ધન ધન છે ગોકુળિયું ગામ

ધન ધન છે ગોકુળિયું ગામ
લોકગીત



ધન ધન છે ગોકુળિયું ગામ

ધન ધન છે ગોકુળિયું ગામ
ગામ છે રળિયામણું રે લોલ

પ્રભુજી વનમાં ચારે ધેન
વગાડી રૂડી વાંસળી રે લોલ

રાધાગોરી ભાતડિયાં લઈ જાય
ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ

પ્રભુજી કિયાં ઉતારું ભાત
કે કિંયા બેસીને જમશો રે લોલ

રાધાગોરી આસોપાલવને ઝાડ
કે શીતળ છાંયડી રે લોલ

રાધાગોરી તિયાં ઉતારો ભાત
કે તિયાં બેસીને જમશું રે લોલ

રાધાગોરી ઓલા કાંઠે ધેન
કે ધેન પાછી વાળજો રે લોલ

પ્રભુજી તમારી હેવાયેલ ધેન
અમારી વાળી નહીં વળે રે લોલ

પ્રભુજીને ચટકે ચડિયલ રીસ
કે જમતાં ઊઠિયા રે લોલ

રાધાજીને ચટકે ચડિયલ રીસ
કે ભોગળ ભીડિયાં રે લોલ

ઝીણા ઝરમર વરસે મેહ
કે કૃષ્ણ ભીંજાય બારણે રે લોલ

રાધાગોરી ઉઘાડો કમાડ
કે પ્રભુ ભીંજાય બારણે રે લોલ

જાવ જાવ માનેતીને મોલ
કે અહીં શીદ આવિયા રે લોલ

જાશું જાશું માનેતીને મોલ
કે પછી થાશે ઓરતા રે લોલ


રાધાગોરી એક મોતી ને બીજી ફાડ
કે ભાંગ્યાં પછી નહીં મળે રે લોલ

રાધાગોરી હીરમાં પડિયલ ગાંઠ
કે તૂટે પણ નહીં છૂટે રે લોલ

રાધાજીને આંગણે ઊંડી કુઈ
કે કંકર ભારે નાખિયાં રે લોલ

ધબકે ઉઘડ્યાં કમાડ
કે રાધાજી ઝટ દોડિયા રે લોલ

રાધાગોરીને ઝમરક દીવડો હાથ
હાલ્યાં હરિને ગોતવાં રે લોલ

કોઈ મને દેખાડો દીનાનાથ
કે આપું વધામણી રે લોલ

આપું મારા હૈડાં કેરો હાર
કે માથા કેરી દામણી રે લોલ

રાધાગોરી રાખો હારડો હૈડાં પાસ
કે હરિ આવ્યાં હસતાં રે લોલ