નમીયા સો સાહેબકું ગમીયા

સોઈ સાધુ સુરમા
ભાણસાહેબ



નમીયા સો સાહેબકું ગમીયા

નમીયા સો સાહેબકું ગમીયા, જ્ઞાન ગરીબી અધિકારી,
નમે સોહી નર ભારી રે જી.

નારદ નમીયા આવી ગરીબી, મટી ગઈ મનની ચોરી રે જી;
ગુરૂ કરીને એવાં લક્ષ લીધાં, તત્ક્ષણ ચોરાશી છોડી રે. નમે…

પ્રહલાદ નમીયા પ્રેમરસ પીધો, તાતે થંભ બથ ડારી રે જી;
થંભ ફાડ નૃસિંહ રૂપ ધરીયું, હિરણ્યકશિપુ લીધો મારી રે. નમે.

ભક્ત વિભિષણ રામને નમીયા, આપી લંકાની સરદારી રે જી;
પલ એકમાં નિર્બળ કરી નાંખ્યા, ભીલડીને ઓદ્ધારી રે નમે.

રામજીના સામો રાવણ ભીડીયો આંખે આવીતી અંધારી રે જી;
ગુરૂ પ્રતાપે લીલણદેબાઈ હું, નામ ઉપર જાઉં વારી રે. નમે.