ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/બ્રહ્માંડજહિની કવિતા

← બ્રહ્મચારિણી ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
બ્રહ્માંડજયિની કવિતા
ન્હાનાલાલ કવિ
ભમ્મરિયા કૂવાને કાંઠડે →


બ્રહ્માંડજયિની કવિતા


અમુલખ અલખ ઘડી એ ઊગી, અહો !
હુલ્લાસી કાળઅજિતા રે લોલ;
ગાવો-ગાવો, સખી મંડળ ! મળી સહુ
આયુષ્યપર્વની ગીતા રે લોલ.

પ્રારબ્ધવર્ણા પુષ્પો ખીલ્યાં,
કાંઈ પાંખડીએ પ્રેરણા પીતાં રે લોલ;
હૈયાની છાબો ભરી રંગફૂલડે
જગને વધાવો, હો વનિતા ! રે લોલ.

વિશ્વવસન્ત કેરી છાલકો છાંટતી
ઊછળે રસની સરિતા રે લોલ;
આભઆભ વીંધતી પ્રચંડ બ્રહ્મવીણા
વાગે છે વિશ્વઅતીતા રે લોલ.

ત્રિલોકપાટે ઊભા જો ! આમન્ત્રે
વિશ્વવસન્તના સવિતા રે લોલ;
જાતાં જાતાં યે હો ! ગાજો, રસિકવર !
બ્રહ્માંડજયિની કવિતા રે લોલ.