ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ન્હાનાલાલ કવિ


પ, આગમની વાતો





આગમની વાતો કહો, વાતો કહો;
હાં રે આવો, અગોચર દેશના પ્રવાસી !
આગમની વાતો કહો, વાતો કહો.

હાં રે ભૂત-વર્તમાન યથામતિ વાચ્યા;
હાં રે એવા ભાવીના અક્ષરો છે સાચા:
આગમની વાતો કહો, વાતો કહો.

હાં રે સાગર ન્હાયા, ને તેજદેશે ઉડ્યા,
હાં રે ઉપર દેવના દરબાર દીઠ રૂડા :
આગમની વાતો કહો, વાતો કહો.

હાં રે કાને સાંભળ્યું ને આંખડીએ દીઠું;
હાં રે એથી હૈયાનું સ્વપનું છે મીઠું :
આગમની વાતો કહો, વાતો કહો.

હા રે તપતો મધ્યાહ્ન, પછી પડી રાત્રી,
હા રે કાલે પાડશે પ્રભાત જગવિધાત્રી
આગમની વાતો કહો, વાતો કહો

હા રે આવો, અગોચર દેશના પ્રવાસી !
આગમની વાતો કહો, વાતો કહો