← નિવેદન દ્વિરેફની વાતો
બે બોલ
રામનારાયણ પાઠક
ઉપોદ્‌ઘાત →



બે બોલ

વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદી થયેલી નહિ, તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ: સ્ફુટ ઈચ્છા નહિ. પણ માથે પડ્યું માણસ શું નથી કરતો ?

૧૯૨૨ ની આખરમાં કે ’૨૭ ની શરૂઆતમાં એક વિદ્યાર્થી-મિત્ર ‘કલ્લેાલ’ નામના હસ્તલિખિત સામયિક માટે મારી પાસે એક લેખ લેવા આવ્યા. માસિકમાં મારા પહેલાં એક અધ્યાપકે વાર્તા લખી હતી તે જોઈ મને પણ આવા ખાનગી માસિકમાં વાર્તા લખવાનું મન થયું. કેટલાંક વરસો પહેલાં ‘સ્ટ્રૅન્ડ મેગેઝિન’માં એક વાર્તા વાંચેલી તેના સંસ્કારો, ચિત્તશાસ્ત્રના એક બે નિયમો રૂપે મારા મનમાં હતા. એક તો એ કે કોઇ પણ કાર્ય એક માણસે કર્યા પછી ‘તે હું પણ કરી શકત’ એવો વિચાર લગભગ દરેક માણસને થવા લાગે છે; અને બીજો એ, કે એ વિચાર સેવાતાં એટલો દૃઢભૂમિ થાય છે કે ‘તે મેં જ કર્યું હતું’ એવો ભ્રમ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ નિયમોને મૂર્ત રૂપ આપવા મેં એક નાની વાર્તા એ ભાઈને ઘસડી આપી. ‘વીણા' માટે ભાઈ યશવંત પંડ્યાએ મારી પાસે વાર્તાની માગણી કરતાં, ‘કલ્લોલ'માંથી નકલ કરી મંગાવી અને તેને જરા મઠારીને ‘વીણા’માં પ્રસિદ્ધ કરી. પ્રસિદ્ધિસમયના એક સાહિત્યયોજનાને લગતા વિવાદને અનુલક્ષીને એ લખાઈ છે એવો મત ચાલ્યો હતો, પણ તે માત્ર સમયનો અકસ્માત જ હતો.

વાર્તા લખવાનું, ‘યુગધર્મ’ ચાલતું હતું. ત્યારે ખરેખરું માથે આવ્યું. ‘યુગધર્મ’માં વાર્તાનું અંગ ઉમેરવાનો નિશ્ચય થયો ત્યારથી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. એ પ્રવૃત્તિ ‘યુગધર્મ’ ચાલ્યું એટલો વખત ચાલી, ‘યુગધર્મ’ બંધ પડતાં પાછી બંધ પડી ; ‘પ્રસ્થાન’ શરૂ થતાં પાછી શરૂ થઇ. સંગ્રહના અંતમાં મૂકેલી સૂચી ઉપરથી તે જોઈ શકાશે.

આ સંગ્રહમાં ‘યુગધર્મ’માં અને ‘પ્રસ્થાન’માં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ એકઠી કરી મૂકી છે. કોઈ શબ્દોની હારફેર કે જરૂરની લાગેલી નાની વિગતની ઉમેરણી સિવાય વાર્તાઓ મૂળ રૂપે જ મૂકેલી છે. છેલ્લી વાર્તા નવી છે. વાર્તા લગભગ પ્રસિદ્ધિના અનુક્રમે મૂકેલી છે.

ઉપર જણાવ્યું તેમ ‘એક પ્રશ્ન’ અંગ્રેજી વાર્તાના સંસ્કારો ઉપરથી લખેલી છે. પછીથી કોઈ પણ વાર્તાનું અનુકરણ કર્યું નથી.

આ પ્રસિદ્ધિને અંગે એક બે ખુલાસા કરવા જરૂરના છે. મારા એક મુરબ્બી સાક્ષરે માસિક મનનમાં લખેલું કે દ્વિરેફે હવે ‘ફઇએ પાડેલા’ નામ સાથે બહાર પડવું જોઇએ. છતાં આ વાર્તાઓ સ્વયંકૃત નામ સાથે બહાર પાડી છે. ‘ફઇએ પાડેલા’ નામ માટે કોઈ ખુલાસો માગતું નથી, પણ પોતે પાડેલા નામ માટે તો, અને તે પણ માસિકમાં કડકે કડકે લખવામાંથી પુસ્તકાકારે વાર્તાઓ બહાર પાડવા જેટલી ધૃષ્ટતા કરું ત્યારે તો, ખુલાસો કરવો જોઇએ.

અને તે ખુલાસો મેં થોડો તો પહેલાં કર્યો છે. વાર્તાલેખનને હું મારી મુખ્ય પ્રવૃત્તિ માની શક્યો નહોતા, અત્યારે પણ માની શકતો નથી. મારી મુખ્ય પ્રવૃત્તિ, ઇષ્ટ પ્રવૃત્તિ જુદી છે. અને આવી ગૌણ અને સ્ખલિત પ્રવાહવાળી પ્રવૃત્તિને નામનો ઠઠારો શો કરવો, એમ મારા મનમાં.

અને બીજું કારણ તો કદાચ સર્વ લેખકોને સામાન્ય હશે. સરસ્વતીદેવીના પદે મોટું કે નાનું, તાજું કે વાસી, ગમે તેવું ફૂલ ધરતાં ક્યા સાહિત્યોપાસકને પ્રથમ સંકોચ નહિ થયો હોય ! શૉપનહાઉર કહે છે કે સત્યદેવતા કોઈ ગણિકા નથી કે તમને ખુશ કરવા તે હાવભાવ કરતી આવે! તે તો એક અતિ શરમાળ કુમારિકા છે, જે માંડ માંડ ઘણી ઉપાસનાને અંતે એકાદ કૃપાકટાક્ષ કરે ! હું સત્યદેવતાને જ રૂપાન્તરે કલાદેવતા સમજું છું. અને સરસ્વતી તો દુરારાધ્ય મુગ્ધ કુમારિકા જ છે. ગમે તેવો ધૃષ્ટ ઉપાસક પણ તેની પાસે જતાં નામના પટાંતર રાખે છે. અને આ નામરૂપ જગતમાં હવે મને એ નામનો મોહ થયો છે.

દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે. પણ પુષ્પોમાંથી મધુ ભેગું કરી આપનાર ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી અને મારી ધણીએ વાર્તા કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહિ પણ યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.

તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરો ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીમાં કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતો અને લોકો તેને લઈ લઈ સંઘરતા. એ સંત કવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કેળવી શક્યો નથી. છતાં હું પણ આ વાર્તા તરતી મુકું છું. તેમાંથી કોઈ ઉદ્ધારાવી હશે તો ઉદ્ઘારાશે, નહિ તો સમયપ્રવાહમાં કે દૃષ્ટિ પારના કાલમહાસાગરમાં લુપ્ત થશે.

માઘ વદ ૫, શુક્ર,
સં. ૧૯૮૪
અમદાવાદ
રામનારાયણ વિ૦ પાઠક