દેશી રાજ્યોનો પ્રશ્ન/સત્યાગ્રહીની લાયકાત
← સમય ઓળખો | દેશી રાજ્યોનો પ્રશ્ન સત્યાગ્રહીની લાયકાત મોહનદાસ કરમચંદ ગાંધી |
દેશી રાજ્યો → |
સત્યાગ્રહીની લાયકાત
છેલ્લા ચાર દિવસના મારા ઉપવાસે સત્યાગ્રહીએ કેળવવાની લાયકાતો વિષે મને વિચાર કરતો કરી મૂક્યો છે. આ લાયકાતો મેં સને ૧૯૨૧ માં વિચારી હતી અને લખી પણ હતી. પણ તે ભુલાઈ ગઈ લાગે છે. અત્યારે ઘણાં દેશી રાજ્યોમાં સત્યાગ્રહ ચાલી રહ્યો છે અગર તો ચલાવવાના વિચાર ચાલે છે. તેથી એ લાયકાતોની વિગતો ફરી એક વાર રજૂ કરવાની અને ઘણા કાર્યકર્તાઓમાં જે ભૂલભર્યા વિચારો પ્રચલિત હોવાનું જણાય છે તેની સફાઈ કરવાની જરૂર છે.
વળી અત્યારે અહિંંસાથી નહિ પણ હિંંસાથી બધે વાતાવરણ ધમધમી રહેલું છે એવે વખતે સૌથી વધારે કાળજી રાખવી ઘટે. બલ્કે અત્યારે કોઈ એટલે સુધી પણ વાજબીપણે દલીલ કરી શકે કે આટલા બધા હિંસામય વાતાવરણ વચ્ચે અહિંંસાને અવકાશ જ નથી. આ દલીલ એટલે સુધી પણ લંબાવી શકાય કે અહિંંસા સાવ નકામી વસ્તુ થઈ પડે. પણ અહિંસાવાદીનો દાવો તો એ છે કે ચાહે તેવા ભયાનક હિંસાબળને પણ માત કરનારી એકમાત્ર શક્તિ અહિંસા જ છે. આમ છતાં જ્યારે હિંસા વાતાવરણને વ્યાપી દે છે ત્યારે પણ અહિંસા સવિનય ભંગ રૂપે જ પ્રગટ થવી જોઈએ એવો નિયમ નથી. અને જો એ સવિનય ભંગ રૂપે પ્રગટ થવાની હો તો તેને ઘટતી મર્યાદાઓ મુકાવી જોઈએ. સત્યાગ્રહમાં સંખ્યાને પ્રતિષ્ઠા નથી, ગુણની જ કિંમત અંકાય છે — જે વખતે હિંસાનાં બળો સર્વોપરી હોય ત્યારે વળી વધારે.
વળી એ પણ ઘણી વાર ભુલાઈ જાય છે કે સત્યાગ્રહીનો હેતુ બૂરાઈ કરનારને મૂંઝવવાનો કદી નથી હોતો. એના ભયને નહિ પણ એના જિગરને જ હંમેશાં જાગૃત કરવાનો એનો પ્રયત્ન હોય છે. સત્યાગ્રહી એ દુષ્ટને મજબૂર કરવા નહિ પણ એનો હૃદયપલટો કરવા જ હમેશાં ઇચ્છશે. સત્યાગ્રહીએ પોતાના તમામ આચારમાં કૃત્રિમતાને કાઢી નાંખવી રહી. એ હંમેશાં સ્વાભાવિકપણે અને અંતરના વિશ્વાસને આધારે જ વર્તશે.
આ વિચારસરણીને નજર આગળ રાખીને વાચક નીચલી લાયકાતો, જેને હું આ દેશના દરેક સત્યાગ્રહીને સારુ જરૂરી ગણું છું, તેને વિચારે અને અંતરમાં ઉતારે:
૧. ઈશ્વર ઉપર જ્વંલત શ્રદ્ધા; કારણ એ જ એકમાત્ર અતૂટ આધાર છે.
૨. તેને સત્ય અને અહિંસામાં ધર્મભાવે આસ્થા હોવી જોઈએ. અને તેથી મનુષ્યસ્વભાવના હાડમાં વસતી ભલાઈમાં તે માનતો હોવો જોઈએ. આ ભલાઈ તે સત્ય તેમ જ પ્રેમને રસ્તે જાતે દુઃખ ખમીને જાગૃત કરવાની તે હંમેશાં આશા રાખે.
૩. તે શુદ્ધ જીવન ગાળનારો હોય અને પોતાના કાર્યને અર્થે પોતાનાં જાનમાલ સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા હંમેશાં તૈયાર હોય.
૪. તે સતત ખાદીધારી તેમ જ કાંતનાર હોય. હિંદુસ્તાનને સારું આ બાબત અગત્યની છે.
૫. એ નિર્વ્યસની હોય અને બધી જાતનાં કેફી પીણાં ઇત્યાદિથી મુક્ત રહે. તેથી તેની બુદ્ધિ હંમેશાં નિર્મળ અને તેનું મન નિશ્ચળ રહેતાં હોય.
૬. વખતોવખત ઘડાતા શિસ્તના નિયમોનું તે રાજીખુશીથી અને ચીવટપૂર્વક પાલન કરે.
૭. તે જેલનિયમોનું પાલન કરે, સિવાય કે જ્યાં તેના માનભંગને ખાતર જ કોઈ નિયમો ખાસ ઘડવામાં આવ્યા હોય.
સત્યાગ્રહીની લાયકાતોની આ યાદીને કોઈ સંપૂર્ણ ન ગણે. ઉદાહરણરૂપે જ તે અહીં આપી છે.
- નવી દિલ્હી, ૨૦–૩–૩૯
- હરિજનબંધુ, ૨૬–૩–૧૯૩૯