ધન્ય છે ધીરજ ધારે તેને
ધન્ય છે ધીરજ ધારે તેને દેવાનંદ સ્વામી |
ધન્ય છે ધીરજ ધારે તેને
ધન્ય છે ધીરજ ધારે તેને, બની શકે બેભાન જોને;
પાંડવ જ્યારે વન પરવરિયા, દુઃખને દીધાં માન જોને... ૧
હરિશ્ચન્દ્રરાયને હરિવર સાથે, લગની કેવી લાગી જોને;
અંત્ય વરણને ઘેર વેચાણા, તો ભવની ભાવટ ભાંગી જોને... ૨
પ્રહ્લાદજીને પીડા બહુ વિધ, દૈત્યપતિએ દીધી જોને;
સુખડાં જેવી સહન કરી તો, કેશવ રક્ષા કીધી જોને... ૩
શહેર મળ્યું નહિ સુદામાને, તો પણ આનંદ તેવો જોને;
મોળી ભાજી વિદૂરજીની, સૂતર જેવી સેવો જોને... ૪
મયૂરધ્વજ રાયે મસ્તક ઉપર, કરવત લીધું કોડે જોને;
સગાળશાએ સુત વધેર્યો, ત્યાગી દીધા હોડ જોને... ૫
રંતિદેવના હૃદયા મધ્યે, જરણા કેરો જોગ જોને;
માધવદાસે માગી લીધો, રાજી થઈને રોગ જોને... ૬
દુઃખને દેખી હરિજન ન ડરે, કરે ફિકરના ફાંકા જોને;
દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ તણા એ કાકા જોને... ૭