસભાની આવડી લાગવગ અને માથાનો ઘા થઈ પડી, અને તેથી પોતાની પ્રજાને આપેલા વચનનો ઠાકોર સાહેબ અમલ કરે તે પહેલાં જ તેણે તેમની પાસે તેનો ભંગ કરાવ્યો. અત્યારે સરદાર પાસે જે ખબરો આવી રહી છે તે સાચી માનીએ તો અત્યારે ત્યાંના રેસિડેન્ટ બ્રિટિશ સિંહનો લાલ લોહિયાળ પંજો બતાવી રહ્યો છે અને પ્રજાને કેમ જાણે કહી રહ્યો છે કે, “તમારો રાજા મારું રમકડું છે; મેં એને ગાદી ઉપર મૂક્યો છે અને હું એને એ ગાદી પરથી ઉતારી શકું એમ છું; એ જાણે છે કે એણે મારી ઈચ્છા વિરુદ્ધ કામ કર્યું છે, તેથી હું એનું કર્યું ન કર્યું કરીશ અને પ્રજા જોડે એણે કરેલું સમાધાન તોડી નાંખીશ. અને તમે પ્રજા થઈને મહાસભા અને સરદારને પડખે ચડ્યા છો, પણ તમનેય બતાવી દઈશ કેટલી વીસે સો થાય છે તે; જિંંદગી આખી નહિ ભૂલો.”

રાજાને કેદીની સ્થિતિમાં મૂકી દઈને આ રેસિડેન્ટે હવે રાજકોટમાં કાળો કેર માંડ્યો છે. છેલ્લો તાર સરદારને આમ મળ્યો છે : “બેચરભાઈ જસાણી અને બીજા સ્વયંસેવકો પકડાયા. ૨૬ જણને રાતની વેળાએ એજન્સી હદમાં કોઈ દૂરને સ્થળે લઈ જઈ ને ઘાતકી રીતે મારવામાં આવ્યા છે. ગામડાંમાંના સ્વયંસેવકો પર એવી જ વિતાડવામાં આવે છે. એજન્સી પોલીસે રાજની એજન્સીનો કાબૂ લીધો છે અને સદરમાં આવેલાં ખાનગી ઘરોની ઝડતીએ લેવાય છે.”

આ બ્રિટિશ રેસિડેન્ટ બ્રિટિશ મુલકમાં સવિનય ભંગની લડતના દિવસોની બ્રિટિશ અમલદારોની તાંડવલીલાઓની પુનરાવૃત્તિ કરી રહ્યો છે.

હું જાણું છું કે રાજકોટની પ્રજા જો આ બધા પાગલપણા સામે ટકી રહે, સામા પાગલ ન થઈ ઊઠે, અને નમ્રતાથી છતાં દૃઢતાથી અને બહાદુરીથી તેના પર વરસાવવામાં આવનારા જુલમો સહન કરે, તો તે જ અંતે વિજયી નીવડશે; એટલું જ નહિ પણ એથીયે વધુ કામ તે બજાવશે. તે ઠાકોર સાહેબની બેડીએ તોડીને મુક્તિ સંપાદન કરશે. પ્રજા દેખાડી આપશે કે પોતે જ મહાસભાની છત્રછાયામાં રાજકોટની ખરી શાસનકર્તા છે. એથી ઊલટું જો પ્રજા પાગલની સામે પાગલ થઈ ઊઠશે, નિષ્ફળ પ્રતિકારની વાત મનમાં આણશે અને હિંસાનાં કૃત્યો કરશે, તો તેની સ્થિતિ અગાઉના કરતાં બૂરી થઈ પડશે, અને મહાસભાની છત્રછાયાથી કશું નહિ વળે. મહાસભાનું છત્ર તેને જ માટે કારગત નીવડે છે જે અહિંસાના ઝંડાને સ્વીકારે છે, જેમ બ્રિટિશનું છત્ર પશુબળના અનુયાયીઓને જ મદદકર્તા નીવડે છે.

આમ જ્યારે રાજકોટની પ્રજાને રાજા તથા તેની નાનીશી પોલીસનો જ નહિ પણ બ્રિટિશ સલ્તનતના શિસ્તબદ્ધ સમૂહોનો સામનો કરવા વખત આવે તે વખતે મહાસભાનો ધર્મ શો?

સૌથી પહેલું અને સ્વાભાવિક પગલું તો એ કે, મહાસભા પ્રધાનમંડળ રાજકોટની પ્રજાની સલામતી તેમ જ ઇજ્જતની રક્ષા કરવી એને પોતાનો ધર્મ ગણે અને એની જવાબદારી ઉપાડી લે. નવી રાજ્યઘટનાની રૂએ દેશી રાજ્યો ઉપર પ્રધાનોને આવી કશી સત્તા નથી એ સાચું છે; પણ પ્રધાનો એક મોટા પ્રાંતનો કારભાર કરી રહ્યા છે, જેમાં રાજકોટ તો એક બિંદુરૂપે આવેલું છે. અને એ રીતે હિંદી રાજ્યઘટનાની કક્ષા બહાર પણ પ્રધાનોના હકો અને ફરજો રહેલાં છે જ. આનું મહત્ત્વ પણ કઈ જેવુંતેવું નથી. ધારો કે રાજકોટમાં આખા હિંદુસ્તાનના ગુંડાઓ આવીને ભરાય, વધુ એમ પણ કલ્પના કરો કે ત્યાં બેસીને તેઓ આખા હિંદુસ્તાનભરની કારવાઈઓ ચલાવે, તો પ્રાંતિક પ્રધાનોનો ચોખ્ખો અધિકાર અને ફરજ થઈ પડે કે તેઓ ચક્રવર્તી સત્તાને તેના મુંબઈના પ્રતિનિધિ મારફત રાજકોટનો મામલો સુધારી દેવા કહેવડાવે અને ચક્રવર્તી સત્તાએ પણ એ સ્થિતિમાં કાં તો તેમ કરવાની પોતાની ફરજ અદા કરવી રહી અથવા તો પ્રધાનોને ખોવા રહ્યા. દરેક પ્રાંતિક પ્રધાનને તેના પ્રાંતની ભૌગોલિક હદની અંદર જે કંઈ બને તે બધા જોડે નિસ્બત છે, ખાસ કરીને જ્યારે એવી કોઈ બીના તેની સુરુચિને આઘાત કરનારી હોય; પછી ભલે તે તેની કાયદેસરની હદની કક્ષા બહારની હોય. સદરહુ પ્રદેશનું જવાબદાર રાજ્યતંત્ર એ ભલે પ્રધાનોની નિસ્બતની વાત ન હોય, પણ જો ત્યાં મરકી ફાટી નીકળી હોય અગર તો કતલ ચાલે તો તે જોડે તેમને અલબત્ત નિસ્બત છે. આમ ન હોય તો તેમનો કારભાર નર્યો દંભ અને ભ્રમ જ થઈ પડે. આમ ઉત્કલના પ્રધાન જો તાલચેરના ૨૬,૦૦૦ હિજરતીઓને સલામતી તથા બોલવા ચાલવા કે સામાજિક તથા રાજકીય વહેવારોના ક્ષેત્રમાં હળવાભળવાની પૂરી ખોળાધરી સાથે તેમને ઘેર પાછા મોકલી ન શકે, તો તેઓ પોતાની ખુરશીઓમાં નિરાંતે ન જ બેસે. મહાસભા, જે આજે બ્રિટિશ સરકાર જોડે મૈત્રીના નાતા ઉપર છે, તેને બ્રિટિશ સરકારનાં ખંડિયાં રાજ્યો શત્રુ તરીકે અગર બહારના તરીકે ગણે અને તેવી રીતે તેની જોડે વર્તે એ અસહ્ય વાત છે.

પ્રજાને મળેલી સ્વતંત્રતાની સનદને રાજકોટમાં બ્રિટિશ રેસિડેન્ટની ઉશ્કેરણીથી થયેલો આવો હડહડતો ભંગ એવો મહાઅન્યાય છે કે વહેલામાં વહેલી ઘડીએ તેનું પરિમાર્જન થવું જોઈએ. આખા શરીરને કોરી ખાનાર ઝેરના જેવી એ વસ્તુ છે. નામદાર વાઈસરૉય રાજકોટના મામલાનું મહત્ત્વ ઓળખીને આ ઝેર નાબૂદ કરશે?

બારડોલી, ૩૦–૧–૩૯
હરિજનબંધુ, પ–૨–૧૯૩૯