ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આયુષ્યનો છોડ
← આનન્દરંગ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ આયુષ્યનો છોડ ન્હાનાલાલ કવિ |
આયુષ્યનો ભયો ભોર → |
આ પ્રારબ્ધ કેરી વાડીએ, ફૂલ વીણજો રે !
કાંઈ ઊગ્યો આયુષ્યનો છોડ:
રસિક ! ફૂલ વીણજો રે !
આ જગતકુંજની ઝૂકી ઘટા, ફૂલ વીણજો રે !
કાંઈ પૂરજો ઉરના કોડ;
રસિક ! ફૂલ વીણજો રે !
પેલા ફૂટે ફુવારા તેજના, ફૂલ વીણજો રે !
સન્ધ્યાના સોનેરી અન્ધાર;
રસિક ! ફૂલ વીણજો રે !
અને ચન્દ્ર ઢોળે રૂડી ચન્દની, ફૂલ વીણજો રે !
ત્યંહા વીણજો સંસારના સાર,
રસિક ! ફૂલ વીણજો રે !
કાંઈ કેસરની અર્ચા કરી, ફૂલ વીણજો રે !
જગે ચન્દન ચોળ્યાં અંગ:
રસિક ! ફૂલ વીણજો રે !
પ્હણે કુંકુમના પૂર્યા સાથિયા, ફૂલ વીણજો રે !
ત્ય્હાં છે આનન્દવર્ણ સુગન્ધઃ
રસિક ફુલ વીણજો રે !
મીઠી કળીઓ સુખની ઉઘડે, ફૂલ વીણજો રે !
એથી મીઠડા દુઃખના લ્હાવ.
રસિક! ફૂલ વીણજો રે!
આ દુનિયા વાડી છે દેવની, ફૂલ વીણજો રે !
મંહિ ખેલે મનુજ ધૂપછાવઃ
રસિક ! ફૂલ વીણજો રે !
♣