નિત નિત નૌતમ રે
પ્રેમાનંદ સ્વામી



નિત નિત નૌતમ રે

નિત નિત નૌતમ રે, લીલા કરે હરિરાય;
ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય. ૧

સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે;
હેત કરીને રે, બોલાવે બહુ વહાલે. ૨

ક્યારેક ઘોડલે [ઘોડે] રે, ચડવું હોય ત્યારે;
ક્યારેક સંતને રે, પીરસવા પધારે. ૩

ત્યારે ડાબે રે, ખભે ખેસને આણી;
ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી. ૪

પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;
જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ. ૫

ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ;
સંત હરિજનને રે, પીરસવાને કાજ. ૬

શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;
કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં. ૭

પાછલી રાત્રી રે, ચાર ઘડી રહે જ્યારે;
દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે. ૮

ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી;
કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી. ૯

કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે;
પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે. ૧૦