← ઝાંઝરી ઝમકે છે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ઢેલબા
ન્હાનાલાલ કવિ
ઢેલબાનો કન્થ →


૪૧, ઢેલબા





કે ઢેલબા રમવાને આવ્યાં,
શા શા સન્દેશડા લાવ્યાં?
કે ઢેલબા રમવાને આવ્યા.

નમતેલા નીલ કંઠે, ગમતે ટહૂકલે,
ઠમકાતે પગલે સુહાવ્યાં,
કે ઢલબા રમવાને આવ્યાં.

મેંદીની વાડીએ ને ફૂલડાની ઝાડીએ
તેજના સાથિયા પૂરાવ્યા;
કે ઢલબા રમવાને આવ્યાં.

મેહુલે મીઠપની વરસી વિભૂતિઓ
સોહાગ સૃષ્ટિને સજાજવ્યા;
કે ઢલબા રમવાને આવ્યાં.


પશ્ચિમે પૂર્વને શા શા સંભળાવિયા?
પૂર્વે પશ્ચિમને શાં કહાવ્યા?
કે ઢેલબા રમવાને આવ્યા.

હૈયાની હેલ ઢોળી લીધા ઓવારણા,
નેહને નેણલે વધાવ્યા,
કે ઢેલબા રમવાને આવ્યા.