ધુમકેતુનું ગીત
[[સર્જક:|]]




ધુમકેતુનું ગીત

બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડુ
ત્યાં એકલો ઊડું
જન જગત સૂર્ય સુહાગી જ્યોત્સ્ના વિશ્વ બહુ રૂડું
પણ એકલો ઊડું
બીડ્યાં પ્રગટતાં પિચ્છ મેં પડઘો પડ્યો અહાલેક
સુણ્યું સાધુઓએ ભેખ
હિમમાળ કેરાં શિખર શિખરે શબ્દ એ ઢુંઢૂં
હું એકલો ઊડું
રસના ઊછળતા મોજ અયિ સૌંદર્યના સિન્ધુ
મુજ ખૂટિયાં બિન્દુ
વિધુ બાલ મા છલતી મને પડશે રખે કૂડું
હું એકલો ઊડું
ગર્‌જે મહાનંદ ખીણભરી નભ એ ઝીલે ઝમકાર
ભીષણ ઢળે જલધાર
આઘી ગુફાઓ જોગીની ગૂઢ મંત્ર ત્યાં છોડું
ને એકલો ઊડું
કીધું વિધિએ તે પીછું લીધું રૂપ અબધૂત ઘોર
તોડી જગતના તોર

ભયભૂલણી જગજીભ છો ભાખે હવે ભૂંડું
હું એકલો ઊડું
મૂંઝવે મનુજને એવી આ વનવન વહે એકાન્ત
પશુબોલ પડિયા શાન્ત
અંઘોળ કરી આનન્દના વાઘા વિરલ ઓઢું
ને એકલો ઊડું
સુન્દર ભલે સૃષ્ટિ હજો મનમોહિની અભિરામ
ન્યારાં અમારા ધામ
એકાકી આભે ઊતરી એકાકી ભમી બૂડું
હું એકલો ઊડું