નરવીર લાલજી/અમેરિકામાં
← ધૈર્યનો સાગર | બે દેશ દીપક અમેરિકામાં ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
અસહકારને ઊંબરે → |
બીજાં સાત ચોમાસાં એ પંચ મહાનદની ભૂમિ પર વરસીને ચાલ્યા ગયાં અને માંડલેની દુઃખ-સરાણ પર સજાઈને બહાર આવેલી તલવાર અવિરત કર્મ-રણમાં ઘૂમવા લાગી. ખૂબ ધૂમી, ખૂબ ધૂમી, પણ હદપારીના અને દેશનિકાલીના પગધબકારા એની પાછળ પાછળ ગાજતા હતા. પરદેશની નવી શિક્ષણ-પદ્ધતિઓથી વાકેફ થવા માટે લાલાજી જાપાન-અમેરિકા જાય છે અને પાછળથી મહાયુધ્ધ ફાટી નીકળે છે. સરકારને પંજાબમાંથી યુરોપની રણભોમ પર લઈ જવા પંજાબી નૌજવાનોનાં કદાવર કલેવરો હજારોને હિસાબે જોઈતાં હતાં. લાલાજીની હિન્દ ખાતેની હાજરી સરકારને પાલવતી નહોતી. એને અમેરિકામાં જ રોકી રખાવ્યા. દેશનિકાલી એને છેક ત્યાં જઈને ભેટી પડી અને વીરોના પણ એ વીરે એનાં જે વધામણાં કર્યા તે પણ કાંઈ જેવાં તેવાં નહોતાં. માંડલેનો છૂટકારો તો વર્ષે બે વર્ષે પણ સંભવિત દેખાતો, પણ આંહીં તો યુદ્ધવિરામની આશા દૂર દૂરના ક્ષિતિજ પર કયાંયે કોર કાઢતી દેખાતી નહોતી. 'કુછ પરવા નહિ !' કહીને લાલાજીએ આ કાળાં પાણીનો અનંત સાગર તરવા માંડયો. પૈસા નહોતા. ગરીબીમાં ગળાબૂડ બન્યા. હાથે રાંધે, હાથે કપડાં ધોવે, હાથે ઝાડુ કાઢે, ગરીબ હિન્દી શ્રમજીવીઓને ભેગા કરી રાત્રિશાળા ભણાવે, દિશાભૂલ્યા હિન્દીઓ માટે 'હિન્દ વિષેની માહિતી કચેરી' ચલાવે, વિદેશીઓની સહાનુકંપા મેળવવા હિન્દી સ્વરાજ સંઘ સ્થાપીને ગુંબેશ કરે, હિન્દને વિષે બ્રીટનના પક્ષકારોએ ફેલાવેલાં વિષ ધોવા માટે 'યંગ ઇન્ડિઆ' છાપું ચલાવે એ બધા માટે દ્રવ્ય મેળવવા ઘરેઘર ભીખે, અખબારોમાં વિશુદ્ધ લેખો લખી લખીને મહેનતાણાં રળે, સભાઓ મેળવે, ચોપડીઓ લખી લખી પ્રગટ કરે, એ તમામ સાહિત્ય લખવા માટે પુસ્તકાલયોનાં સેંકડો પુસ્તકો ફેંદી ફેંદી આંકડા ને હકિકતો ઢૂંઢે અને ઢુંઢી ઢુંઢી લખ્યા કરે, દિવસરાત વચ્ચેના ભેદ ભૂંસી નાખીને લખે, નિદ્રાને સદાને માટે રજા આપી રાત્રિભર લેખિની ચલાવે ! એના સાથી ડૉ. હાર્ડીકર આજે પણ એ અવિરત ઉદ્યમમાં મચેલ માનવ-વ્યંત્રનું વૃત્તાંત લખે છે, જે વાંચી હૈયું દ્રવે છે.
'હાર્ડીકર ! બચ્ચા ! મારું આખું શરીર તૂટી પડે છે. મને ઊંઘ આવતી નથી. હું શું કરું ? ઓહો! હું ઘેરે જઈ શક્યો હોત !'
એટલું બોલીને અમેરિકામાં હદપારી ભોગવતા લાલાજી રડી પડતા. એના યુવાન સાથી ડો. હાર્ડીકર શરીર દાબે, માથે તેલ ઘસે, પણ લાલાજીની આંખો જંપે નહિ. મોડી રાત થાય, હાર્ડીકર થાકે, છેવટે લાલાજી પણ નિરાશ થઈને કહે કે 'જા બચ્ચા જા ! તું તો હવે સૂઈ જા, સવારમાં તારે ઘણું કામ કરવાનું હશે. તને ક્યાં સુધી બેસાડી રાખું ? હું વાંચતો વાંચતો કંઈક ઊંઘ લેવા પ્રયત્ન કરીશ, જા ભાઈ!'
લાલાજી એકલા પડે, કલાક બે કલાક પથારીમાં પડ્યા રહે, પછી ઊભા થઈને વાંચવા બેસી જાય. આમ ચુપચાપ રીબાતા અને મહેનત કરીને તૂટી મરતા. એક મિનીટ પણ એણે નકામી નહોતી જવા દીધી.
અમેરિકામાં રહેનારા ઘણાખરા હિન્દીઓ અને વિદ્યાર્થીઓ મુફલિસ હતા અને હિન્દને કબજામાં રાખવા માગતા પક્ષો તરફથી હિન્દ વિરૂદ્ધનું પ્રચારકાર્ય ત્યાં ચાલુ જ હતું. લાલાજીનો લેખ છાપનાર પણ કોઈ નહોતું. એનાં વ્યાખ્યાનો ગોઠવનાર પણ કોઇ મંડળ તૈયાર નહોતું, પૈસા ક્યાંથી રળવા ? શી રીતે પ્રચારકામ પોષવું ? મૂંઝવણનો પાર નહોતો. તાબડતોબ લાલાજીએ “તરૂણ હિન્દ” નામનું પુસ્તક લખી કાઢ્યું, એના અભિપ્રાયો અખબારોમાં છપાયા. આઠ મહિનામાં એની પ્રથમાવૃત્તિ ઉપડી ગઇ. ધીરે ધીરે અમેરિકાની પ્રજાએ એને પિછાન્યા. એની કલમને અખબારોમાં જગ્યા મળવા લાગી. એનાં ભાષણો ગોઠવાવા લાગ્યાં. ક્લબો, શાળાઓ અને યુનિવર્સીટીઓ એને વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન દેવા નોતરતી થઈ, અને 'તરૂણ હિન્દ'નું પુસ્તક તો તાબડતોબ ઈંગ્લાંડમાં જપ્ત થઈ ગયું તે છતાં એક પ્રત એના કિનારા ઉપર પહોંચી ગઈ. લંડનની 'હોમ રૂલ લીગ' શાખાએ એ પુસ્તક કર્નલ વેજવુડની પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યું, વેજવુડે પોતાને જ ખર્ચે એની અક્કેક પ્રત પાર્લામેન્ટના એકેએક સભાસદના હાથમાં પહોંચાડી અને પરિણામે એની વધેલી ખ્યાતિએ લાલાજીનાં લખાણોની માગ વધારી મૂકી.
કેટલી પ્રચંડ ગતિએ લાલાજી લખતા વાંચતા ! 'યંગ ઇન્ડીઆ' પછી બીજું 'ઈગ્લાંડનું હિન્દ પ્રત્યેનું કરજ' એ નામનું હકિકતોથી ભરપૂર પુસ્તક બહાર પાડ્યું પછી જ્યારે એણે સાંભળ્યું કે હિન્દે બ્રીટનને મહાયુદ્ધમાં ખર્ચવા માટે દોઢ કરોડ રૂપિયાની મફત ભેટ આપી દીધી, ત્યારે તો એનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. એણે એક જ બેઠકે, ખુરસી પરથી ઊઠ્યા વિના 'મુખ્ય પ્રધાન લોઈડ જ્યેાર્જને ખુલ્લો પત્ર' ઘડી કાઢ્યો; ત્રણ દિવસમાં તો એની નકલો છાપાંમાં પહોંચાડી દીધી, અને તે પછી આવ્યો હિન્દી વજીર મી. મોંટેગૂનો વારો. ડૉ. હાર્ડીકર લખે છે કે અમે સહુ ન્યુયોર્કથી વીસ માઈલ દૂરની સેલગાહે જતા હતા, નાની નૌકાના તૂતક પર અમે બેઠા બેઠા સમુદ્રની રમ્યતા નિહાળતા હતા, પરંતુ લાલાજીને સૃષ્ટિસૌંદર્ય જોવાનું દિલ નહોતું, એણે કહ્યું કે 'હાર્ડીકર ! લખ, હું લખાવું.' મંડ્યા લખાવવા. સાંજે પાછા આવ્યા ત્યારે એ લાંબો કાગળ તૈયાર હતો.
અનેક તો પત્રિકાઓ લખી કાઢતા. એક લખ્યું 'India a Graveyard : હિન્દ,એક કબ્રસ્તાન.' એની એક લાખથી વધુ પ્રતો કઢાવી અમેરિકામાં વિનામૂલ્યે વહેંચી. એનાં ઈટાલીઅન, સ્પેનીશ, જર્મન, રશીઅન, ફ્રેંચ, ફારસી આદિ ભાષામાં અનુવાદો ઊતર્યા.
એક વાર અમેરિકા રાજ્યની પરદેશ સાથેના સંબંધોની સમિતિએ પરાધીનતામાં પિસાતી નાની પ્રજાઓના આત્મનિર્ણયનો પ્રશ્ન હાથ ધર્યો હતો. લાલાજીને એ માટે નિવેદન તૈયાર કરવું હતું. એક જ રાતમાં એણે બાર છાપેલાં પાનાં જેટલું લખાણ લખી કાઢી પ્રભાતે વોશીંગ્ટન નગરમાં એ સમિતિ પર પહોંચાડ્યું.
હકિકતો એના ભેજામાં ભરપૂર હતી. આંકડાઓ એની આંગળીઓના વેઢા પર રમતા હતા. અને કઈ માહિતી કયા પુસ્તકમાં કયે પાને જડશે તેના પોતે વાકેફગાર હતા. ક્યાંથી શું મેળવી લાવવું એની અચૂક માહિતીઓ પોતે પોતાના મંત્રીએાને પૂરી પાડતા.
ઝુમ્બેશ ! ઝુમ્બેશ ! અપ્રતિહત કાતિલ ઝુમ્બેશ ! અને યુરોપએશિયાનાં દોડમદોડ પર્યટનો: પાંચ વર્ષ એ ચક્કી પીસી; પીસી પીસીને બચરવાળ બુઢ્ઢી માતાની માફક એ બુજર્ગે અનેક હિન્દી યુવકોને ગદરાવ્યા. છતાં પોતે પોતાના પેટ ગુજારા માટે એ કમાઈમાંથી એક પાઈ પણ સ્વીકારવી શિવનિર્માલ ગણી. ઘેરથી પુત્ર મોકલતો તે પર નભતા. યુદ્ધના સંજોગોમાં એ પૈસા ગણતરી મુજબને સમયે ન પહોંચે તો મુંઝાઈને રડતા. અને છતાં તે ટાણે કોઈ હિન્દી યુવક આવીને ગરીબી ગાવા લાગે તો ગજવામાં હાથ નાખીને છેલ્લો શીલીંગ સુદ્ધાં એને આપી દેતા. એ માટે લાલાજીની આ બીજી વારની હદપારી પણ બ્રીટનને ભારે પડી ગઈ. એના શાસનને આ કેદીએ ઢોલ પીટાવી પીટાવીને જગજાહેર કર્યું. આ હદપારે તો પાંચ વર્ષમાં હિન્દના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય મહત્તા અપાવી દીધી, અને યુદ્ધ વિરમતાં પાછા વળ્યા ત્યારે કેટલું અવિજેય જોર, કેટલો અદમ્ય ઉત્સાહ, કેટલો ભીષણ નિશ્ચય લઈને એ હિન્દને કિનારે ઊતર્યા! મુંબઈનગરી એને માન આપવા મળી હતી તેની સમક્ષ એણે આમ કહ્યું :
'મારા કાર્યની પવિત્રતામાં પૂર્ણ શ્રધ્ધાભેર હું પાછો સ્વદેશ આવું છું.'
'પૃથ્વી પર એવી કોઈ શક્તિ નથી કે જે આપણને આપણા હક્કો પાછા હાથ કરતા અટકાવી શકે.'
'બીજાઓ આપણી ઇચ્છા વિરૂદ્ધ આપણી પાસેથી ઝૂંટવી જાય તે કરતાં તો આપણે મેદાનમાં મરી ખૂટશું.'
'આપણે ટુકડા નથી જોઈતા, આત્મા જોઈએ છે.'
'આ છ વર્ષ દરમ્યાન હું આખી પૃથ્વી ઘૂમી વળ્યો છું. જગતની ત્રણ આત્મશાસિત મહાપ્રજાઓને - જાપાન, અમેરિકા અને ઇંગ્લાંડને–મેં નિરખી લીધી છે. અને હું તમને ખાતરી આપું છું કે કદાચ વર્તમાન જ્ઞાનની આવશ્યકતા બાદ કરતાં આપણે એમાંના કોઈથી ઉતરતા નથી. જીવનના જાહેર કે ખાનગી, કોઈપણ અંગ પરત્વે આપણે જગતની કોઈ પણ પ્રજા કરતાં કમ નથી. આપણે શામાં ઉતરતા છીએ ? ઐક્ય સાધવાની શકિતમાં, અર્વાચીન સાધનોને અનુકૂળ થવાની સમાધાનવૃત્તિમાં, અને વર્તમાન રાજનીતિના કૌટિલ્યમાં.'