નર્મદા શું ગાવું શોભા સાંજની

નર્મદા શું ગાવું શોભા સાંજની
નર્મદ



નર્મદા શું ગાવું શોભા સાંજની

નર્મદા શું ગાવું શોભા સાંજની (૨)
હા રે પવનવાળી વાદળરંગના શા સુસાજની.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે પાણી જોરમાં ઉછાળા નો'તુ મારતું, (૨)
હા રે પહોળાં પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તું.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે વીરી ખળખળી ધીમે ચડીને આવતી (૨)
હા રે તે તો હોડીમાંથી જોઇ સુણી ભાવથી.
નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)

હા રે પાકા રંગનાં ભૂરાં તે સામે ડુંગરા,
હા રે ગળી રંગના ટોચે તો ભૂરાં વાદળાં.
નર્મદા શું ગાવું શોભા સાંજની (૩)

હા રે પવન સામટો પડી ગયો પછી ખરે,
હા રે લીલા બ્રહ્મની જોઇશી આંખો ઠરે.
નર્મદા શું ગાવું શોભા સાંજની (૩)