ન્હાના ન્હાના રાસ/સુખદુઃખ
← દૂધ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ સુખદુ:ખ ન્હાનાલાલ કવિ |
શીયળ → |
૭૦
દુઃખસુખ
દુઃખસુખ આવે રે તે સ્હેજો :
માજીના ચરણકમલમાં ર્હેજો :
દુઃખસુખ આવે રે તે સ્હેજો.
સુખડાં તરતાં રે રૂડાં છે :
દુઃખડાં પાછળ રે ઊંડાં છે :
માજીના ઊંડારૂડા સન્દેશ
દુઃખસુખ આવે રે તે સ્હેજો.
સુખડાંની શોભા રે સુલભ છે :
દુઃખડાંના હેતુ રે ગહન છે :
માજીના ગહનસુલભ આદેશ
દુઃખસુખ આવે રે તે સ્હેજો.
મા ! મુજ પ્રેમલ રે રચના છે :
મા ! તુજ સદર્થ રે ઘટના છે :
મા ! મુજ સદર્થ પ્રેમલ નિવેશ
દુઃખસુખ આવે રે તે સ્હેશું :
મા ! તુજ ચરણકમલમાં ર્હેશું :
દુઃખસુખ આવે તે મા ! સ્હેશું.