ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/લજામણીનો છોડ
← યુગપલટા ઘડશે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ લજામણીનો છોડ ન્હાનાલાલ કવિ |
લોકલોકના ચોક → |
નમણી લજામણીનો છોડ,
એ છોડ બ્હેન! કોણ વાવ્યો રે ?
સૌન્દર્યદેશમાં અજોડ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?
મેહુલો મહાનુભાવ, ઉર રમન્ત વીજળી;
એવાં કીકીનાં કામણના કોડ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?
પૂર્ણિમાનો પીયુષવાહી ચમકે છે ચન્દ્રમા,
એવા મલકે સોહાગી દેવમ્હોડ:
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?
રંગરંગ રેલતી ઉષાની રંગચુન્દડી;
એવાં ઉગતાં આયુષ્યનાં પ્હરોડઃ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?
મોરલાની કલગીની ડોલે કિરણાવલિ;
એવા મુગ્ધાના મનના મરોડઃ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?
નમણી લજામણીનો છોડ-
♣