← પ્રસ્તાવના દ્વિરેફની વાતો – ભાગ બીજો
હૃદયપલટો
રામનારાયણ પાઠક
છેલ્લો દાંડક્ય ભોજ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



હૃદયપલટો

સાધારણ કરતાં કંઈક વધારે ઊંચી વંડીવાળા એક નવા નાના સાદા ઘરના ચૉકમાં સાંજના ચારેક વાગે ફૉન્સેકા અને તેની પત્ની જેની ચા પીવા બેઠાં છે. બંનેએ સાદો પણ યુરોપિયન સાહેબોના જેવો પહેરવેશ પહેર્યો છે. ત્યાં તેમના નોકર ચુનિયાએ ચાની ટ્રે મૂકી અને જેનીએ બે પ્યાલા ભરી તેમાં દૂધ સાકર નાંખી ચા હલાવી. બાહ્ય તૃપ્તિથી અને આંતર રસહીનતાથી જીવનમાં જે શૂન્યતા આવે છે તેની શાન્તિમાં બન્ને ચા પીવા માંડ્યાં. એટલામાં સખત વંટોળ ચડ્યો. આસપાસ ઊંચી વંડી હતી અને નીચે પાણી છાંટેલું હતું છતાં તોફાને આમના ચા ઉપર હૂમલો કર્યો અને વધતાં વધતાં આંધીનું રૂપ લીધું. ધૂળવિનાની મુંબઈ પહેલી જ વાર છોડીને આ અજાણ્યા પ્રદેશમાં આવેલાં આ ક્રિશ્ચન દંપતીને આ દૃશ્ય વિચિત્ર લાગ્યું. એમને ચકિત થયેલાં જોઈને ચુનિયાએ કહ્યું  : “સાહેબ, હવે તો આવી આંધીઓ ચડ્યા જ કરવાની.”

શેઠે કહ્યું: “તેં કેમ જાણ્યું?”

“સાહેબ, ચોમાસું પાસે આવ્યું. આવી નવ આંધીઓ ચડે એટલે વરસાદ આવે. ઓણ ચોમાસું વહેલું આવશે.”

“પણ હજી બીજી આઠ આંધી ચડશે ત્યારે આવશે ને !”

“સાહેબ, પણ દેડકી અત્યારથી બોલવા લાગી છે, ચોમાસું વહેલું આવશે.”

“વહાલી જેની!” ફૉન્સેકાએ પત્નીને સંબોધીને કહ્યું: “હવે તું મુંબઈ વહેલી જાય તો સારું. વરસાદ આવશે તો અહીંના કાદવમાં મોટર ચાલશે નહિ અને તને મોકલાશે નહિ. તેમ જરૂર પડશે તો ડૉક્ટરને પણ બોલાવી નહિ શકાય.”

“વહાલા, મારો હાથ જોઈને એક જણે કહ્યું છે કે આ વરસ મારે ભારે છે. હું તારાથી જુદી નહિ પડું.”

“આવા હાથ જોનારા કોણ જાણે ક્યાંથી તને મળે છે. તું જાણે છે કે અહીં આપણે એકલાં છીએ. નજીકમાં આપણી કોમનું કોઈ નથી. આસપાસનાં માણસો આપણને બિલકુલ મદદ કરે તેમ નથી. છતાં તું અહીં રહેવાની હઠ કરે છે તે કેટલું બેહૂદું છે?”

“મેં તો તમને ના જ કહી હતી કે આ દેશી લોકોના નિસાસાની જમીન તમે ન લો તેમ છતાં તમે લીધી.” પહેરવેષમાં તેમજ દૃષ્ટિબિંદુમાં, બન્નેમાં, દેેેશી ખ્રિસ્તીઓ પરદેશી થતાં જાય છે.

ફૉન્સેકા જરા ચિડાયો. “રહી રહીને એનું એ જ બોલવાનું? બીજું કશું મળે જ નહિ! શું તને ગામડામાં સુંદર બગીચા ને વિલ્લા કરી રહેવાની ઈચ્છા નહોતી? અને હિંદુ લોકોને અને આપણે શું? કૌંસિલની ચૂંટણીમાં તે લોકોએ પ્રોફેસર ડી. સૂઝાને એક પણ વૉટ આપ્યો?”

“આપણે પણ ક્યાં એ લોકોને વૉટ આપીએ છીએ ! પણ આપણે પણ એક દિવસ તો તેમના ભેગાં જ હતાં ને ! અત્યારે પણ તેમના હક્કો ડુબાવીને આપણે જમીન લીધી પણ તેઓ આપણને કાંઈ કહે છે?”

બન્ને વચ્ચે ટપાટપી લાંબી અને ગરમાગરમ ચાલી. છેવટે તેના પ્રત્યાઘાતરૂપે બન્ને સમાધાન ઉપર આવ્યાં. જેનીએ વચન આપ્યું કે હિંદુઓની જમીન લીધા બાબત હવે પછી કદી મહેણું ન મારવું. ઓપટીના પ્રંસગ માટે અત્યારથી જ એક સારી નર્સ બોલાવવાનું નક્કી થયું.

ધૂળનું તોફાન હવે શમ્યું હતું. સાંજે બન્ને સાથે ફરવા નીકળતાં તે મુજબ ફૉન્સેકાએ ફરવા નીકળવા કહ્યું. જેનીએ આજે ફરવા જવાની ના પાડી. અને ફૉન્સેકા સામી ભીંતેથી બંદૂક લઈ એકલો જ ફરવા ચાલ્યો. ફરવા જતાં તે બંદૂક સાથે લઈને જતો. પોતે શિકારે જાય છે એમ બહારથી બતાવતો, કોઈ કોઈ વાર ચકલાં પારેવાં સસલાં મારી પણ લાવતો, પણ ખરું તો તેને લોકોની બીક હતી અને તેથી લોકોને ડરાવવા તે બંદૂક સાથે રાખતો. બંદૂકનો પરવાનો તેણે અહીં આવ્યા પછી જ લીધો હતો.

ફૉન્સેકા ગયા પછી જેની ત્યાં જ બેસી રહી. આજની ટપાટપીથી તેને અહીં આવવાનો આખો પ્રસંગ યાદ આવ્યો. સરકાર પાસેથી ન્યાય ન મળતાં દેવુસણા તાલુકાના લોકોએ મહેસૂલ અટકાવ્યું. સરકારે બધા દોરદમામથી જપ્તીઓ કરી જોઈ પણ કાંઈ ન વળ્યું, પછી જમીન ખાલસા કરી, છતાં લોકો હઠ્યા કે ડર્યા નહિ. છેવટે જમીન હરરાજ કરી પણ કોઈએ લીધી નહિ. જમીનની હરરાજીની ખાસ સરતોની જાહેરખબરો બહાર પડી. ગવર્મેન્ટ ગૅઝેટમાંથી ફૉન્સેકાએ તે જેનીને વાંચી બતાવી. જેનીને ગામડામાં એક સાદું, સુખમય, સુઘડ જીવન ગાળવું હતું, વળી ફૉન્સેકાને એક્સાઈઝ ખાતાની નોકરીમાં ઘણા દિવસ બહાર રહેવું પડતું. ભયંકર જંગલોમાં ભટકવું પડતું, તેથી તે કંટાળી ગઈ હતી. જેનીના પિતા મોટા જમીનદાર હતા તેથી આમને પણ આ જમીન લેવાનો વિચાર થયો. જેનીએ નિસાસાની જમીન લેવાનો વિરોધ કર્યો પણ છેવટે સુખી કલ્પેલા જીવનની લાલસાથી દોરાઈ તેણે હા પાડી. દેવુસણાની જે જમીન કોઈ હિંદુએ ન લીધી, કોઈ મુસલમાને ન લીધી, કોઈ પારસીએ ન લીધી, તે છેવટે આ ક્રિશ્ચનોએ લીધી. ગામથી અરધો માઈલ દૂર આશરે ૮૦ એકરમાં સારામાં સારી જમીન તેમણે પસંદ કરી.

જમીન લેતાં શું લીધી તો ખરી પણ પછીની મુશ્કેલીઓ ઓછી નહોતી. દેવુસણા ગામમાં કે તાલુકામાં તેને જમીન ખેડવા તો કોઈ ન મળે પણ ઘર ચણવા કે ઘરનું કામ કરવા પણ ન મળે. બજારમાં ચીજ ન મળે, રૂપિયાનું પરચૂરણ પણ ન મળે. ફૉન્સેકાના કાકાએ રેલવેનાં મકાનોનો કોન્ટ્રૅક્ટ લીધેલો તેણે પોતાના મજૂરો પાસે ઘર બંધાવી આપ્યું. ફૉન્સેકાના એક મિત્ર એક દેશી રાજ્યમાં બેન્ડમાસ્તર હતા, તેને ત્યાં કડીનો એક દુકાળિયો ઘણાં વરસથી રહેતો તે વિશ્વાસુ નોકર ચુનિયો તેમણે ખાસ ફૉન્સેકાને આપ્યો અને એ રીતે આ દંપતીનું ઘર ચાલવા માંડ્યું.

જેનીનાં ગામડાનાં સ્વપ્નાં તો ક્યાંઈ રહી ગયાં અને તેને બદલે તેને જીવન એક કેદખાના જેવું લાગવા માંડ્યું. ઘરની ઊંચી કાચના કડકા ખોસેલ વંડી તેને ખરેખર જેલની દિવાલ જેવી લાગતી હતી. આખો દિવસ વાત કરવાને પણ કોઈ મળે નહિ. ધણી સાથે પણ તે કેટલુંક બોલે, કે વાત કરે, કે પ્રેમ કરે ! બહારની બધી જરૂરિયાતોની તૃપ્તિથી તે ઊલટી વધારે મૂંઝાતી હતી. બહાર નીકળતાં લોકોની “આ અમારી જમીન લઈ ગયાં છે” એમ કહેતી દૃષ્ટિથી તે જાણે દાઝતી હતી, શોષાતી હતી. તેને લાગ્યું કે આ પાપ કરવામાં ધણીની સાથે પોતે પણ ભાગીદાર છે.

વળી તેનું વિચારચક્ર ફર્યું. તેણે વાંચ્યું હતું કે ખરાબ વિચારોની ગર્ભના બાળક પર ખરાબ અસર થાય છે. તેણે સારા વિચારો કરવાનો પ્રયત્ન કર્યો. જમીનનો વિચાર કરવાનું બંધ કરવાનો નિશ્ચય કર્યો. ફૉન્સેકાને પણ તેણે હમણાં જ એ નહિ બોલવાનું વચન આપ્યું છે. કંઈ નહિ, આ જમીનની ઊપજમાંથી પણ લોકોનું ભલું કરી શકાશે. નિશાળ કાઢી શકાશે, દવાખાનું કાઢી શકાશે, નાનું સરખું દેવળ બાંધી શકાશે અને આ લોકોને ખ્રિસ્તી ધર્મનો બોધ કરીને ખ્રિસ્તી બનાવી શકાશે. આ ‘સારા’ વિચારોના સુખમાં તે અર્ધનિદ્રિત થઈ ગઈ.

માણસ પોતે કરેલા ખરાબ કૃત્યને સુધારીને નહિ, પણ તેને વિસારીને સારો થવા માગે છે !

*

રાતના દશેકનો સુમાર છે. જેનીને પ્રસૂતિની સખત પીડા થાય છે. ફૉન્સેકા વારંવાર નર્સને તેની તબિયત પૂછવા જાય છે અને કશો ખાસ ઉત્તર મળતો નથી. તે ગાભરો ગાભરો ચૉકમાં અતિ વ્યગ્ર મને આંટા મારે છે. એકદમ કાંઈ નવું જ સાંભર્યું હોય તેમ નર્સ પાસે જઈ તેણે પૂછ્યું : “પ્રસૂતિમાં ગમે તેવી મુશ્કેલી હોય તોપણ તમે કામ કરી શકશોને ?”

આ પ્રશ્ન જરા પણ નવો નહોતો. તેણે તે લગભગ હરરોજ પૂછ્યો હતો અને આજની વેદનામાં આ ચોથી વાર પૂછ્યો હતો. પણ નર્સને માણસની આ પ્રકૃતિની ખબર હતી. તેણે ધંધાને અંગે કેળવેલ ધીરજથી અને મૃદુતાથી જવાબ આપ્યો: “નૉર્મલ [] કેસ હશે તો વાંધો નહિ આવે.પણ કાંઈ ઍબનૉર્મલ [] હોય તો ડૉક્ટરની જરૂર પડે.” આ જવાબ ફૉન્સેકાએ પૂરેપૂરો સાંભળ્યો પણ નહિ અને સાંભળત તો તે સમજી પણ ન શકત. આંખો દુઃખમાં મીંચી દઈ, કપાળ પરના વાળનો જોરથી બાચકો ભરી, તેણે પાછું ચૉકમાં અનિયમિત ફરવા માંડ્યું.

થોડી વાર તે ફર્યો હશે એટલામાં નર્સ આવી અને ફૉન્સેકાને કહ્યું કે બાળક આડું છે. ખાસ હોંશિયાર ડૉક્ટરની જરૂર છે. તમે એકદમ બોલાવો. બાઈને અસહ્ય દરદ થાય છે.

સાધારણ રીતે ગામમાં કોઈ ડૉક્ટર રહેતો નહોતો. પણ આજે એક આવ્યો હતો. ગુલાબભાઈ દેસાઈની દીકરીનાં આજે લગ્ન હતાં અને તેમના વેવાઈ ડૉક્ટર હતા. પણ તે આવશે કે નહિ તે કહેવું મુશ્કેલ હતું. ગુલાબભાઈ મહેસૂલ ન ભરવાની હિલચાલના સ્થાનિક નેતા હતા. સ્વભાવે ઉગ્ર હતા અને આખા ગામમાં તેમની રાડ ફાટતી. ફૉન્સેકા પહેલાં તો તેમને એકદમ તેડી લાવવાના વિચારથી બારણા તરફ દોડ્યો, પણ પછી, કોઈએ બાંધેલા દોરડાથી પાછો ખેંચ્યો હોય એમ, એકદમ પાછો વળ્યો. આજ સુધી ગામના એક પણ માણસને તે મળ્યો નહોતો, ગુલાબભાઈને પણ મળ્યો નહોતો, સર્વને તે પોતાના શત્રુ સમજતો. તે શી રીતે અત્યારે બોલાવવા જાય ! તે પાછો ફરી ખુરશી પર માથું નાખી પડ્યો. દીન વદને તેણે નર્સને કહ્યું: “તમે એક ધંધાનાં છો, એટલે તમારું માનશે.”

પાસે પેલો ચુનિયો નોકર હતો તે બોલ્યો: “અબદુલ ઘાંચીને કહો તો બોલાવી લાવું.”

આપણા દેશની પ્રાચીન શક્તિ, આવડત, વિદ્યા, કલા, કૌશલની અનેક વિભૂતિઓ હજી ગામોમાં છૂટીછવાઈ પડેલી હોય છે. હજી કઇક ગામોમાં કુશલ તરનારા, સાપ ઉતારનારા, કમળો ઉતારનારા, ડામ દેનારા, કાન વીંધનારા, હાડકાં ચઢાવનારા, કંઠમાળ જેવા હજી અસાધ્ય મનાતા રોગો મટાડનારા, યોગપ્રક્રિયાઓ અને ઉપાસના કરનારાઓ હોય છે. તેઓ પોતાની રીતે કામ કરી, પોતાની આસપાસ સુકૃત્યોનો પમરાટ ફેલાવી સમય પૂરો થયે ચાલ્યા જાય છે. આ જાહેરખબરોના જમાનામાં તેમને વિશે કોઈ કશું જાણતું નથી. તેમનામાં સાચું કેટલું હતું, વહેમ કેટલો હતો તે કોઈ વિચારતું નથી, અને તેમની જગા કોઈ પૂરતું નથી. અબદુલ ઘાંચી એવી એક વિરલ વિભૂતિ હતો. પ્રસૂતિનો ગમે તેવો મુશ્કેલ કેસ તે પાર પાડી શકતો. સ્ત્રીઓને સંકોચ ન થાય માટે તે પાટો બાંધીને કામ કરતો. એવી તેની કુશળતા હતી, એવી તેની ટેક હતી. તે પોતાનો ઈલમ ઈશ્વરદત્ત માનતો અને જે બોલાવે તેને ત્યાં જતો. કદી પૈસા લેતો નહિ. આ નવાં આવેલાં ક્રિશ્ચનો તો ગામમાં કોઈ સાથે ભળતાં નહિ પણ ચુનિયો સર્વને ઓળખતો થયો હતો. તેણે આ વાત સાંભળી હતી અને શેઠશેઠાણીને કહી હતી. ડૉક્ટરને આવવાનો સંભવ ઘણો ઓછો છે એમ માની ફૉન્સેકાએ, દેશી લોકોની ચીડ છોડી દઈ, અબ્દુલને બોલાવવાની હા પાડી.

ફૉન્સેકાની જમીનની સામે ઇનામી જમીનના આંબાવાડિયામાં ખોડીદાસ પટેલ રહેતો હતો. તે નામ પ્રમાણે ખોડો જ હતો. અને એ ખોડી બિલાડી અપશુકન કર્યા વિના રહી નહિ. કેટલાક માણસો જોઈને કે સાંભળીને નહિ પણ ગંધથી બનાવ જાણી જાય છે તેમ તે જાણી ગયો હતો કે બાઈને કાંઈક મુશ્કેલી છે. સત્યાગ્રહની લડતમાં તેણે પાઈ પણ ખોઈ નહોતી. સહી કરવામાં તે સૌથી છેલ્લો હતો તોપણ અત્યારે તે આટલી મોડી રાતે નર્સ કે ચુનિયાની પહેલાં ઘેરથી નીકળ્યો અને પ્રથમ અબદુલને ત્યાં ગયો. અબદુલ હજી જાગતો હતો. તેનો નાનો છોકરો ‘મા’ ‘મા’ કરી રોઈ રોઈને હમણાં ઊંઘી ગયો હતો, અને તે પોતે ઓટલા ઉપર શૂન્ય થઈ બેઠો હતો. પાણીમાં ઊંડા ઊતરી જતાં, આંખો બંધ હોઈ ડૂબનાર પાણી દેખતો નથી, છતાં પાણી તેને ચારે તરફ દબાવે છે અને ગૂંગળાવે છે, તેમ અબદુલ પોતાનાં દુઃખનો વિચાર કરતો નહોતો, પણ ચારેય તરફનાં દુઃખો તેને દાબીને મૂંઝવતાં હતાં.

‘અબદુલ કાકા, પેલો તમારો જમીનચોર બરાબર લાગમાં આવ્યો છે. ઘેર ખાટલો આવ્યો છે. જોજો ભોળા થતા !’ કહીને ગુલાબભાઈને ઘેર વધામણી ખાવા દોડ્યો. ગુલાબભાઈને ત્યાં બરાબર હસ્તમેળાપનો સમય હતો. ગુલાબભાઈ પાટલા પર બેઠા હતા. ખોડીદાસ આસપાસના લોકોને બહુ અગત્યનું કામ છે એમ સમજાવી ઠેઠ ગુલાબભાઈના પાટલા પાસે ગયો અને કાનમાં કહ્યું  : ‘ગુલાબભાઈ, પેલો જમીનચોર લાગમાં આવ્યો છે—’

“અલ્યા, પણ તારી કઈ જમીન ગઈ છે તે તું એને જમીનચોર કહેવા આવ્યો!” ગુલાબભાઈ ખોડીદાસને ઓળખતા હતા.

“પણ ગુલાબભાઈ—”

“રે જા હવે, મધરાતે ટાંગો ઉલાળતો આવે છે ! અત્યારે હસ્તમેળાપનો વખત છે એટલું પણ સમજતો નથી ! શું જાણીને ડાહ્યો થઈ બોલવા બેઠો છે. જા ઊઠ અહીંથી.” ખોડીદાસ ત્યાંથી નાઠો.

એટલામાં નર્સ આવી પહોંચી. તેણે ગુલાબભાઈને વાત કરી. ગુલાબભાઈ ખોડીદાસની વાત હવે સમજી ગયા. તેમણે તરત જ ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું  : “એ તો જમીનચોર થયા પણ આપણાથી એવાં થવાય ? તમે હમણાં ને હમણાં જાઓ.”

ગુલાબભાઈને મહાત્માજીનો અહિંસાનો સિદ્ધાંત કાર્યમાં પાળવાની ચીવટ હતી. અને તે સાથે જગતની નજરે સરકારના પક્ષકાર થઈ જમીન લેનાર ક્રિશ્ચનને નૈતિક મહાત આપવાની ઇચ્છા પણ હતી.

“પણ મારી પાસે અહીં કશાં સાધનો નથી.” ડૉક્ટરે કહ્યું.

“તે ગમે તેમ હોય પણ તમે જાઓ અને જે થઈ શકે તે કરો. બાઈને બચાવો.” ડૉક્ટર માથે ટોપી નાખી હાથમાં લાકડી લઈ ચાલ્યા.

ડૉક્ટર પહોંચે તે પહેલાં અબદુલ પહોંચ્યો હતો. કંઈક અપરિચયથી ફૉન્સેકા અબ્દુલને આવકારનો શબ્દ સુદ્ધાં કહી શક્યો નહિ. પણ અબ્દુલે પોતાના સ્વભાવની સરળતાથી કહ્યું  : “હાથ ધોવા પાણી લાવો. ધૂપ કરવા દેવતા લાવો.” ચુનિયાએ પાણી આપ્યું તેનાથી હાથ ધોયા, પછી દેવતા પર સાથે પડીકીમાં આણેલો લોબાન નાખી ધૂપ કર્યો. તે પર હાથ ધરી કાંઈક બોલ્યો, હાથ આંખોએ અડાડ્યા. પછી સાથે આણેલો પાટો તેણે ધૂપ પર ધર્યો. અને ચુનિયા પાસે આંખે પાટો બંધાવ્યો. “હવે મને બાઈના ઓરડામાં લઈ જાઓ.”

પ્રસૂતિના ઓરડામાં જતાં જ તેણે કહ્યું  : “નહિ હોં માઈ ! તું તો મારી બહેન થાય. ગભરાઈશ નહિ. આંખો જરા વાર મીંચી જા અને હું કહું તેમ કરજે બહેન !” તેના મુખ પર ઑપરેશન કરનારની ચપળતા નહોતી પણ ધર્મક્રિયા કરનારની ગંભીરતા હતી, તેનું મોં અને આંખ ઉપરનો પાટો—એ પાટો ગાંધારીએ જીવનભર રાખેલા પાટાથી ઓછો પવિત્ર નહોતો —જોઈ આ ક્રિશ્ચન બાઈને શ્રધ્ધા થઈ. તેણે આંખો મીંચી દીધી.

અબદુલે પોતાનું કામ શરૂ કર્યું. એટલામાં ડૉક્ટર અને નર્સ આવ્યાં. ફૉન્સેકા જરા સ્વસ્થ થયો હતો. તેણે ડૉક્ટરને આવકાર આપી અબદુલની વાત કરી. ડૉક્ટરે અબદુલની વાત સાંભળેલી, તેથી તેણે તેને જ કામ કરવા દીધું. ડૉક્ટર અને નર્સ જોતાં દૂર ઊભાં રહ્યાં.

ફૉન્સેકા બહાર ઊભો હતો. કોઈ કોઈ વાર જેનીના વેદનાના અવાજો, અબ્દુલના સાંત્વનના શબ્દો અને સૂચનાઓ “ફિકર નહિ હોં બહેન, જરા જોરથી દમ લે...”, વચમાં વચમાં નર્સે ઉચ્ચારેલા પ્રશંસાના ઉદ્‌ગારો, શ્વાસ અદ્ધર રાખીને તે દૂરથી સાંભળતો હતો. થોડા વખત પછી અબદુલે આશ્વાસનનું ‘બસ’ કહ્યું અને તે પછી થોડી વારે નવા બાળકનો રડવાનો અવાજ, જાણે જગતમાં પોતાને માટે માર્ગ કરતો હોય, જાણે એક નવા જીવની ગણના કરવા ફરજ પાડતો હોય એવો આવ્યો. અને અબદુલે અર્ધ હાસ્યથી કહ્યું: “પોર્યા, જન્મતાં આટલું પરાક્રમ કર્યું તો મોટો થઈને શું એ કરીશ ?” તેણે અવાજ ઉપરથી છોકરો છે એમ પારખ્યું હતું.

ડૉક્ટર બહાર નીકળ્યો. ફૉન્સેકા આગળ તેણે અબદુલનાં ઘણાં જ વખાણ કર્યાં અને નર્સને સામાન્ય સૂચના આપી તે ગયો. થોડી વારે અબદુલ પણ બહાર નીકળ્યો, અને પાટો છોડાવી ચાલ્યો ગયો. ફૉન્સેકા આ બનાવથી દિંગ થઈ તેના સામું જ જોઈ રહ્યો.

અબદુલ ત્રણ દિવસ ખબર પૂછવા આવ્યો. જેનીની તબિયત સારી હતી. ત્રીજે દિવસે તેણે અબદુલ સાથે છૂટથી વાતચીત કરી. અબદુલ ચાલ્યો ગયો. તે પછી બેએક કલાકે જેનીએ નર્સ મારફત ફૉન્સેકાને બોલાવ્યો. ફૉન્સેકા આટલા બનાવોથી ગરીબ થઈ ગયો હતો. તે જેનીનું વચન ઉપાડી લેવા આતુર, દૂર દીન વદને ઊભો રહ્યો.

“જો વહાલા, આ અબદુલની વાત તું જાણે છે ? આજે મેં એને બધી વાત પૂછી જોઈ, તેની બધી જમીન ખાલસા થઈ ગઈ છે. તેની બૈરીની મરજી જમીન રાખવાની હતી પણ તેણે કહ્યું કે બધાં માણસોથી જુદાં પડી જમીન રખાય નહિ. તેની બૈરી જમીનને માટે રડતી કકળતી મરી ગઈ.” જેનીએ એક દીર્ઘ શ્વાસ લીધો. “છતાં તેણે તો જમીન જવા જ દીધી. અત્યારે તેનો ધંધો ચાલતો નથી સરકારે ઘાણીનો બળદ પણ તેનો લઈ લીધો છે. તેના ઘરમાં ખાવા નથી. મેં તેને બસો ત્રણસો જોઈએ તેટલા રૂપિયા આપવા કહ્યું પણ તેણે ના જ પાડી. આ ધંધાનું તે કાંઈ લેતો નથી. ફક્ત છોકરાંને દૂધ પીવરાવે છે. અત્યારે પરદેશ જવા વિચાર કરે છે પણ નાનો છોકરો ક્યાં મૂકવો તેની તેને ચિંતા છે.”

જેનીએ ફૉન્સેકાના મોઢા પર ફેરફાર થતો જોયો. તેણે લાંબો શ્વાસ લીધો અને ફરી બોલવા જતી હતી, એટલામાં ફૉન્સેકાએ મોટા અવાજે ‘મારા ખોદા’ એમ કહી રડી દીધું અને મોં પર હાથ ઢાંક્યા. જેનીએ તેને વહાલથી પાસે બોલાવ્યો. “નહિ, વહાલા, હું તને ઠપકો દેવાની નથી. પણ—”

“નહિ, નહિ વહાલી, હું તેની જમીન પાછી આપી દઈશ.”

“પણ તે વાત પણ મેં તેને પૂછી જોઈ. ગામથી જુદાં પડી તે પોતે એકલો જમીન લેવા માગતો નથી.”

“હું સાંભળતો હતો. હું બધી જમીન છોડી દેવાનો છું. આપણે અહીંથી ચાલ્યાં જઈશું.”

ફૉન્સેકા જેની પાસે એક ખુરશી પર બેઠો. બંને નીરવ શાંતિમાં કેટલીયે વાર એમ જ બેસી રહ્યાં. જેની માત્ર સૂતી સૂતી તેનાં ઢીંચણ પર હેતમાં હાથ ફેરવતી રહી.

આપણે કહીએ છીએ કે પુરુષના કર્મ આડું પાંદડું હોય છે — પાંદડાંને ઊડતાં વાર લાગે તેટલી જ વાર પુરુષનું નસીબ ખૂલતાં લાગે છે. એથી પણ વધારે સાચું એ છે કે માણસના સૌજન્ય આડું માત્ર પાંદડું હોય છે. આપણે આપણી અશ્રધ્ધામાં તે ઉડાડવા પ્રયત્ન કરતા નથી.

કહેવાની જરૂર નથી કે આ નવી વસવાટ કરવાના પહેલા અખતરામાં સરકાર નિષ્ફળ જવાથી તેણે લોકો સાથે સમાધાન કરી દીધું છે. સત્યાગ્રહમાં કામ કરવા આવેલામાંથી ત્યાંના અસલ વતનીઓની સ્થિતિ સુધારવા, તેમને કેળવવા, એક મંડળ સ્થપાયું છે અને ફૉન્સેકા અને જેની તેમાં જોડાઈ ગયાં છે. તેમણે પોતાની જમીન ગામના લોકોને આપી તેનું એક ટ્રસ્ટ કર્યું છે, જેમાંથી ‘અબદુલ પ્રસૂતિગૃહ’ ચાલે છે. એક પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટર અબદુલ સાથે કામ કરે છે, ત્યાં પ્રસૂતિનું શિક્ષણ અપાય છે, અને આખા તાલુકાની સ્ત્રીઓ તેનો લાભ લે છે.


  1. ૧. સાધારણ, કુદરતી.
  2. ૨. અસાધારણ