← ધામીનો પાઠ દેશી રાજ્યોનો પ્રશ્ન
લીંબડી વિષે
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓ અને ચક્રવર્તી સત્તા →






૮૦
લીંબડી વિષે

લીંબડીના લોકો જોડે મારે લાંબો પત્રવહેવાર ચાલ્યા કર્યો છે, પણ તેમના ઉપર જે વીતી રહેલ છે તે વિષે ઘણા વખતથી કશું પણ કહેવાનું મેં ટાળ્યું છે. મારા મનમાં એવી આશા હતી કે જેઓ રાજા તેમ જ પ્રજા વચ્ચે સુલેહ કરાવવા મથી રહ્યા હતા તેમના પ્રયત્નને યશ મળશે. પણ એ આશા ઠગારી નીવડી.

લીંબડીની લડતના આરંભના બનાવો પછી ઘણું બની ગયું છે. જે ચોકસાઈ અને આગ્રહ સાથે લીંબડીમાં જુલમનીતિ ચલાવવામાં આવી છે તેવી કદાચ બીજે ક્યાંય નથી ચાલી. મારી પાસે આવેલી હકીકતો સાચી હોય — અને તે તેવી ન હોવાનું માનવાને મને કશું જ કારણ નથી — તો ખેડૂતોને તેમનાં ઘરબારથી શિકારનાં પ્રાણીઓની જેમ રંજાડવા અને તગડવામાં આવ્યા છે. આકરામાં આકરો તાશેરો તો પેલા દ્વેષનું પાત્ર થઈ પડેલા વાણિયાવર્ગ ઉપર વરસ્યો છે જે એક કાળે રાજ્યનો મિત્ર, લાડીલો અને આધારસ્તંભ હતો. પણ તેણે જવાબદાર રાજ્યતત્રનાં વિચાર અને વાત કરવાનું સાહસ કર્યું. ખેડૂતોમાં જઈને તેમને તેમના હકદાવાનું ભાન કરાવવાની અને તે કઈ રીતે મેળવવા તેના માર્ગ બતાવવાની તેણે હિંમત કરી. આ હિજરતી વેપારીઓની દુકાનો તેમ જ ઘરબાર સાચું જોતાં લૂંટવામાં જ આવ્યાં. બીજો કોઈ શબ્દ એને સારુ હું વાપરી શકું એમ નથી. હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ જાતના નામના કાયદેસર વિધિ પણ આ બાબતમાં કરવામાં આવ્યા નહોતા. જુલમનીતિ ચલાવનારની મરજી એ જ સર્વોપરી કાયદો હતો. આની પાછળ લોકોને થથરાવીને જેર કરવાની જ કલ્પના રહેલી હતી. આ સ્થિતિમાં કેટલાક ઢીલા પડ્યા એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. લડતનું સંચાલન કરનારાઓને મારી સલાહ છે કે આવા ઢીલા પડેલા લોકોને રાજ્યને શરણ થતા અટકાવવાનો પ્રયાસ તેઓ ન કરે. તેમને તો એટલું ભલે સમજાવી દે કે એવી રીતે મીણો ભણીને રાજ્યને શરણ થયા પછી પણ તેમના શા હાલ થવાની વકી છે. પણ સમાજમાં એવા લોકો હોય છે જે પોતાનાં માલમિલકતને પોતાની ઇજ્જત કરતાં વધુ વહાલાં ગણે. આવા લોકો કોઈ પણ સ્વાતંત્ર્યની હિલચાલને કેવળ બોજારૂપ હોય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ તો એવા વીરલાથી જ થાય જે શૂરા અને ત્યાગી છે અને જેઓ ઇજ્જતને ખાતર પોતાનું સર્વસ્વ હોમવાને હરહમેશ તૈયાર છે. જેઓ બલિદાનની કિંમત અને અગત્ય સમજનારા છે તેઓ થોડા હોય કે ઝાઝા, પણ તેઓ તો જેમ જેમ કુરબાનીઓ આપવી પડે તેમ તેમ આનંદથી નાચે કે લીંબડીમાંનાં તેમનાં માલિમલકત લૂંટાઈ ગયાં. તેમણે અધ્ધર સ્થિતિમાં અથવા તો તત્કાળ સમાધાન થવાની આશામાં ન જ રહેવું જોઈએ. તેઓ રાજ્ય બહાર રહી ઇજ્જતના ધંધારોજગાર કરે, અને હંમેશાં દૃઢ શ્રદ્ધા રાખે કે એક દિવસ એવો ઊગ્યે જ છૂટકો છે કે જ્યારે લીંબડીની પ્રજા પોતાનું ખોયેલું પાછું મેળવશે. એવો દિવસ આવશે —અને તે આવવો જ જોઈએ — ત્યારે તે પેલા મૂઠીભર ત્યાગી પુરુષોના શૂરાતનનું અને ફનાગીરીનું ફળ હશે કે જેમણે આકરામાં આકરી દમનનીતિ સામે શિર ઝુકાવવા ના પાડી છે. તેઓ હેનરી થૉરોનું પેલું અમર વચન યાદ રાખે કે, જુલમી રાજ્યમાં મિલકત ધરાવવી એ પાપ છે અને મુફલિસી મહાપુણ્યરૂપ છે.

આટલું તો મારી પાસે આવેલા વિશ્વસનીય પુરાવા વિષે. પણ લીંબડીએ આવું જુલમી રાજ્ય શા સારુ બનવું જોઈએ ? મારી પાસે આવેલા નિવેદનમાં જો અતિશયોક્તિ હોય તો રાજ્યના સત્તાવાળાઓ તેનો રદિયો મારા પર મોકલી આપે. તે ઘણી ખુશીથી છાપીશ. તેથીયે સારું તો એ કે રાજ્યની સામે કરવામાં આવેલા આક્ષેપોના ખરાપણા સામે રાજ્ય વાંધો લેતું હોય તો તે એક નિષ્પક્ષ અદાલતી તપાસ નીમે.

હું લીંબડીના ઠાકોર સાહેબને જાહેર વિનંતી કરવા ઈચ્છું છું. તેમની અંગત પિછાનનો સુયોગ મેં ભોગવ્યો છે. તેમની મહેમાનગીરી પણ લીધી છે. તે ધાર્મિક વૃત્તિના અને ઈશ્વરથી ડરીને ચાલનારા પુરુષ તરીકે જાણીતા છે. તેમની વચ્ચે અને તેમના પ્રજાજનો, જેમાંના કેટલાક જાણીતા અને આબરૂદાર તેમ જ લીંબડીમાં જોખમ ધરાવનારા માણસો છે, તેમની વચ્ચે આવો અંટસ ચાલુ રહે એ કોઈ વાતે ઠીક નથી. એ બધા લોકોને દાઝે બળ્યા ટોળાંના ગણી કાઢવા એ અયોગ્ય છે. તેમને કશો પોતીકો સ્વાર્થ નથી. રાજ્યની સામે મોરચો માંડવામાં તેમને કશો દુન્યવી લાભ સાધવાનો નથી. તેમણે તો ઘરબારથી પરાગંદે થઈને અને મરજિયાત દેશવટા લઈને દુન્યવી ગણતરીએ પાર વગરનું નુકસાન જ વહોર્યું છે. ડાહ્યો રાજવી આવા પ્રજાજાનો દુભાયેલા રાખતાં પહેલાં પચાસ વેળા વિચાર કરે. એ તો એવો જ નિર્ણય કરે કે આવા આવા લોકો જ્યાં આવડાં કષ્ટ માથે લઈ રહ્યા છે ત્યાં ખસૂસ રાજવહીવટમાં સડો તથા પોતાના અમલદારોને પક્ષે અન્યાય હોવાં જ જોઈએ. તે આવા દુભાયેલા પ્રજાજનોને નોતરે, તેમની રાવ સાંભળે અને તેમનું સમાધાન કરે. ઠાકોર સાહેબે આવો માર્ગ ગ્રહણ નથી કર્યો. હજુયે તેમને સારુ વેળા વહી ગઈ નથી.

સેવાગ્રામ, ૩૧-૮-૩૯
હરિજનબંધુ, ૧૦-૯-૧૯૩૯