ન્હાના ન્હાના રાસ/આત્મદેવ
← અણમોલ ફૂલડાં | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ આત્મદેવ ન્હાનાલાલ કવિ |
આભનાં કુંકુમ → |
આત્મદેવ
ઓ આત્મદેવ !
આવો, હો ! આવી વસન્ત આ.
દેવરંગી ફૂલ ઉગ્યાં અવનીમાં, આભમાં,
ફૂલડાં ઉઘાડો મુજ ભાલમાં:
ઓ આત્મદેવ ! વિ.
મ્હેક મ્હેક મ્હેકે નવવાસના વિરાટની;
મ્હેકે સુગન્ધો અંગરંગમાં:
ઓ આત્મદેવ ! વિ.
વનનાં ઉંડાણ ભરી બોલે છે કોકિલા;
બોલી કોયલ ઉરઆભમાં:
ઓ આત્મદેવ ! વિ.
ચન્દનચોક ઢળે તેજ કેરી વાદળી;
તેજ એ ઢોળાય પ્રાણચોકમાં:
ઓ આત્મદેવ ! વિ.
રમતી વસન્ત આજ વિશ્વ કેરી વાડીએ;
રમો મ્હારી આંખના ઉદ્યાનમાં:
ઓ આત્મદેવ ! આવો, હો આવી વસન્ત આ.