← રાજકોટના સુધારા દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓનું સ્થાન →






૮૪
રાજાઓ

મારા વલણ સામે ગમે તે કહેવામાં આવતું હોય તોપણ હું દેશી રાજાઓનો મિત્ર અને હિતચિંંતક છું એ દાવો મારે કર્યા જ કરવો રહ્યો. અને તેથી જ આજે તેમની જે સ્થિતિ છે તેના તકલાદીપણા તરફ હું તેમનું વારંવાર ધ્યાન ખેંચતો આવ્યો છું. જે નાના નાના રાજવીઓ છે તેઓ તો જે સત્તા તેમની પાસે કદી જ હોવી જોઈતી નહોતી તે બધી સમજીને જ છોડી દે એમાં શ્રેય છે. અને જેઓ મોટા છે તેમની સત્તાઓ ઘટતા નિયમન દ્વારા નિયમસરની થવી જોઈએ. આ દિશામાં ઓછામાં ઓછું કેટલું થવું જરૂરી છે એ સૂચવવાનું સાહસ પણ મેં કર્યું છે.

દેશી રાજ્યોની પ્રજા આજે છે તેની તે સ્થિતિમાં જ સદાકાળ રહેશે એમ તો કોઈ સ્વપ્નામાંયે નથી માનતું. તેઓ પોતાના હકો માટે અહિંસાથી કે પછી હિંસાથી લડશે જ લડશે. ગમે તેમ થાય તોપણ જેમને પોતાની દૈવી કે દુન્યવી શક્તિનું ભાન થયું છે એવી લાખો કરોડો પ્રજા સામે રાજાઓથી ટકાવાનું નથી.

વળી જો રાજાઓ કાળનાં લક્ષણો ઓળખવા ના જ પાડે તો પછી ચક્રવર્તી સત્તા કે જેમણે તેમને ‘ઉગાર્યા’ છે અગર તો ‘સરજ્યા’ છે તેની શું રાજ્યોની રૈયત પ્રત્યે કશી જ ક્રૂરજ નથી ? શ્રી. પ્યારેલાલે બતાવી આપ્યું છે કે ગેરઅમલ સામે પ્રજાને રક્ષણ આપવાની ફરજમાંથી દેશી રાજ્યો જોડેના ચાહે તેવા કોલકરારો પણ ચક્રવર્તી સત્તાને ફ્રારેઞ કરી શકે નહિ, અગર તો એ કરારોની રૂએ રાજાઓને સાવ નિરંકુશ, સર્વતંત્રસ્વતંત્ર અને પોતાના બરોબરિયા લેખવાની પણ ફરજ ચક્રવર્તી સત્તા ઉપર પડતી નથી. ચક્રવર્તી શબ્દ જ છેવટની સત્તા ચક્રવર્તીની છે એમ બતાવે છે. કહેવાતા કોલકરારો બે બરોબરિયા વચ્ચેના કરારો નથી જ; પણ જેમને તે આપવામાં આવ્યા છે તેમના ઉપર મૂકવામાં આવેલી શરતો અને અંકુશોના કરારો છે. મુખ્યત્વે કરીને અથવા તો સંપૂર્ણતાએ ચક્રવર્તી સત્તાની મજબૂતી કરવાના હેતુથી અપાયેલી એ બધી બક્ષિસો કે ભેટ છે. અલબત્ત, એવા કાયદાબાજો અને ધારાશાસ્ત્રીઓ નીકળશે જેઓ દલીલ કરશે કે આ કોલકરારો તો ચક્રવર્તી સત્તાને પક્ષે અપાયેલાં પવિત્ર વચનોરૂપ છે. જેનો અમલ કરાવવાને રાજાઓ હકદાર છે. જે વેંતિયો છે તે વિરાટ પુરુષ સામે પોતાના હકોની બજાવણી કરાવી શકે?

જેઓ એવો આક્ષેપ કરી રહ્યા છે જ્યારે ઇંગ્લંડ જીવસટોસટની લડાઈમાં ગૂચવાયું છે ત્યારે મહાસભા તેની જોડે સ્વાર્થનો સોદો કરવા નીકળી છે, તેમને પોતે શું કહી રહ્યા છે તેની સમજ નથી. ગમે તેમ હો પણ હું તે કશી સોદાગીરીમાં ભાગીદારી કરું એમ નથી. મારા સ્વભાવ વિરુદ્ધની એ વસ્તુ છે. હિંદનો જન્મસિદ્ધ હક આજે કદાચ ન કબૂલાય; વખત આવ્યે કબૂલાશે. પણ તકરારના મુદ્દાની ચોખવટ થવી જરૂરી છે.

મારા અભિપ્રાય મુજબ તો સ્થિતિ જ એવી છે કે મહાસભાથી રાજા જોડે કશી સીધી વાટાઘાટ થવી અશક્ય છે. એવો વખત આવશે ત્યારે જણાઈ રહેશે કે મહાસભા જોડે અગર તો તેની જગાએ જે કોઈ હિસાબ દેનારલેનાર હશે તેની જોડે અંતે ચક્રવર્તી સત્તાને જ રાજાઓની વતી વાટાઘાટ કરવી પડશે. જેમ હિંદમાંની સિવિલ સર્વિસ — જે બ્રિટિશોની ઊભી કરેલી સૃષ્ટિ છે — ને હિંદુની સ્વાતંત્ર્યપ્રાપ્તિની દિશાની કૂચનો માર્ગ રૂંધીને બેસવા દઈ શકાય નહિ, તેમ રાજાઓને પણ તેમ કરવા દઈ શકાય નહિ અગર તો એ દિશાએ તેમને ઓઠા તરીકે વાપરી શકાય નહિ. સિવિલયનો તેમ જ રાજાઓ બેઉ જમાતો સામ્રાજ્યના સ્તંભરૂપ છે. તેથી અંતે બેઉએ કાં તો આઝાદ હિંદને રાજીખુશીની મદદ આપતા થવું જોઈશે અથવા તો એમને ફારગ કરીને વિખેરવા પડશે. આ હું તેમને હીણવવા ખાતર નથી કહેતો એ તો ઉઘાડી વાત છે. જ્યારે બ્રિટન સામ્રાજ્યવાદ ખંખેરી નાંખશે ત્યારે હિંદને લાગેવળગે છે ત્યાં સુધી સૌ જોશે કે સામ્રાજ્યશાહીની આ બે ભુજાઓને ઈંગ્લંડને સાચું પગલું લેવાના કામમાં અંતરાય થઈ પડવા નહિ જ દેવામાં આવે.

યુરોપની લડાઈને અત્યારે જે રૂપમાં હું નિહાળી રહ્યો છું તે રીતે હું માનું છું કે એ દાવાનળ હજુ એની કારમી ભીષણતામાં ભભૂકી ઊઠ્યો નથી. બેઉ પક્ષો હજી નવી નવી સંહારરીતો શોધવામાં ગૂંથાયા છે. પણ ખરું જોતાં બેઉ, હું આશા રાખું છું કે, બેઉ પક્ષના ખરેખરા આખડવાથી નિશ્ચે થનારી ભયાનક કતલ ટાળવા મથી રહ્યા છે. વગર જોયેવિયાર્યે હાથ આવે તે જહાજોને ડુબાવવાની નીતિ અને તેમાંથી નીપજતી પ્રાણહાનિ ભયાનક છે જ, પણ બેઉ પક્ષે ખરી મરણિયા લડાઈની શરૂઆત થયે જે ભીષણ હત્યાકાંડ વ્યાપે એની સરખામણીમાં આ પ્રાણહાનિને નજીવી જ ગણવી જોઈએ. દરમ્યાન અત્યારે એ પક્ષોની થતી ઈચ્છાએ, કે પછી અનિચ્છાએ પણ, નૈતિક મુદ્દાઓની છણાવટ ચાલી રહી છે. આમાં હું જોઉં છું કે બ્રિટિશ મુત્સદ્દી હવે યુદ્ધના હેતુઓને યુરોપી પ્રજાઓની સ્વતંત્રતા પૂરતા મર્યાદિત કરવા લાગ્યા છે. પણ જો લડાઈ એકાએક બંધ નહિ પડે તો આખી દુનિયાભરની પ્રજાઓની અને લોકશાસનની રક્ષા કરવાના મૂળ યુદ્ધહેતુ પર તેમને ફરી પાછા ઊભવું જ પડશે. જે રાક્ષસી તૈયારીઓ આ લડાઈને અંગે થઈ છે તે જોતાં એમાં ઊતરનારા પક્ષોને કદાચ તેમણે ધાર્યું હશે તે કરતાં ઘણાં વધુ વિશાળ નૈતિક કારણો અને હેતુઓ અપનાવવાની ફરજ પડશે. તેથી તે કદાચ નૈતિક મુદ્દાઓના પડ ઉપર જ લડાઈનો આખરી નિર્ણય થાય એમ બને. ગમે તેમ થાઓ પણ મહાસભા, જેણે સ્વેચ્છાપૂર્વક શસ્ત્રસંન્યાસ કર્યો છે અને શાંતિ તેમ જ અહિંસાનો માર્ગ ગ્રહણ કર્યો છે, તે આ નૈતિક મુદ્દાને જ મોખરે આણવામાં રોકાયેલી છે. અને જો તે ધીરજ રાખી શકશે તો સંભવ છે કે આ નૈતિક મુદ્દાની ચોખવટ કરાવવાનો એનો એવો એકધારો આગ્રહ જ ઝઝૂમી રહેલા માનવસંહારને અટકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે. રાજાઓના પ્રશ્નની સ્પષ્ટ સમજ એ આ નૈતિક મુદ્દાની ચોખવટનો એક મોટો અંશ છે. રાજાઓને અને તેમના સલાહકારોને તેમ જ અલબત્ત બ્રિટિશ મુત્સદ્દીઓને પણ જૂના મનોગ્રહ છોડીને અને નિષ્પક્ષપણે આ પ્રશ્ન તપાસવા અને વિચારવાને હું નોતરું છું.

સેવાગ્રામ, ૧૧-૧૨–૩૯
હરિજનબંધુ, ૧૭–૧૨–૧૯૩૯