← જુવાનોનાં હૈયાંમાં નિરંજન
'મારા વહાલા!'
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
વિકૃતિ કે પ્રકૃતિ? →


36
“મારા વહાલા!”

તે દિવસ દરિયાની નાનકડી સફર નિરંજનના મન ઉપર કોઈ એવી અસર કરી ગઈ કે, કોણ જાણે ક્યાંથી, એને આવતો શિયાળો સાંભર્યો: શિયાળે તો પોતાનાં લગ્ન થવાનાં છે.

પણ લગ્નની શી એવી ઉતાવળ છે? થોડો કાળ જવા દઉં તો? કયું કારણ બતાવી મુદ્દત લંબાવવી?

હા, બરાબર છે. સરયુ આગળ અભ્યાસ કરે એ જરૂરનું છે. એકાદ વર્ષ કોઈ સારા વિદ્યાલયમાં મુકાય તો એના દિલની તેમ જ દેહની ખિલાવટ થાય.

સરયુનાં માબાપ એ માનશે? સરયુ પોતે કબૂલ કરશે? કેમ નહીં કરે? હું કેટલો આત્મભોગ આપીને પરણવા તત્પર થયો છું ! અને મારી લાગણીને શું એ બધાં આટલું માન નહીં આપે?

પણ મારી એ લાગણી કઈ, જે આટલા માનની આશા સેવે છે? મારી દયાની લાગણી -

એવી વિચાર-સાંકળીને ટપાલીના ઠબઠબાટે તોડી નાખી. એક પરબીડિયું હતું. ‘નોટ-પેડ’ હતું. હશે કોઈક ગામડિયા સગાનું, કોઈક બેકાર ભાઈ-દીકરાને મુંબીમાં ઠેકાણે પાડી દેવાનું ! ખૂબ સતાવે છે આ બધા ગામડાંના પિછાનદારો ! નથી જોઈતું પરબીડિયું. કાઢવા દે પાછું, એટલે 'નોટ-પેડ' લખતાં બંધ પડી જાય.

ટપાલી છેક બહાર નીકળી ગયો તે પછી વળી વિચાર આવ્યો કે લાવ, હવે એક વાર લઈ લઉં. ટપાલીને પાછો તેડાવી એણે બે આના ભરી આપ્યા.

ફોડીને વાંચે તો કાગળનું સંબોધન જ ભડકાવનારું !

“મારા વહાલા!”

કાગળનું સંબોધન એટલેથી જ નહોતું અટકી જતું.

“મારા વહાલા શુભોપમાં યોગ્ય સ્વામીનાથની ચિરંજીવી ઈશ્વર અખંડ રાખે.” વગેરે વગેરેનો શંભુમેળો!

લખનારે કોઈ પરાયા પ્રેમપત્રોમાં કદી ડોકિયું કર્યું જણાતું નહોતું. વીસમી સદીના ચડતા સૂર્યને વિશે એ એક વિસ્મયની વાત લાગી.

અંદર લખ્યું હતું કે:

હવે મને અહીં જરીકે ચેન પડતું નથી. બહુ મૂંઝાઉં છું. પરણીને પછી મને ઠીક પડે ત્યાં રાખજો. દાસીને દયા કરી આ કેદખાનામાંથી છોડાવો. દાસીના અપરાધ થયા હશે, તેની ક્ષમા કરો. હું તો અણસમજુ છું. વધુ શું લખું? આ કાગળ માળીની ઓરડીમાં બેસી બેસી ત્રણ દિવસે પૂરો કરું છું. ટપાલમાં નાખવા ગજુને આપ્યો છે. તમને પહોંચશે કે નહીં પહોંચે? પકડાશે તો મારા ભોગ મળશે.
લિ. તમારી અપરાધી દાસી
સરયુના ચરણ-પ્રણામ.
 


આ પ્રથમ પત્ર ! આ પ્રેમપત્ર? કે દયાની અરજી? જેની જોડે લગ્ન કરવાનું છે, તેનો પહેલો જ પત્ર કેમ કશી પુલક જગાડતો નથી ? રોમેરોમ તનમનાટ કાં મચાવતો નથી? આવેશોના પારાવાર ઉપર ચંદ્રિકાની ચડતી કલા નીલ હૃદય-તરંગોના દૂધલા મલકાટ કાં નથી છલબલાવતી?

બિચારી – બાપડી – બંદિની ચરણોમાં ઢળી અપરાધોની દયા વાચે છે ! દુખિયારી છે ખરેખર. દયાનું નિરાધાર પાત્ર છે, પણ – પણ પ્રેયસી તો નથી જ નથી. પ્રણયોર્મિના અનુલ્લંઘનીય આદેશો નથી ગાજતા એના શબ્દોમાં. સ્નેહરાજ્ઞીની તેજમૂર્તિ આમાં ક્યાં તપે છે? ક્યાં તપાવે છે?

નિરંજન દયાર્દ્ર બન્યો. સ્નેહની મસ્તી ન અનુભવી શક્યો. હૃદય પર જ્વાલા ઝરતું વજન અફળાયું. તલસાટની પાંખો, વિજોગ-સરિતાના સામાં તીર પરની કોઈ 'આવ ! આવ !' વાણી સાંભળી ઊંડા જલપ્રવાહને તેમ જ ધગધગતા રેત-પટને ઓળંગી સામા તટની આંબાડાળે ચંચુમાં ચંચુ પરોવવા માટે ફફડી ન ઊઠી. એને અંતરે સ્પર્શી શકી કેવળ અનુકંપાની લાગણી.

ને અનુકંપા તો ક્ષણજીવી છે. એ દયાપ્રેરિત પરણેતરનો મોહરહિત પ્રસંગ અળગો ને અળગો ઠેલવાની ઈચ્છાએ નિરંજને કારણોના તાર પર તાર કાંત્યા. આવી તે શી ઉતાવળ ? હું હજુ ક્યાં ઠેકાણે પડ્યો છું ? લગ્ન થયા અગાઉ આવા કાગળો કંઈ લખાતા હશે ? આવું મુડદાલ માનસ તો કેવળ મારા ખભા પર ટેકો લઈ લઈને જીવશે, મને જકડી રાખશે, મારા જીવનકાર્યમાં વિક્ષેપ પાડશે: હજુ એણે થોડો અભ્યાસ કરવો જોઈએ. સ્વાવલંબનની વૃત્તિઓ જો પ્રથમથી જ મરી જશે તો મારા કોઈક દુર્દેવની ઘડીએ – મારી માંદગી, બેકારી, ગરીબી અથવા મૃત્યુના સંજોગોની વચ્ચે - એ કેવી ભાંગી પડવાની ! આજ સુધીની સ્ત્રીજાતિએ જે અબળાપણું ભોગવ્યું છે, ને સ્વતંત્રતાનો યુગ ઊગ્યા પછી પણ જે દુર્બળ સંસ્કારો સ્ત્રી જાતિને હજુ ત્યજતા નથી, તેનું કારણ જ એ છે, કે સ્ત્રીને આર્થિક સ્વતંત્રતાની તાલીમ જ નથી અપાતી. કેવળ ચોપડીઓ જ વાંચવા દેવામાં આવે છે.

માટે ? માટે સરયુને એવી તાલીમ લગ્ન પહેલાં જ મળી જવી જોઈએ. નહીં મળે તો હું જ એની કાયમી નિરાધારીનો જવાબદાર બનીશ.

એ મૂંઝાય છે ? કંઈ ફિકર નહીં. એ પણ સ્વાશ્રયની તાલીમ જ છે. મૂંઝવણમાંથી માર્ગ કેમ કાઢવો તેની એને આપોઆપ જ કળવકળ સૂઝશે. જુઓને, કાગળ લખવાની મૂંઝવણ વચ્ચેથી એણે કેવો માર્ગ કાઢી લીધો ?

ને – ને – શું ? – હં – એણે મનેય આ રીતે મૂંઝવવો ન જોઈએ. મેં મારી કેવી કીમતી લાગણીઓને કચડી નાખીને એનો સ્વીકાર કર્યો છે ! એ વાતની પણ એને કદર તો હોવી જોઈએ કે નહીં ?

જવાબ લખી નાખું. પણ ક્યાં લખું ? સરનામું તો એણે લખ્યું નથી. ઠીક છે. જવાબ નહીં લખું એટલે પોતાની જાતે જ એ બીજો પત્ર લખી મને ઠેકાણું જણાવશે. બેશક, હું એના બાપુને એક કાગળ લખી તેમાં સરયુ પરના પ્રત્યુત્તરનું કવર બીડી શકું છું. પણ, હવે એને જ કાં મુશ્કેલીમાં માર્ગ કાઢવાની એક તક ન આપું ? એ જ ઠીક છે.

તોડ કાઢીને પોતે પ્રસન્ન થયો. અટપટી ભાસતી જીવન-સમસ્યાઓના ઉકેલ કેટલા બધા સરલ હોય છે ! એમ એ પોતાના મનની જોડે વાર્તાલાપ કરવા લાગ્યોઃ

'દુર્ગમ પહાડોનેય દારૂની નાની-શી નળી ભેદી નાખે છે.’

‘પણ તમારે મને ભણાવીને શું કરવું છે ?’ સરયુની મનોમૂર્તિ પૂછી રહી હતી.

'વાહ !' પોતે જ ખોટેખોટું હસીને જવાબ વાળ્યો, ‘તને મારે મડમડી તો થોડી જ કરવી છે ? તેમ તારી જોડે ‘શાકુંતલ' પણ નથી વાંચવું. છતાં ભણતર એક જાતની આત્મશ્રદ્ધા આપે છે, ખુમારીનો રંગ ચડાવે છે, એ તો ખરું જ ને ?'

'ક્યાં જોયું એ બધું ?' પેલી મનોમૂર્તિએ જાણે ધૃષ્ટ બની પૂછ્યું: 'તમારી આસપાસ જોયું એ ક્યાંય ? કોઈનામાં ? તમારામાં ?'

'પુરુષમાં ભલે નહીં. સ્ત્રીમાં તો ખરું જ ને ?' પોતે જવાબ વાળ્યો.

'કઈ સ્ત્રીમાં ?' પાછો પ્રશ્ન પુછાયો: કલ્પનામાં સરયુ બહુ ચિબાવલી થતી લાગી.

'મારે નામ નહોતું દેવું. જાણીબૂઝીને શીદ બોલાવે છે તું મને ? લે આ કહી નાખ્યું: સુનીલામાં.'

'પણ સરયુને સુનીલા નથી બનવું તમારી દાસી થવું છે.'

'દાસી ? હં. દાસીને હું શું કરું ? ઠીક છે. છોડ આ વિવાદ, ને ભણવા લાગ. મને ધૂળ ખબર છે, કે ભણીને તારે શું થવું છે ! મારે તો થોડો સમય ખેંચી કાઢવો છે.'

'પણ શા માટે ?'

‘એ પણ મને ખબર નથી.'