ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી
નરસિંહ મહેતા


પદ ૩૪ રાગ એજ.

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી ! દીન જાણી મુંને માન દીધું,
નહીં મુજા જોગ તે ભોગ મેં ભોગવ્યા, આજા અંબરીષથી અધિક કીધું
— ધન્ય. ૧.
કનકને આસને મુજને બેસાડિયો રુકામિણી વચને તે હાથ સાહતાં;
હેત આણી હરિ ચરણ તળાસતાં, ખટરસ ભોજન ખાંતે
— ધન્ય. ૨.
બાળપણા તણો સ્નેહ નવ વિસર્યો, મિત્ર મોહન તણી પ્રીત સાચી,
હેતથી હળીમળી, માન દીધું મને, રંક બેસાડિયો કનક માંચી.
— ધન્ય. ૩.
ધન્ય ધન્ય કૃષ્ણજી ! સંતસેવા કરી, ધ્યાન ધરતો હું નિજદ્વાર આવ્યો;
રત્નજડિત મણિ, ભુવન શોભા ઘણી, દૈવ શું દ્વારિકા આંહી લાવ્યો ?
— ધન્ય. ૪.
કનકની ભૂમિને રત્નના થાંભલા, અર્કની જોત ઉદ્યોત દીસે;
ખાન ને પાન વિહાર સ્થાનક ઘણાં, કામની નિરખાતા કામ હીસે.
— ધન્ય. ૫.
સપ્ત નવ વરસની, દીઠી ત્યાં સુંદરી, નારી નવજોબના બહુ રૂપાળી;
સોળ શણગાર તે, અંગ સુંદર ધર્યા, દેવ વિમાનથી રહ્યા નીહાળી.
— ધન્ય. ૬.

સહસ્ર દાસી મળી, નાર વીંટી વળી, કામની કંથની પાસ આવી;
સ્વામી રે સ્વામી ! હું, દાસી છું તમતણી, ચાલો મંદિરવિષે પ્રેમ લાવી
— ધન્ય. ૭.
ગોમતી સ્નાન કરી, કૃષ્ણજી નિરખિયા, પુણ્ય પ્રગટ થયું પાપ નાઠું;
તે થકી સમૃદ્ધિ આ, સકળ તે સાંપડી, મટી ગયું આપણું ભાગ્ય માઠું
— ધન્ય. ૮.
કૃષ્ણ કહેતાં તે, નિજધામ પધારિયા, નવલ જોબન થયા નરને નારી;
વિનતિ ઉચ્છારતાં, રજની વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.
— ધન્ય. ૯.



1234

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી ! દીન જાણી મુંને માન દીધું,
નહીં મુજા જોગ તે ભોગ મેં ભોગવ્યા, આજા અંબરીષથી અધિક કીધું
કનકને આસને મુજને બેસાડિયો રુકામિણી વચને તે હાથ સાહતાં;
હેત આણી હરિ ચરણ તળાસતાં, ખટરસ ભોજન સામગા કરતાં.
બાળપણા તણો સ્નેહ નવ વિસર્યો મિત્ર મોહન તણી પ્રીત સાચી,
દીન જાણી મને દયા કીધી ઘણી, રંક બેસાડિયો કનક – માંચી.
ધન્ય ધન્ય કૃષ્ણજી ! સંતસેવા કરી, ધ્યાન ધરતો હું નિજદ્વાર આવ્યો;
જડિત – રાતનમણિ ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા આંહી લાવ્યો ?
કનકની ભૂમિને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉધ્યોત દીસે;
ખાન ને પાન વિહાર સ્થાનક ઘણા કામિની નીરખાતા કામ હીસે.
નવ સપ્ત વરસની દીઠી ત્યાં સુંદરી નારી નવજોબના બહુ રૂપાળી,
સોળ શણગાર ને અંગે સુંદર ધર્યા, દેવ વિમાનથી રહ્યા નીહાળી.
સહસ્ર દાસી મળી નાર વીંટી વળી કામિની કંઠની પાસ આવી,
‘સ્વામી રે સ્વામી ! હું દાસી છું તમ તણી મંદિર પધારીયે પ્રેમ લાવી
ગોમતી સ્નાન ને નિરખવું કૃષ્ણનું , પુણ્ય પ્રગટ થયું પાપ નાઠું;
આ કળિકાળમાં જંતુ સહે જે તારે જેને શ્રીકૃષ્ણ શું હોય ઘાટું.
કૃષ્ણ મહાત્મ્ય લઈ ઘેર આવ્યો વહી, નવલજોબન થયા નર ને નારી;
વારતા કથતા રજની વીતી ગઈ, નરસૈના નાથની પ્રીત ભારી.