ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/કળાયેલ મોરલો
← કસુંબલા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ કળાયેલ મોરલો ન્હાનાલાલ કવિ |
ક્હાનડા ત્હારી બંસી મંહી → |
જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે ! ત્હારાં મનગમતાં મૂલ,
રાજમ્હેલને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! આપું દિલમાનાં ફૂલ.
શ્રી કદમ્બની ઘટાઓ મનોહરી,
મોરલા રે ! ત્હારી ઉંચી એ ડાળ;
ઉરની ઘટાએ યે ગહનઘેરામણી,
મોરલા રે! આવ્યે ઉરનારને પાળ.
જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે ! ત્હારા મનગમતા મૂલ.
♣