ન્હાના ન્હાના રાસ/પ્રેમનગરના રાજવી

← પ્રીતિના પ્રાહુણા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
પ્રેમા નગરના રાજવી
ન્હાનાલાલ કવિ
બ્રહ્મના બ્રહ્મમહેલે →



પ્રેમનગરના રાજવી

કે આભમાં ડગમગ ડોલે વાદળી રે;
કે માહરે મન મહેરામણ મેઘ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.

કે મેઘમાં ઝગમગ ઝબુકે વીજળી રે;
કે વીજ શા નેણલે નાચે નાથ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.

કે ચોમેર વનરાજી ઢોળઇ ઢળે રે;
કે મોરલો ગરજે વનને ગોખ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.

કે આછી-આછી ઓઢણ પામરી રે;
કે આછાં આંજણ, આછાં અંઘોળ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.


કે ઘેરા ઘેરા ઘનના માંડવા રે;
કે ઘેરા વન, નદીઓનાં નીર:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.

કે પદ્મથી છવરાઈ રહી તવ પદ્મણી રે;
કે વીણવા આવજો એ રસરાજ !
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.