ન્હાના ન્હાના રાસ/પારકાં કેમ કીધાં?
← પાણીડાં કેમ ભરીએ? | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ પારકાં કેમ દીધાં? ન્હાનાલાલ કવિ |
પુનમની પગલીઓ → |
પારકાં કેમ દીધાં?
હરિ ! નેહને નેણલે ઝૂલાવી
ને દેવનાં દાન દીધાં ;
પછી ભવને ભૂલામણે ભૂલાવી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! ચન્દ્રમા શા રમકડે રમાડી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આત્માની જ્યોતને બૂઝાવી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! પાંગરાવી આભને ય ભેદી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આનન્દવેલડી ઉચ્છેદી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! અમૃતના ઓઘ ન્હોતા છેટા,
ને દેવનાં દાન દીધાં ;
પછી ખારે ખારે સાગરે ઉશેટ્યાં
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! તારલાની ચુંદડી ઓઢાડી,
ને દેવનાં દાન દીધાં ;
પછી અગ્નિની સેજમાં પોઢાડી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! પુણ્યનાં સોણલાં પમાડ્યાં,
ને દેવનાં દાન દીધાં ;
પછી દુઃખપાપદવમાં દઝાડ્યાં
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! આજવાળે અમને ઉછેર્યાં,
ને દેવનાં દાન દીધાં ;
પછી અન્ધારે શાને ઉશેટ્યાં ?
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! હોમ્યાં હુતાશમાં શે ફૂલો ?
ને દેવનાં દાન દીધાં ;
એ તે આપ, કે બ્રહ્માજી ભૂલ્યો ?
કે પારકાં કેમ કીધાં ?