નાગર નંદજીના લાલ
નરસિંહ મહેતા



નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી... નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !

વિશેષ માહિતી

ફેરફાર કરો

આ રચના ગુજરાતી ચિત્રપટ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪)માં વપરાયું છે.