નળાખ્યાન/કડવું ૨૦
← કડવું ૧૯ | નળાખ્યાન કડવું ૨૦ પ્રેમાનંદ |
કડવું ૨૧ → |
કડવું ૨૦ – રાગ:સામેરી.
બેઠી દમયંતી શીશ ગુંથાવા, સ્વયંવરને સાંતરી થાવા;
સામી ભીંતમાં જડી છે ખાપ, વણ ધરે દીસે છે આપ.
ઢાળ
આપ દીસે વણ ધરે, પ્રતિબિંબ જોતી દૃષ્ટ;
દાસી ને દમયંતી બેઠાં, નળ આવી રહ્યો છે પૃષ્ઠ,
પ્રતિબિંબ પડ્યું દર્પણમાં, પ્રેમદાએ દીઠો પૂર્વ;
ગઈ ખુણે નાહાસી તેડી દાસી, શું બેસી રહી છે મૂર્ખ.
માધવી વળતું વદે બાઈ, શા માટે નાહાસી ગયાં;
મેં કો ન દીઠું તમે દેખી, આવડું શું વિસ્મય થયાં.
ઘેલી તાહારી મીટ મસ્તકમાં, મેં દર્પણ રાખ્યું દૃષ્ટિમાં;
સ્વરૂપ દીઠું દિવ્ય નળનું, ન મળે બીજો સૃષ્ટિમાં.
વેશ છે વેરાગીનો જાણે, નાટક કોએક લાવ્યો;
શકે તો એ પ્રાણજીવન, નળરાય નિશ્ચય આવ્યો.
સાહેલી કહે પ્રીછો તમો, કાં દીઠું છે જે ઝંખના;
નળ આવીને કેમ શકે જ્યાં, ના આવે પ્રાણી પંખના.
કામની કહે તે પ્રીછીયું, તું દાસી માણસનો અવતાર;
ન માને તો આવ કૌતક, દેખાડું બીજીવાર.
પુનરપિ બેઠાં પૂઠે પૂઠે, દર્પણમાં મીટ જોડ;
સ્વરૂપ નળનું દેખાડ્યું, જેની કાંતિ કંદર્પ ક્રોડ.
દાસી રાણી થયાં બેઠા, ઝબકારે ઝબકી વિજળી;
દમયંતી કહે દાસીને કાં, માહારી વાત કહેવી મળી.
પછે સ્તુતિ માંડી શ્યામાએ, અંતરપટ આડો ધરી;
દેવસ્વરૂપ થાઓ દેખતા, ત્યારે નળે દેહ પ્રગટ કરી.
આપી આસન કરી પૂજન, પછે પૂછે કિંકરી;
કહો દેવપુરુષ કાંહાંથી આવ્યા, વેશ જોગીનો ધરી.
નળ કહે તું નીચ માણસ, કેમ વદું હું વૈખરી;
દમયંતી પૂછે તો બોલું, નહીંતર પાછો જાઉં ફરી.
દમયંતી કહે દેવજદ્યપી, પણ થઈ આવ્યા સંન્યાસી;
કપટ રૂપને કન્યા કેમ પૂછે, માટે પૂછે દાસી.
વલણ
દાસી સંન્યાસી જોગ છે, કેવળ નોહે અતીતરે;
વચન સુણીને નળ મન હરખ્યો, હરી લીધું ચિત્તરે.