← કડવું ૩૧ નળાખ્યાન
કડવું ૩૨
પ્રેમાનંદ
કડવું ૩૩ →
રાગ: વેરાડી.


કડવું ૩૨ – રાગ: વેરાડી.

બાળકાં વોળાવ્યાં ઋષિ સંગાથે દમયંતી અક્રે આક્રંદ;
હાહાકાર હવો પુર મધ્યે, મળ્યાં સહિયરનાં વૃંદ.
પડો વાગો પુષ્કર પાપીનો, નળને કો નવ રાખે;
એક અંજળી જળ ન પામ્યા, જો ભમ્યાં પુર આખે.
દ્વાર અડકાવે નળને દેખી, જે પોતાનાં લોક;
તરશી દમયંતી પાણી અન પામી, કંઠે પડીયો શોષ.
એક રાત રહ્યાં નગરમાં, ચાલ્યા વાહાણું વાતે;
પુણ્યશ્લોકની પૂઠ જ લીધી, કળી થયો સંગાતે.
જ્યાં વાવ સરોવર કુવા આવે, પાકાં ફળની વાડી;
રીપુ કળકુગ આગળ જઈને, સર્વ મહેલે ઉડાડી.

ફળ જળ ને પત્ર ન પામ્યાં, રાણી કરે આંસુપાત;
વનમાં ફરતાં રુદન કરતાં, વહી ગયા દીન સાત.
અકેકું પટકૂળ પહેરયું, પ્રેમદા કોમળ કાયા દાઝે;
પાય પંકજ પત્ર જેવા, તીવ્ર કાંટા ભાંજે.
એક માન સરોવર આગળ આવ્યું, તેમાં દીઠું પાણી;
ઘણા દિવસની તૃષા સમાવવા, પીધું રાયને રાણી.
વારંવાર પાની પીએ ને, બેસે વળી હીંડે
નર નારી વારિએ તૃપ્ત થયાં, પણ ક્ષુધા પાપણી પીડે.
સ્વામી કહે સામ્સતા થઇયે, શ્યામા બેશ થઈને સ્વસ્થ;
જૈ સરોવરમાં શોધી અલવું, જો જડે એક બે મચ્છ.
થોડા જળમાં પેઠો નળરાજા, ઢીમરનું આચરણ;
સાધુ રાયને શ્રમ કરતાં, મચ્છ જડીઆં ત્રણ.
આણીને અબળાને આપ્યાં, વામા કહે થયું વારું;
નળ કહે આપણ બે પ્રાણીને, શું હોશે એટલા સારુ.
ભાર્યાના ભુજ મધ્યે સોંપી, ભૂપ ગયો બીજી વરાં;
કળીજુગ સર્પ થઇને બીહાવે, મચ્છ નાશે અરાંપરાં.
નળે શ્રમ કીધો ઘટી બે, મચ્છ ન અઢીયાં હાથ;
પેલાં ત્રણે મચ્છ વહેંચીને લીજે, વિચારયું મન સાથ.
નળ આવ્યો નિરાશ થઈને, ત્રણ મીનમાં ચિત્ત;
એટલામાં દમયંતીજીને, થઇ આવ્યું વિપરીત.
અમૃતસ્ત્રવિયા કર અબળાના, સજીવન થયાં મચ્છ પળમાં;
હાલ્યાં મહીલા મૂકે દીધાં, ઉડી પડ્યાં જઈ જળમાં.
ઘેલી સરખી મીનને કાજે, પાણીમાં વેવલાં વીણે;
હવે સ્વામીને શો ઉત્તર આપીશ, રુદન કરે સ્વર ઝીણે.
વીહીલે મુખ દીઠી વૈદરભી, નાથ આવતો નીરખે;
ચોહોદશ ભા।ળે આંસુ ઢાળે, સ્વાતિબિંદુ શું વરષે.
રોતી પત્ની પતિયે શકે મુજ પાખે, ભક્ષ કર્યાં તેં મીન.
હું ક્ષુધાતુર ફરીને આવ્યો, રઝળ્યો પાણી માંહે;
દોઢ દોઢ મચ્છ ભોજન કીજે, લાવ પાપિણી કાંહે.

હ્રદે ફાટતે બોલી રાણી, આમ્સુ પડે મોતી દાણા;
ક્ષુધાતુર પાપણીએ મચ્છ ભક્ષ્યાં, મેં ન રહેવાયું રાણા.
નળ કહે હંસે શીખામણ દીધી, વિદાય થયો આકાશ;
એક દ્યૂત ન રમીએ, બીજું ન કીજે, નારીનો વિશ્વાસ.
બે વાનાં વાર્યાં તે કીધાં, હાથે દુઃખ લીધું માગી;
હું ભુખ્યો તે તેં મચ્છ ખાધાં, શું આગ પેટમાં લાગી.
દમયંતી હા હા કરે, જાને સમ ખાઉં સાંને;
સજીવન થયાં ઉડી ગયાં, કહું તો રાય નવ માને.

વલણ

ન માને રાજા એ આશ્ચર્ય મોટું, ઉઠી ચાલ્યો નળ રાયરે;
અણતેડી રાણી દમયંતી, પતિને પૂઠે ધાયરે.