← ભાઈ પંકજ
ખૂન
રમણલાલ દેસાઈ
૧૯૩૫
પંકજ →




ખૂન

પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી.

'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ.

'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે કહ્યું,

'આપ જલદી કરો. મારી સાથે આવો.'

'તારી સાથે શા માટે આવું ? તને કોઈ મારી નાખે છે?'

'મને તો નહિ; પણ કોઈકને તો મારી નાખશે.'

'કોઈ મારી નાખશે ? કોને મારી નાખશે? શા માટે મારી નાખશે? એ તું નહિ જણાવે ત્યાં સુધી હું શું કરી શકું?'

'હું આપને મકાન બતાવું અને માણસ બતાવું.'

ખબર આપનાર મનુષ્યના મુખ ઉપર ખરેખર ભય હતો. તે પોલીસને ખોટી ખબર આપવા આવ્યો ન હતો એમ તેના દેખાવ ઉપરથી પોલીસ અમલદારને સમજાવ્યું,

'તારું નામ શું ?' અમલદારે પૂછ્યું, 'મારું નામ નારણ.'

'શો ધંધો કરે છે તું ? '

'ધોબી છું, સાહેબ.'

'ખોટી ખબર આપીશ તો સજા થશે, સમજ્યો ?'

'સાહેબ. બહુ દૂર જવાનું નથી. ખૂનની વાત સાંભળીને હું અહીં દોડતો આવ્યો ધારશો તો પાંચ મિનિટમાં પકડશો.'

ખૂન જેવા ગુનાની ખબર મળે અને પોલીસઅમલદાર બેસી રહે એ અશક્ય હતું. વળી અમલદાર ખંતીલો, સહાય કરવાને તત્પર તથા આગળ વધવાની આકાંક્ષાવાળા હતો. ખૂનનો ગુનો થતો અટકાવવાનું માન જતું કરવા સરખું ન હતું. અમલદારે ટૂંકી નોંધ ઝડપથી કરી લીધી અને નારણની સાથે જવા તે તૈયાર થયો. પોતાની સાથે પોલીસપોશાક વગરનાં ચાર માણસને પણ હથિયાર સહિત આવવા આજ્ઞા કરીને અમલદારે ઉતાવળાં પગલાં માંડ્યાં.

નારણનું એક કથન તો ખરું જ પડ્યું. પાંચ મિનિટની અંદર તેણે મકાન બતાવ્યું. મકાન નાનું સરખું હતું, પરંતુ ખૂનીઓ પોતાનાં કાવતરાં રચે એવું ખંડેર કે તિલસ્મી ઘર એ ન હતું.

'સાહેબ, બારણાં પાછળ ઊભા રહીને સાંભળો.' નારણે ધીમેથી કહ્યું. છ સાત પગથિયાં સીડી ચઢ્યા પછી ઘરમાં પેસવાનું દ્વાર આવતું હતું. સાહેબ અને નારણ બહુ જ ચુપકીથી ઉપર ચઢ્યા. શેરી ખાસ ભરચક ન હતી. બે માણસો પગથિયાં ઉપર ઊભા અને બાકીના માણસો સીટી સંભળાય એટલે દૂર ફરતા રહ્યા.

'સાહેબે બારણાં ઉપર કાન માંડ્યા. પ્રથમ ચાના પ્યાલા ખખડતા સંભળાયા. ખૂન અને જુગારી મંડળીમાં ચા જેવું નિર્માલ્ય પીણું કદી પણ પીવાતું તેમણે જોયું કે સાંભળ્યું ન હતું. દારૂ – કડક અને વણભેળ્યો શરાબ ઊછળતો ન હોય ત્યાં ગુનાનું વાતાવરણ જામી શકે નહિ એ પોલીસ અમલદારનો અનુભવ હતો. છતાં ચા પીનાર ગુનો ન જ કરે એવો સિદ્ધાંત બાંધી શકાય નહિ. અને એ સિદ્ધાંત ખોટો પાડતા શબ્દો પણ અમલદારે સાંભળ્યા :

'રતિલાલ. તું સૂર્યકાન્તને આમ મારી નાખે એ તો મને જરા પણ ગમ્યું નહિ.'

અમલદારની શ્રવણશક્તિ તીવ્ર હતી. તેનું અવધાન પણ ચોક્કસ હતું.

'રતિલાલ? ' અમલદારના મને પ્રશ્ન કર્યો. સૂર્યકાન્ત નામ મારવાને પાત્ર મનુષ્યનું હોઈ શકે. પરંતુ ખૂની તરીકે રતીલાલ નામ બહુ મોળું લાગ્યું. ખડ્રગસિંહ, ગનુ ઘાટી, મિત્રાં જાફર, બાબર બહાદુર એવા નામ સાથે ખૂનની શક્યતા ખરી, પરંતુ ગુજરાતી રતિલાલ સૂર્યકાન્તને મારે એ આશ્ચર્યજનક ઘટના હતી. પરંતુ તેની શંકાનું નિરસન કરતી બીજી વાત પણ અમલદારે સાંભળી. અને તેની તાજુબીનો પાર રહ્યો નહિ.

'એકલા સૂર્યકાન્તને મારવાનો હોય ત્યાં સુધી આપણે ચલાવી લઈએ, પણ આ તો બિચારી સુલતાને પણ તું મારી નાખે છે?' બીજો અવાજ અંદરથી આવ્યો.

'હું ક્યારનો કહું છું કે રતિલાલ ક્રુર છે, ખૂની છે, એક જીવ માર્યે તેને સંતોષ થતો નથી એટલે બેને મારે છે.' પહેલી વાત કરનારનો કંઠ સંભળાયો.

'અને તે પણ બિચારી એક ખૂબસૂરત સુલતા સરખી સ્ત્રીને; બીજા માણસે કહ્યું. અને ત્રીજા માણસના હાસ્યનો ધ્વનિ સંભળાયો. હાસ્યભર્યો અવાજ પણ સાથે જ આવ્યો.

'ખૂન વગર ખરી મઝા ન આવે. મૃત્યુ તો જીવન સાથે જડાયલું જ છે. '

અમલદારે જાણ્યું કે આ હસીને બોલનાર પેલો રાક્ષસ રતિલાલ જ હોવો જોઈએ. એકલા સૂર્યકાન્તને જ નહિ, પણ એની સાથે કોઈ સુલતા નામની ખૂબસૂરત યુવતીને પણ તે મારવા તલપી રહ્યો હતો ! નારણ સામે જોઈ અમલદારે મૂક આભાર પ્રદર્શિત કર્યો, અને ખૂનમાં મજા માણતા રતિલાલને ખૂન કરતો અટકાવી યશ મેળવો એવો નિશ્ચય કર્યો.

'પણ આવું અકારણ મૃત્યુ ! નહિ, નહિ, સુલતાને તો જીવતી રહેવા દે.'

રતિલાલના સાથીદારો રતિલાલ જેટલા ક્રુર નહિ હોય, અથવા સુલતાને બચાવવામાં તેમનો કાંઈ સ્વાર્થ હોવો જોઈએ એટલું અનુમાન અમલદારે કર્યું. સાથીદારોના આગ્રહથી સુલતા કદાચ બચી જાય; પરંતુ બિચારો સૂર્યકાન્ત તો આ રતિલાલની ખૂની ખંજરનો જરૂર ભોગ થઈ પડવાનો !

'ખૂન પણ એક કલા છે ! માનવીના અમુક ભાવોને ખૂન સંતોષી શકે છે. માટે જ ખૂન આવશ્યક છે.' રતિલાલની દલીલ સંભળાઈ.

ખૂની ફિલસૂફ પણ હતો ! અમલદાર ઉચ્ચ શિક્ષણ પામેલો હોવાથી પશ્ચિમના ખૂની કલાવિધાયકોનાં દ્રષ્ટાંત જાણતો હતો. હિન્દમાં પણ આ પરિસ્થિતિ ઊભી થવા લાગી ! સિનેમા, નવલકથા અને ગુનાનાં વર્ણને હિંદમાં પણ આવા ક્રૂર ખૂનીઓને જન્મ આપવા માંડ્યો.

'હરકત નહિ ! આ ખૂન હું જરૂર અટકાવીશ.' કહી અમલદાર નીચે ઊતર્યો. અને ઘરમાંથી નીકળતાં માણસો ઉપર સતત નજર રાખવા ગુપ્તચરોને ત્યાં જ ફરતા રાખ્યા. નારણને સાથે લીધો. અને તેના હાથમાં રૂપિયો મૂક્યો. રસ્તામાં જ તેમણે નારણને પૂછ્યું :

'નારણ, તું એ ખૂનીનો ધોબી છે ?'

'હા, જી, છ મહિનાથી એમનાં કપડાં ધોઉં છું.'

'ધરના માલિકનું નામ રતિલાલ ને?'

'હા, જી, એ તો ભાડે રહે છે.'

‘એમનાં કપડાંમાંથી તને શંકા પડે એવું કાંઈ જણાયું છે ?' 'ના, સાહેબ.'

'લોહીનો ડાઘ, કે એસીડનો ઉઝરડો, અગર ક્લોરોફાર્મની વાસ...'

'કશું જ નહિ, મને તો બહુ સારા માણસ લાગતા હતા. ફક્ત આજ આમ ખૂનની વાત બારણાં પાછળથી સાંભળી અને હું આપની પાસે દોડી આવ્યો. મારાથી ઘરમાં જ ન જવાયું ને?'

'તેં ઠીક કર્યું. વારુ, એ રતિલાલ ધંધો શો કરે છે?'

‘ધંધો ? નિશાળમાં માસ્તર છે.'

'માસ્તર ?'

ખૂન થયું હોય એટલી ચમક અમલદારને થઈ. રતિલાલ નામ જાતે ગુજરાતી અને શિક્ષકનો ધંધો ! અમલદારને આકાશ પાતાળ એક થઈ જતાં લાગ્યાં ! શિક્ષક તે ખૂન કરે ? અને તે પણ રતિલાલ નામ ધરાવતો શિક્ષક? હા, શિક્ષકો અને પરીક્ષકોને ખૂનની તક પરીક્ષા આપે છે, પરંતુ આવું ધારી ઢબે ખરેખર ખૂન તો શિક્ષકથી ન જ થાય !

ત્યારે એણે સાંભળ્યું શું ? અમલદારે પોતાની નોંધ કાઢી. રતિલાલ અચૂક રીતે સૂર્યકાન્ત અને સુલતાનું ખૂન કરવાનો હતો !

શું થશે ?

થાણામાં જઈ અમલદારે કેટલાક મદદનીશોને પાસે બોલાવ્યા, અને પૂછ્યું :

'સૂર્યકાન્ત નામનો કોઈ માણસ જાણવામાં છે ?'

બદમાશોનાં નામ બધા પોલીસ અમલદારોની જીભને ટેરવે હતાં. પણ કોઈ બદમાશનું નામ સૂર્યકાન્ત ન હતું.

શંકાશીલ વર્તનવાળાં નામોમાં પણ કોઈ સૂર્યકાન્ત દેખાયો નહિ. ફિંગર પ્રિન્ટની યાદીમાં પણ કોઈ સૂર્યકાન્ત જડી આવ્યો નહિ

'સાહેબ, એક સૂર્યકાન્ત મને યાદ આવે છે.' એક સિપાઈએ કહ્યું.

'તો પછી બોલ ને ? એ કોણ છે? ક્યાં રહે છે?' અમલદારે કહ્યું.

'ગામના નગરશેઠનો ભત્રીજો છે.'

'તું શાથી જાણે છે?'

'એક રબારણની મશ્કરી કરવાના કામે એ સપડાયો હતો.'

'પછી ?'

'પછી શું ? માંડવાળ થઈ, અને ફરિયાદ પાછી ખેંચી લેવાઈ.'

'પૈસા વેર્યા હશે.'

'થોડું ઘણું તો ખરું સ્તો !'

અમલદારની મહેનત સફળ થઈ. સૂર્યકાંત નામનો નગરશેઠને ભત્રીજો છે, એટલી વાત આગળ આવી. ધનિકો, અને ધનિકોના ભાઈભત્રીજા તરફ ખૂનીઓની આંખ વળેલી હોય છે જ.

'એ પરણેલો છે?' અમલદારે પૂછ્યું.

‘એ ખબર નથી.'

'હરકત નહિ.' કહી અમલદાર ઊભા થયા, અને દોડતી ગાડીએ નગરશેઠને ઘેર પહોંચ્યા.

પોલીસથી સૌ કોઈ બીએ છે. નગરશેઠ પોલીસ અમલદાર આવ્યા જાણ્યા અને ભયમિશ્રિત આવકારથી અમલદારને વધાવ્યા.

'કેમ સાહેબ, આપને તસ્દી લેવી પડી ?' શેઠે પૂછ્યું.

'આપના ભત્રીજાનું કામ છે.' અમલદારે કહ્યું.

'ભત્રીજો ! પાછું શું એણે ઊભું કર્યું છે?'

'જરૂરનું કામ છે.'

'અહી બોલાવું ?'

'ના, એમને એકલો પ્રથમ મળીશ.'

'હમણાં તો મેં એને જુદો રાખ્યો છે, મારા કમ્પાઉન્ડમાં જ જુદા બંગલામાં રાખ્યો છે.'

ચોક્કસ પોલીસઅમલદારને બધી જ વિગતો ઉપયોગી નીવડે છે.

નગરશેઠને અને ભત્રીજાને બનતું નથી, એટલું એ વાતમાંથી સ્પષ્ટ થયું. 'એનું નામ તો સૂર્યકાન્તને ?'

'નામમાં તો શું લેવા જવું પડે એમ છે? એને સૂર્યકાન્ત નામ ગમ્યું. બાકી અમે તો સૂરજલાલ રાખ્યું હતું.'

'ઠીક, હું મળી લઉં.'

'પછી પધારો. હું ચા તૈયાર કરાવું.'

અમલદાર શેઠના માણસ સાથે સૂર્યકાન્તને બંગલે ગયા. એક નમ્ર, સાલસ અને બુદ્ધિમાન દેખાતો બાવીસેક વર્ષનો યુવક ઓસરીમાં ચોપડીઓના થોકડા નજીક આરામ ખુરશી ઉપર બેસી પુસ્તક વાંચતો હતો. વાંચવામાં મશગૂલ થયેલા યુવકને અમલદાર આવ્યાની પ્રથમ ખબર પડી નહિ; પરંતુ ખબર પડતા જ તેણે પુસ્તક બાજુએ મૂક્યું અને અમલદારને વિવેકભર્યો આવકાર આપ્યો.

'પોલીસ અમલદાર છું.' અમલદારે પોતાની ઓળખાણ આપી.

'આપની ઓળખાણથી હું રાજી થયો. કહો, શું કામ છે ?' સૂર્યકાન્તે કહ્યું.

'સૂર્યકાન્ત તમે જ ને ?'

'હા, જી.'

'કોઈ રબારણની છેડતીમાં તમારું નામ આગળ આવેલું ખરું ?' કોઈની પણ નિર્બળતા જાણી લેવી એ આગળ વધવાનો સુગમ માર્ગ છે.

'મને તેની દરકાર નથી.' જરા ગર્વથી સૂર્યકાન્તે કહ્યું.

'તમને દરકાર નહિ હોય, પણ બીજાઓને દરકાર રાખવી પડે છે.' જરા સખ્તાઈથી અમલદારે કહ્યું.

'એમાં મારો ઈલાજ નથી. કાકા ફાવે તે તોફાનો ઊભાં કરે છે. અને મારું નામ વગોવે છે.' સૂર્યકાન્તે કહ્યું.

કાકાભત્રીજાના દેખાવ ઉપરથી નિર્ણય કરવાનો હોય તો સૂર્યકાન્તનું કથન ખરું લાગે એમ હતું. સૂર્યકાન્તના મુખની છાપ તેને પ્રામાણિક અને ચોખ્ખા હૃદયનો સાબિત કરતી હતી.

'કાકા તમારા દુશ્મન છે?' અમલદારે પૂછ્યું.

'સાહેબ, અમારા ખાનગી ઝઘડામાં શું કરવા પડો છે ?'

'તમારા ખાનગી ઝઘડા જાહેર બને છે એટલે મારો શો ઇલાજ ?'

'એક રબારણનું તોફાન ઊભું કરી માંડી વળાવી મને ફસાવવા પ્રયત્ન કર્યો; હવે બીજું શું ઊભું કરે છે?'

'તમારા કાકાને અને તમારે કેમ બનતું નથી ?'

'આપ નથી સમજી શકતા ?'

'બધું સમજું છું, પણ તમારી પાસેથી જ મારે વાત જાણવી છે.' કંઈ જ ન જાણતા અમલદારે એટલું તો સમજી લીધું હતું કે કાકાભત્રીજા વચ્ચે ભારે અણબનાવ હતા. રતિલાલના કાવતરા સાથે આ અણબનાવને સંબંધ તો નહિ હોય? આ કામે ખૂબ દક્ષતા રાખવાની હતી. સૂર્યકાંત વાતમાં અને વાતમાં ઘણી વિગતો જણાવી દેશે એમ લાગ્યું.

'કાકાની મિલકતમાં હું ભાગીદાર છું એ જાણો છો ને?' સૂર્યકાંતે કહ્યું.

'હા સ્તો. એમાં કાંઈ કોઈનું ચાલે એમ છે?'

'હા. કાકાનું ઘણું ચાલી શકશે. ગુનામાં સંડોવી મને નાલાયક બનાવી શકશે.’

‘પણ એટલું વેર શા માટે?'

'કાકીની નાની બહેન સાથે મારું લગ્ન કરાવવું છે.'

'એમાં હરકત શી છે?'

'હરકત? તમે એને જુઓ, પછી એ પ્રશ્ન કરો.'

'તમારા વડીલોનું તમારે માન રાખવું જોઈએ.'

'લગ્ન સિવાયની બધી વાતમાં હું માન આપું છું.'

'તમારી ઈચ્છા કોની સાથે લગ્ન કરવાની છે?' 'એ વાત ગુપ્ત રહે એમાં જ સારું છે.'

'મારી પાસે આવેલી વાત ગુપ્ત જ રહે છે. હું બધું જાણું છું, છતાં ખાતરી કરવા માટે પૂછું છું.'

'હું એક વિધવા સાથે લગ્ન કરવા ધારું છું. કાકા મને વિધવા સાથે પરણેલો જુએ એના કરતાં મને મરેલો જોવા વધારે તૈયારી બતાવે.'

'અને કદાચ તમને મારવાનું કાવતરું રચાતું હોય તો ?'

'તો નવાઈ નહિ.'

'એમ? તમે ધારી બેઠા છો કે તમારું ખૂન થશે ?'

'કાકાએ ધાર્યું હોય તો તે જાણે. હું તો મારા પુસ્તકોમાં મશગૂલ રહું છું.'

'પણ તમારા જેવા પ્રતિષ્ઠિત શેઠના દીકરાને વિધવા સાથે લગ્ન કેમ કરવું પડે છે?'

'શું એક વિધવા પ્રતિષ્ઠિત નથી? વિધવા સાથેના લગ્નથી મારી કે મારા કુટુંબની પ્રતિષ્ઠા ઝાંખી પડશે?' શું વિધવાને હૃદય નથી?'

'હૃદય તો બધાંયને હોય. એક વિધવાના હૃદય માટે આવો આગ્રહ કેમ ?'

'સાહેબ, આ મશ્કરીનો વિષય નથી. અમે બન્ને કૉલેજમાં સાથે જ ભણતાં, ત્યારથી એકબીજાને લગ્નનું વચન આપી ચૂક્યાં છીએ.'

'વચન આપતાં પહેલાં જ વિધવા થઈ હશે.' અમલદારે પૂછ્યું.

સૂર્યકાન્તના સાલસ મુખ ઉપર ક્રોધ વ્યાપી ગયો. પોતાની પ્રિયતમા વિષે વગર વિચાર્યું બોલનાર પોલીસ અમલદારની તે પરવા કરે એમ ન હતો. સુખી, ધનિક અને ભણેલા સંસ્કારી યુવકની ભાવનાશીલતા અમલદારે સૂર્યકાન્તમાં જોઈ, અને પ્રેમને માટે દુ:ખ ખમતા યુવક માટે તેને માન ઉત્પન્ન થયું.

'હું તમારું દિલ દુભાવવા આવ્યો નથી. હું તમને ચેતવણી આપવા આવ્યો છું.'

'તમારો આભાર માનું છું, પરંતુ મારી ભાવી પત્ની વિષે તોછડાઈથી બોલનાર સાથે હું વાત કરતો નથી.'

'વારુ એ તમારાં ભાવી પત્નીનું નામ શું ?'

'એનું નામ શાંતા.'

‘શાંતા ?'

અમલદાર મનમાં ગૂંચવણ ઊભી થઈ. ખૂનના કાવતરામાં શાન્તાનું નામ આવતું ન હતું. શાંતા કોણ? તેમણે પોતાની નોંધ ઉઘાડી. નામ શાન્તા નહિ પણ સુલતા હતું. ત્યારે આટલે સુધી મળતી આવેલી તપાસ નિરર્થક જશે ? ફરી પાછું નવેસરથી કામ શરૂ કરવું પડશે?

સૂર્યકાન્ત અમલદારના મુખ પર છવાયેલી મૂંઝવણ જોઈ શક્યો. પરંતુ તેને સમજ ન પડી, કે આ અમલદાર તેની ખાનગી બાબતમાં આટલો રસ કેમ લે છે ! કાકાએ પાછું શું ય ધાંધલ ઊભું કર્યું હશે ?

'ત્યારે તમારાં કાકીની નાની બહેનનું શું નામ?' અમલદારે પૂછ્યું.

'એનું નામ વિજયા. મહેરબાની કરી એની યાદ ફરી ન દેવડાવશો.' સૂર્યકાન્તે કહ્યું.

'પછી સુલતા કોનું નામ ?' સહજ કંટાળીને અમલદારે પૂછ્યું.

‘સુલતા ?...સુલતા ?...તમે જાણ્યું ?' આશ્ચર્યમુગ્ધ બનેલા સૂર્યકાન્તે પૂછ્યું; એટલું જ નહિ, પણ તેને ખાતરી થઈ કે આ અમલદાર ત્રિકાળજ્ઞાની છે.

'સુલતા કોણ એ તમે કેમ મને ચોખ્ખું કહી દો. પછી હું કહેવાનું તમને કહીશ.'

'શાન્તાનું નામ મેં સુલતા રાખ્યું છે. પરણ્યા પછી એ નામ જાહેર કરીશું. તમે ક્યાંથી જાણ્યું ?'

'ત્યારે સૂર્યકાન્ત, હું તમને ચેતવણી આપું છું, કે તમારું અને સુલતાનું ખૂન કરવા માટે કાવતરું રચાઈ રહ્યું છે.' અમલદારે ભાર મૂકી કહ્યું.

સૂર્યકાન્ત જરા સ્તબ્ધ બન્યો. પછી એક પ્રેમીને છાજે એવી ઢબે તે બોલ્યો:

'મારું ભલે ખૂન થાય પરંતુ સુલતાને તો તમે બચાવો !'

‘હું બન્નેને બચાવીશ. પરંતુ તમે મારી સૂચના પ્રમાણે ચાલો હું ન ઓળખાય એવા પોલીસનાં માણસો તમારાં રક્ષણ માટે રોકું છું.' કહી અમલદાર ઝડપથી ઊઠ્યા, અને શેઠને ત્યાં ઉતાવળથી ચા પી ગાડીમાં પાછા બેઠા.

સૂર્યકાન્ત અને સુલતાનું ખૂન રતિલાલ નામના શિક્ષકને હાથે થવાનો તાગડો રચાયો હતો એ ચોક્કસ હતું. સૂર્યકાન્તના ખૂનમાં તેના કાકાનો હાથ ચોક્કસ હતો એ પણ સ્પષ્ટ હતું. ખૂનનું કારણ પણ સમજાયું. સારા કુંટુબો–કહેવાતાં સારાં કુટુંબમાં વિધવાવિવાહ માટે હજી ઘણો જ અણગમો હતો. અને પ્રતિષ્ઠા ખાતર ઝનૂની માણસો એમાં ગમે તેનું ખૂન કરી બેસે એ પણ સંભવિત હતું. હવે તજવીજ એક જ કરવાની બાકી રહી; ખૂન અટકાવવું શી રીતે ? અને ખૂનીને સજાએ પહોંચાડવો શી રીતે ?

પોલીસ અમલદાર શાંતિથી બેસવાને સર્જાયલો નથી. પોલીસ સ્ટેશન આવી તેણે વિગતવાર નોંધ લખી લીધી અને એક ગુપ્ત નિવેદન દ્વારા ઉપરીને જણાવ્યું કે તે એક મહત્ત્વના ગુનાને અટકાવવામાં રોકાયો છે.

આટલું કરી તે શાળાના મુખ્ય શિક્ષક પાસે ગયો. ઓછામાં ઓછું શીખવી વધારે શીખવ્યાનો ભ્રમ સેવતા મુખ્ય શિક્ષક હમણાં જ મિત્રને ત્યાંથી પાછા આવી ઘેર બેઠા હતા. વિવેકની ટેવ બાળકોમાં પાડતા શિક્ષકે જાતે જ વિવેકના ચિહ્ન તરીકે માથે ટોપી પહેરી લીધી અને અમલદારની સાથે સહેજ ગભરાટથી વાત શરૂ કરી : 'કહો સાહેબ, પોલીસખાતાને મારો શો ખપ પડ્યો?’ મુખ્ય શિક્ષકે પૂછ્યું.

'આપનો ખપ હવે ઘણો ગમશે.'

'વિદ્યાર્થીઓએ ફાનસ ફોડ્યાં? કે કોઈ પોલીસ તરફ પથરા ફેંક્યા?'

'એવા ગુના અમે ચલાવી લઈએ છીએ. હું એક માહિતી મેળવવા આવ્યો છું.'

'જાણું છું એટલું સાચેસાચું કહીશ.'

'રતિલાલ નામના શિક્ષક તમારી શાળામાં છે?'

'હા જી. એક વરસ થયાં અહીં છે.’

'એના સંબંધમાં તમારો શું મત છે ?'

'એને માટે મારો બહુ સારો મત છે. અમારા સારામાં સારા શિક્ષક તરીકે હું એને ગણું છું.'

'એનામાં કાંઈ વિચિત્રતા છે?'

'ના ભાઈ. પહેરવે ઓઢવે ઘણો ચોખ્ખો; વાતમાં બહુ સભ્ય; વિદ્યાર્થીઓને બહુ જ પ્રિય અને શિક્ષણમાં ઘણો જ ચોક્કસ.'

અમલદાર જરા ગૂંચવાયો; પછી તેણે કહ્યું :

'માસ્તરસાહેબ, આપને કોઈ એમ કહે કે રતિલાલે ખૂન કર્યું છે, તો આપને શું લાગે ?'

'ખૂન ? રતિલાલે ? નવાઈની વાત.' શિક્ષક ખુરશી ઉપરથી ઊછળી બોલ્યા. અમલદારે શિક્ષક ઉપરની અસર નોંધી લીધી, મનમાં જ. કાં તો રતિલાલ ઘણો સારો હોય, અગર પોતે ઘણો સારો છે એવી છાપ પાડી, આરોપમાંથી ઊગરી જવાની તૈયારી રાખનાર એક બુદ્ધિમાન ઠગ હોય !

‘દુનિયામાં ઘણી નવાઈઓ બને છે એ તો આપ જાણો જ છો.' અમલદારે કહ્યું.

' હા જી, અને તેમાં આ તમારા સિનેમાએ તો સત્યનાશ વાળ્યો છે.' મુખ્ય શિક્ષક બોલ્યાં.

'રતિલાલ સિનેમાના શૉખીન છે?' પોલીસ અમલદાર જરા સરખી વાતને પણ જતી કરી શકે નહિ.

'હા. જરા ખરો. જુવાન છે . પણ એથી એના કામમાં હરકત આવતી નથી'

'એની પૈસા સંબંધી સ્થિતિ કેવી છે ? '

'સાધારણ બધાંની હોય છે એવી. તંગીનો અનુભવ ખરો. જરા ખર્ચાળ વધારે છે.'

'એના મિત્રો કોણ છે ? '

'બે શિક્ષકો એના ખાસ મિત્ર છે. ધણું કરી એ લોકો કૉલેજમાં સાથે હતા એમ કહે છે. હું એને બોલાવું ? '

'પણ એણે કોનું ખૂન કર્યું?'

'ખૂન કર્યું નથી, પણ કરવાનો છે.'

'એમ ! કોનું ?'

'એ હું કહીશ નહિ. એક નહિ, પણ બે ખૂન કરવાનો છે.'

'આપ શું કહો છો ? '

'હું પુરાવા વગર વાત કરતો નથી. એક પુરુષ અને એક સ્ત્રીનું ખૂન કરવા તેણે કાવતરું રચ્યું છે.'

મુખ્ય શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. રતિલાલ ખૂની ? અને તેના પુરાવા ? મુખ્ય શિક્ષકને આશ્ચર્યમાંથી જાગૃત કરી અમલદારે એક રહી ગયેલી વાત પૂછી લીધી :-

'રતિલાલ પરણેલો છે ?'

'ના. પણ સહજ ગોટાળો છે.'

'હોય જ. આપ કહી શકશો કે એ શો ગોટાળો છે ?'

'એક વિધવા સાથે પરણવાની વાત સાંભળી હતી.'

'એ પરણી ગયા છે ?' ચોંકીને અમલદારે પૂછયું. તેમને લાગ્યું કે ભેદ ઘટ્ટ થતો જાય છે. સૂર્યકાન્ત પણ એક વિધવાને પરણવા માગતો હતો. એક જ સુલતાના બે પ્રેમી હોય તો? ખૂનના કાવતરા માટેની માન્યતાને વધારે અને વધારે ટેકો મળતો જાય છે.

'ના. હજી હવે પરણશે.'

'આપ એ વિધવાનું નામ જાણે છો?'

'ના, જી.’

'હરકત નહિ. નામ હું જાણું છું.' કહી અમલદારે ઊભા થવા માંડ્યું. એટલામાં મુખ્ય શિક્ષકને કાંઈ સાંભર્યું હોય તેમ તેમણે કહ્યું :

'હાં, ઠીક યાદ આવ્યું. જરા બેસો.'

'શું છે? '

'રતિલાલ જરાક ક્રાન્તિકારી છે.'

'એટલે ?'

'રશિયાનું નવું સાહિત્ય બહુ વાંચે છે.'

'એમ ?'

રશિયાનું સાહિત્ય વાંચવું એ સૌના મતે ભયંકર ગુનો છે. ચોરી અને ખૂન કરતાં પણ એ સાહિત્યવાચનમાં વધારે ભયના ભણકારા સૌને સંભળાય છે. પોલીસને, ખાસ કરીને કાયદાથી સ્થાપિત થયેલું રાજ્ય – એનો અર્થ જે થતો હોય તે ખરો – ઉથલાવી પાડવાનું તેમાં કાવતરું જોવામાં આવે છે. રતિલાલની ભયંકરતા વધી ગઈ.

આટલી માહિતી અમલદાર માટે પૂરતી હતી.

માસ્તર રતિલાલ રસોઈનો સામાન ભેગો કરી ક્રોપોટકીનનું જીવનચરિત્ર વાંચવા સવારમાં બેઠા હતા, અને તેમના બારણાં ઉપર ટકોરા પડ્યા.

'કોણ છે? ' તેમણે બૂમ પાડી. 'જરા ઉઘાડો બારણું.'

'બારણું ઉઘાડું જ છે. અંદર આવો.' રતિલાલ કહ્યું અને એકદમ એક જમાદાર અને બે પોલીસનાં માણસો અંદર ધસી આવ્યાં,

' કેમ? આપને શું કામ છે?' રતિલાલે પૂછ્યું.

'તમને સાહેબ બોલાવે છે.'

'મને? મારી કશી ફરિયાદ નથી.'

'ફરિયાદ હોય તેણે જ શું પોલીસમાં જવું જોઈએ? આરોપી હોય એ બધાંયની જરૂર રહે છે.'

‘હું આરોપી યે નથી, સાક્ષી યે નથી.'

'છતાં આપને અમારા સાહેબ બોલાવે છે.'

'વૉરંટ છે ?'

'તમે સાથે નહિ આવો તો તે પણ બતાવીશું.'

રતિલાલને લાગ્યું કે પોલીસના માણસો સાથે હુજ્જત કરવામાં કાંઈ અર્થ નથી. કપડાં પહેરી રતિલાલે પૂછ્યું:

'મારું શું કામ છે તે જાણો છો?'

'ના.'

'હું તૈયાર છું.' કહી રતિલાલે પોલીસનાં માણસો સાથે ચાલવા માંડ્યું. થોડીક ક્ષણોમાં પોલીસસટેશને પહોંચેલા રતિલાલને અમલદારની ઓરડીમાં દાખલ કર્યો. ઓરડીની સજાવટ ભપકાદાર હતી.

'ગુડ મોર્નિગ ! રતિલાલે અંદર પ્રવેશ કરતાં બારોબાર અમલદારને કહ્યું.

'ગુડ મોર્નિંગ ! રતિલાલ તમારું નામ? ' અમલદારે પૂછ્યું.

'હા જી.'

'બેસો'

રતિલાલ આજ્ઞા પ્રમાણે બેઠો. પોલીસ અમલદારે તેના દેખાવની માનસિક નોંધ કરી. સરસ કપડાં, જરાક છટા, આંખમાં ચબરાકી એ મુખ્ય શિક્ષકના કહેવા પ્રમાણે જ દેખાયા. હોંશીયારીથી ગુનો કરી શકે એવી માનસિક સ્થિરતા પણ તેનામાં હતી. ગભરાટનો અંશ પણ રતિલાલમાં દેખાયો નહિ.

'રતિલાલ, તમને કેમ બોલાવ્યા એ હવે તમે જાણી શક્યા હશો.' અમલદારે કહ્યું.

'હું કાંઈ જ સમજી શક્યો નથી.'

'હવે સમજશો. હું તમને કહું કે તમને એક ગુનાને માટે તો અહીં બોલાવ્યા છે !'

'ગુના માટે ? હું કાંઈ ગુનો કરતો નથી.'

'ગુનો કરવાની તૈયારીમાં છો.'

રતિલાલના મુખ ઉપર એકદમ મૂંઝવણ દેખાઈ. શો જવાબ આપવો તેની એને સમજ ન પડી.

'હું પકડાઉં તો સજા કરજો.' રતિલાલે સહજ ગુસ્સામાં કહ્યું.

'તમે પકડાયા જ છો. હવે તમારાથી નસાય એમ નથી.'

'કેમ ? શા માટે ?'

'તમારા વિરુદ્ધ પૂરતો પુરાવો છે. અજાણ્યા ન થતાં તમારો ગુનો કબૂલ કરી લેશો તો સજા ઓછી થશે.'

'ગુનો કર્યા વગર, ગુનો જાણ્યા વગર ગુનો કબૂલ કરાવવાની ઢબ પોલીસ ખાતામાં હશે એનો આજ મને અનુભવ થયો.'

'તમે બહુ હોશિયાર છો તે હું જાણું છું, તમારું કાવતરું પકડાઈ ગયું છે.'

'શાનું કાવતરું ?'

'ખૂનનું.'

'ખૂન ! હું કરવાનો છું ?' અત્યંત આશ્ચર્ય પામી રતિલાલે કહ્યું.

'એક નહિ, પણ બે.' રતિલાલે તાકીતાકીને અમલદાર સામે જોયું. કાં તો રતિલાલ ઘેલો હોય કે અમલદાર ઘેલો હોય ! કોણ ઘેલો છે એ નક્કી કરવા રતિલાલે ખૂબ તાકીને જોયું. તેના મનને થાક લાગ્યો. તેણે ખિસ્સામાં ઝડપથી હાથ નાખ્યો. એકાએક અમલદારે પોતાની પિસ્તોલ રતિલાલ સામે ધરી અને કહ્યું :

'બસ ! જો ધાંધલ કર્યું છે તો વીંધી નાખીશ. હાથ ઊંચા કરો.'

સિનેમા જોઈ પાવરધા બનેલા રતિલાલે બે હાથ ઊંચા કર્યા. એક સિપાઈ ઝડપથી આવી સલામ કરી સાહેબની સામે ઊભો રહ્યો. અમલદારે આજ્ઞા કરી :

'ખિસ્સાં તપાસો.'

ઊંચા હાથ રાખી રહેલા રતિલાલની સામે અમલદારની પિસ્તોલ ઊભી જ હતી. સિપાઈએ રતિલાલનાં ખિસ્સાં તપાસ્યાં. તેમાંથી હાથરૂમાલ, કાગળના કટકા, અને પાંચ આના નીકળી આવ્યા. અમલદારે ખિસ્સામાં રિવોલ્વરની આશા રાખી હતી. રિવોલ્વર ન નીકળી એટલે અમલદારે સહેજ ઝંખવાણા બની કહ્યું :

'તમારી રિવોલ્વર ક્યાં?'

'રિવોલ્વર ? સાહેબ, એક વાત ચોક્કસ છે. કાંતો હું સ્વપ્નમાં છું, અગર આપ સ્વપ્નમાં છો !'

'કોણ સ્વપ્નમાં છે તે જણાઈ આવશે જ.'

એકાએક બીજો સિપાઈ ધસી આવ્યો. અને સલામ ભરી તેણે કહ્યું :

'સાહેબ, નગરશેઠ એકદમ આપને મળવા માગે છે.'

'આવવા દે. બન્ને કાવતરાંબાજ ભેગા થશે.'

ક્ષણવારમાં નગરશેઠ આવ્યા. અંદર દાખલ થતાં બારોબર તેમણે બૂમાબૂમ કરી મૂકી :

'સાહેબ, મરી ગયો. આબરૂના કાંકરા થઈ ગયા.' 'શું થયું?' અમલદારે પૂછ્યું.

'પેલો તો પરણી બેઠો.'

'કોણ? સૂર્યકાન્ત?'

'હા. એ જ. હવે નાત બહાર થવાના, અને અમારી સાતે પેઢીનું નામ બોળાયું !'

'એમાં હું શું કરી શકું !' અમલદારે કહ્યું.

'હજી લગ્નક્રિયા ચાલે છે. આપ આવી અટકાવો તો બહુ સારું.'

'તમારું કાવતરું મેં સફળ ન થવા દીધું, ખરું ?’ સહજ હસી અમલદારે પૂછ્યું.

'કાવતરું? કોણે કર્યું?' શેઠે પૂછ્યું. શેઠને ચમક થઈ.

'આપ જાણો અને આ આપના સાથીદાર જાણે !'

'મારા સાથીદાર ? આમને તો મેં જોયા પણ નથી.'

'આપના ભત્રિજાનું નામ સૂર્યકાન્ત ખરું ને ?'

'હા.' શેઠે કહ્યું.

'સૂર્યકાન્તના ખૂનની તજવીજમાં તમે હતા કે નહિ?' રતિલાલ તરફ જોઈ અમલદારે પૂછ્યું.

રતિલાલની આંખ કાંઈ ઊંડું ઊંડું નિહાળી રહી. અંતે તેણે કહ્યું:

'ના, સાહેબ.'

'સુલતાને આપ ઓળખો કે નહિ?' અમલદારે શેઠને પૂછ્યું.

'હા, હા, એ જ પેલી. શું કહું? આપ ઝડપ કરો. નહિ તો મંગળફેરા ફરી લેશે.'

'સુલતાના ખૂનની પણ તમારી કોશિશા હતી, એવો હું આરોપ તમારા ઉપર મૂકું છું. બોલો શું કહેવું છે?' રતિલાલને અમલદારે કહ્યું.

'હું એનો ઈન્કાર કરું છું.' 'આ લ્યો, ભણેલા તો છો જ, એટલે વાંચી જાઓ.'

સૂર્યકાન્ત અને સુલતાના ખૂનની કોશિશનો આખો કેસ રતિલાલે વાંચ્યો. ધોબીની હકીકતથી શરૂ કરી રતિલાલને આજે સવારે પોલીસ તપાસમાં બોલાવ્યા સુધીની સંપૂર્ણ હકીકત એમાં હતી. જેમ જેમ રતિલાલ વાંચતો ગયો તેમ તેમ તેના મુખ ઉપર આશ્ચર્યની છાપ વધારે અને વધારે ઘેરી બનવા લાગી. કાગળો વાંચી, સહેજ આંખ મીંચી, વિચાર કરી રતિલાલે કહ્યું :

'સાહેબ, આપે મારા માટે મેળવેલી બધી હકીકત ખરી છે. પરંતુ એક મુખ્ય હકીકત રહી ગઈ છે.'

'શી હકીકત ?'

'એ જ કે હું લેખક પણ છું.'

'એટલે ?'

'હું નવલકથાઓ પણ લખું છું.'

'તેથી શું ? તમે ખૂનની કોશિશ નહોતા કરતા એમ સાબિત થતું નથી.'

'એ કોશિશ માત્ર નવલકથામાં જ કરી છે.'

અમલદાર એકદમ ચમક્યો અને બોલ્યો :

'શું ?'

'ધોબીથી માંડી આપે એક સરખી ભૂલ કરી છે.'

'શી?'

'સૂર્યકાન્ત અને સુલતા એ મારી નવલકથાનાં પાત્રો છે.'

'એ હું ન માનું. તમારા જ મિત્રો તમને એ ખૂન ન કરવા ભલામણ કરતા હતા.'

'એ ખરું છે. મેં નવલકથામાં મારાં બંને પાત્રો–સૂર્યકાન્ત અને સુલતાને મરણ પામેલાં બતાવી તેને કરુણાન્ત બનાવી છે. મારા મિત્રોનો એમાં વાંધો હતો. સુલતાને જીવતી રાખવા તેમની ભલામણ હતી. મશ્કરીમાં તેઓ મને ખૂની કહેતા હતા.' રતિલાલે સમજાવ્યું.

'હું ન માનું. આ શેઠના ભત્રિજાનું નામ સૂર્યકાન્ત છે, અને જેની સાથે તે લગ્ન કરે છે તે વિધવા બાઈનું નામ સુલતા છે.'

'પરંતુ મારી નવલકથાની સુલતા વિધવા નથી; કુમારિકા છે.'

'તમારી નવલકથા મને બતાવી શકશો ?'

'હા, જી, આજે જ છાપખાનામાં આપવાની હતી. આપ મારી સાથે પધારો.'

અમલદારે મેજ ઉપર હાથ પછાડ્યો, અને ઊભા થઈ કહ્યું :

'ચાલો.'

'પણ સાહેબ મને શું કહો છો?' નગરશેઠે પૂછ્યું.

'તમે પણ સાથે ચાલો.'

'આપણી મોટર તૈયાર છે !' શેઠે કહ્યું.

ત્રણે જણ પ્રથમ રતિલાલના ઘરમાં ગયા. રતિલાલે હાથનું લખેલું એક પુસ્તક અમલદાર આગળ ધરી દીધું. ઉપર ઉપરથી તેમણે નજર ફેરવી અને છેલા પ્રકરણને કાળજીપૂર્વક વાંચ્યું. નિ:શ્વાસ મૂકી અંતે તેમણે નગરશેઠને કહ્યું :

'શેઠસાહેબ, હવે આપના ભત્રિજાને આશીર્વાદ આપો. અમારાથી ઉમ્મરલાયક વિધવાના લગ્નને ગુનો માની શકાય નહિ.'

'હું આશીર્વાદ આપું?' શેઠ ઘુરક્યા.

'બીજો ઇલાજ નથી. હું તમારી સાથે જ આશીર્વાદ આપવા આવું છું.' અમલદારે કહ્યું.

'મને પણ સાથે લઈ જાઓ. મારી નવલકથામાં ગમે તેમ થયું હોય, પણ સૂર્યકાન્ત અને સુલતા પરણે એ મને પણ ગમે છે. હું યે આશિષ આપીશ.' રતિલાલે કહ્યું. શેઠને બોલવાનો માર્ગ રહ્યો ન હતો, ત્રણે જણ મોટરમાં બેસી ગયા. બંગલાનાં બારણાં આગળ આવતાં જ અમલદારે રતિલાલના કાનમાં ધીમેથી કહ્યું :

'અરે માસ્તર !...એકાદ ખૂન તો કરવું હતું !'

એકાએક અંદર સરસ બૅન્ડ વાગવા લાગ્યું.