← ઘેલછા પંકજ
સમાન હક્ક
રમણલાલ દેસાઈ
૧૯૩૫
ભાઈ →






સમાન હક્ક

સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખોર તેમ જ નમાલાં બધાંયને ગમતું લગ્ન કરી નાખી, બંડખોરનું મહાન, બિરદ મેળવવાની પણ સગવડ મળે છે. લાભ જેવો તેવો નથી.

સુકન્યા અને ભગીરથ સહશિક્ષણને પ્રભાવે ભણતાં ભણતાં જ સ્નેહમાં પડ્યાં અને ભણી રહ્યા પછી પરણી પણ ગયાં. સ્નેહ પરમ સુખ આપે છે. એ સુખ પણ તેમણે અનુભવ્યું, અને વગવાળા સંબંધ હોવાને લીધે ભગીરથને સારી નોકરી પણ મળી ગઈ. સંસ્કારી, સુરક્ષિત અને સુખી યુગલ જીવનના ઘેરા પડછાયામાંથી મુક્ત રહ્યું હતું.

સુકન્યાને પુરુષ મિત્ર હતા અને ભગીરથને સ્ત્રીમિત્ર હતી. સહશિક્ષણના યુગમાં એ નવાઈ કહેવાય નહિ. વળી વિદ્યાપીઠ એ સહશિક્ષણને પ્રભાવે પ્રેમની પણ પ્રયોગશાળા બનતું જાય છે, એટલે ઓળખાણ, મૈત્રી, અલ્પ પ્રેમ, અર્ધ પ્રેમ, પ્રેમાપ્રેમ, નિરાશ પ્રેમ, સમાન પ્રેમ, સામાન્ય પ્રેમ, એવા એવા પ્રેમપ્રકારોના પણ વ્યાપક પ્રયોગોનો લાભ સહુને મળે છે. આ પ્રેમટુકડા જીવનમાં ચોંટી રહેતા હોવાથી સંપૂર્ણ સ્નેહની સાથે સાથે કવચિત પોષાતા પણ જાય છે.

એકાન્ત જીવનના ઉપભોગ પછી મિત્રસહવાસની ઈચ્છા રહ્યા કરે છે. સુકન્યા અને ભગીરથ પોતાના મિત્રોને વારંવાર બોલાવવાની ઈચ્છા કરવા લાગ્યાં.

‘આપણે જયાને બોલાવીશુ ?' ભગીરથ સુકન્યાને પૂછતો.

'હા હા. એ બોલકી છોકરી આવશે તો મઝા પડશે. પણ સાથે પ્રભાકરને પણ લખીએ તો કેવું?' સુકન્યા કહેતી.

'એ તો બિલકુલ મૂંગો. જયા હશે તો પ્રભાકરને બનાવવાની રમૂજ આવશે. એને પણ લખીએ.' ભગીરથે ખુશ થઈ સંમતિ આપી. કાગળો લખાયા અને જયા તથા પ્રભાકર એ બન્ને થોડા દિવસમાં આવી પહોંચ્યાં.

જયાની જીભ એ વાણીનો અખૂટ ઝરો હતો. આખો દિવસ તેને કાંઈ ને કાંઈ બોલવાનું હોય જ, તેની વાત પણ રસ ભરી જ હતી. સહું એની વાત સાંભળતાં. વાત ન હોય તો ઊભી કરતાં અને હસતાં. ઓછાબોલો પ્રભાકર પણ વાતો સાંભળતો, અને બોલવા માટે મથતો. પરંતુ જયાના વાક્પ્રવાહમાં સહુની વાણી ડૂબી જતી.

ગમ્મત, ઉલ્લાસ, મસ્તી, તોફાન એ વર્તમાન સમયનાં સંસ્કાર ચિહ્ન ગણાતાં જાય છે, કારણ સ્વાતંત્ર્ય એ વર્તમાન જીવનનું સૂત્ર છે. વૃદ્ધ માબાપ અને સાસુસસરાની હાજરી ઓછી થવાને લીધે – અગર હાજરી હોવા છતાં તેમની સત્તા ઐતિહાસિક કારણોના પ્રભાવથી નિર્મળ થતી હોવાને લીધે - જે મર્યાદાઓ જૂના સંસારને સંકુચિત અને રસરહિત બનાવી દેતી તે મર્યાદાઓ હવે લુપ્ત બનતી જાય છે; અને તેને સ્થાને દેહદર્શન અબોલાને બદલે લખલૂટ વાર્તાલાપ તથા હાસ્યવિનોદ, સંકોચને સ્થાને સ્વાભાવિક દેહસ્પર્શ, અને... અને કવચિત્ એકાન્ત મળતાં ઉતાવળું આપનાર અને લેનાર એ બે જ જાણે એવું ચુંબન – જે 'કીસ'ના હળવા નામથી બહુ પ્રચાર પામતું જાય છે તે સ્ત્રીપુરુષ મિત્રોના સંબંધમાં હવે સકારણ આગળ પડતું સ્થાન મેળવે છે.

જયા અને ભગીરથ, સુકન્યા અને પ્રભાકર એ ચારે મિત્રો ભેગાં મળતાં ચારે જણને અપૂર્વ આનંદ ઉપજ્યો. પ્રથમ તો ચારે જણ સાથે જ ફરવા જતાં અને લોકોનું ધ્યાન ખેંચાય એટલો ઉત્સાહ દર્શાવતાં. મૂંગા પ્રભાકરને જયા ખૂબ પજવતી. એને ચોંકાવવા તેનો હાથ પકડીને અગર તેને ખભે હાથ મૂકીને તે ચાલતી ત્યારે પ્રભાકરનું લાલ બની જતું મુખ જોઈ સહુને બહુ મઝા આવતી.

અલબત્ત, ભગીરથ અને સુકન્યા બન્ને મિજબાન હોવાથી મહેમાનની કાળજી રાખવામાં તેઓ જરા પણ કચાશ રાખતાં નહિ. એક પ્રસંગે પ્રભાકરની મોડી રાત સુધી મશ્કરી ચાલતાં હસતી સુકન્યાને ખ્યાલ આવ્યો કે પ્રભાકર ધપ્પાખાઉ ઠળિયો નહિ પણ માનવંતો મહેમાન છે. તે એકાએક બોલી ઊઠી :

'હવે બસ થયું. ચાલ પ્રભાકર, સુઈ જા.' મિત્રો વચ્ચે તેમ જ પતિ પત્ની વચ્ચે એકવચનનો વહેવાર બહુ ચલણી બનતો જાય છે.

પ્રભાકર ઉભો થયો. જયા બોલી :

'પ્રભાકરને હાલાં ગાજે. નહિ તો એને ઊંધ નહિ આવે.'

'જરૂર પડશે તો તેમ પણ કરીશ. આખો દિવસ બિચારાને હેરાન કરો છો તે ! ' કહી સુકન્યા દયાભાવ દાખવી પ્રભાકરનો હાથ પકડી તેને ઓરડાની બહાર ખેંચી ગઈ.

'જયા ! હવે તું યે સૂઈ જા. બોલતાં થાકતી પણ નથી.' ભગીરથે કહ્યું. તે સુકન્યાએ પ્રભાકરનો હાથ ખેંચી ઓરડા બહાર જતાં સાંભળ્યું.

પ્રભાકરનું મુખ સહેજ ઊતરેલું લાગ્યું. સુકન્યાએ વાર્યું કે એ બિચારા ઓછાબોલા પુરુષને બહુ અન્યાય થાય છે. 'પ્રભાકર, ખોટું લાગ્યું ?' સુકન્યાએ પૂછ્યું.

જૂના સમયમાં ધોલ મારવાપાત્ર મશ્કરી આજના ઉદાર યુગમાં સહી લેવાય છે એ ખરું, પરંતુ એ મશ્કરી મુખવિકૃતિ નથી કરતી એમ તો ન જ કહેવાય.

'ના ના.' પ્રભાકરે વિવેકથી જવાબ આપ્યો. અને તે ખાટલામાં આડો પડ્યો.

'ત્યારે તબિયત તે સારી છે ને?' સુકન્યાએ વધારે કાળજી કરી.

'ના. ઠીક છે.' ધીમે રહી પ્રભાકરે કહ્યું. જયાના મોટા ઘાંટાથી ટેવાયેલી સુકન્યાને લાગ્યું કે પ્રભાકરના કંઠની નરમાશ તેના દેહની નરમાશનું સૂચન છે. તેણે સ્વાભાવિક રીતે સૂતેલા પ્રભાકરને કપાળે હાથ મૂક્યો.

કોઈ પણ યુવતીને કપાળે મૂકેલો હસ્ત હરકોઈ યુવકને ગમે છે – પછી તે યુવક શાન્ત હોય કે અશાન્ત હોય ! અબોલ પ્રભાકર આ પ્રસંગે પણ અબોલ રહ્યો. સુકન્યા સમજી કે પ્રભાકરનું મસ્તક દુ:ખતું તેશે. તેણે તેને માથે હાથ ફેરવ્યો, અને તેનું માથું પાંચેક મિનિટ સુધી દબાવી આપ્યું.

'હવે ઠીક લાગે છે ?' પાંચ મિનિટ થતાં સુકન્યાએ પૂછ્યું.

પ્રભાકર કંઈ બોલ્યો નહિ. અબોલ રહેવામાં લાભ સમાય છે એમ તેને દેખાતું હતું. પરંતુ સુકન્યા પ્રભાકરને ઊંઘી ગયેલો માની પાછી ફરી.

'જયા ! હવે તું યે સૂઈ જા બોલતાં થાકતી પણ નથી.' પ્રભાકરને ખેંચી જતી સુકન્યાને પગલે ચાલતા તેના સ્નેહી પતિએ જયાને કહ્યું પરંતુ તેણે જયાનો હાથ ખેંચ્યો નહિ. હાથ ખેંચવાની જરૂર પણ ન હતી. જયા અને ભગીરથ એક સોફા ઉપર બેઠાં હતાં. સહશિક્ષણમાં સહબેઠક શક્ય છે.

'લે, હું તો આ સૂતી. આજ તો એટલું બોલી છું કે મારું મોં અને માથું બને દુ:ખી ગયાં.' જયાએ સૉફા ઉપર પડેલો એક તકિયો લઈ ભગીરથની પાસે ગોઠવી સૂતાં સૂતાં કહ્યું.

આખી જયા માય એવડો લાંબો સૉફો નહોતો. કદાચ ભગીરથ ઊઠ્યો હોત તો જયા આરામથી સૉફા ઉપર ઊંઘી શકત. પરંતુ ભગીરથ ત્યાંથી ઊઠ્યો નહિ. મહેમાન જયાની પૂરતી કાળજી રાખવી જોઈએ એમ તે માનતો હતો. અને એ પ્રમાણે વર્તન પણ રાખતો હતો. તેને લાગ્યું કે મૈત્રિણીને તેણે આરામ આપવો જોઈએ.

'બહુ માથું દુ:ખે છે ખરું ?'

'બહું તો નહિ પણ દુઃખે છે ખરું' જયાએ કહ્યું.

'લાવ હું દબાવું.' કહી ભગીરથે જયાના મસ્તક ઉપર હાથ ફેરવવા માંડ્યો.

કોઈ પણ યુવતીને કપાળે હસ્ત મૂકવો હરકોઈ યુવકને ગમે છે – માત્ર તે યુવતી પોતાની માંદી પત્ની ન હોવી જોઈએ. પ્રત્યેક યુવતીને લાડ ગમે છે. અને જો તે જૂની પ્રણાલિકામાં ન ઊછરી હોય તો મિત્રના લાડમાં તે અબોલ રહે છે, બહુબોલી જયા અબોલ રહી. ભગીરથે પાંચેક મિનિટ સુધી જયાનું મસ્તક દબાવ્યા કર્યું.

'કેમ? હવે ઠીક છે?' ભગીરથે પૂછ્યું. મસ્તક ઉપર બહુ મજૂરી કરવી એ રસિકોને પણ લાંબો વખત ફાવતું નથી. જયાએ કશો જવાબ ન આપ્યો.

'સૂતી કે ઢોંગ કરે છે ?' ભગીરથે પૂછ્યું.

જવાબમાં મીંચેલી આંખે જયા આછું આછું હસી રહી. જયાના મુખ સામે ભગીરથને જોઈ રહેવું ગમ્યું. તેણે મિત્રભાવે જયાના ગાલ ઉપર ટપલી અડાડી કહ્યું :

'લુચ્ચી !'

પરંતુ તે જ ક્ષણે ઓરડામાં આવેલી સુકન્યાને તેણે જોઈ હોત તો એ અતિમૈત્રીનો આવો ચાળો કરત કે કેમ તેની ભગીરથને જ શંકા પડી. મૂંઝાવાનું કારણ જરા ય ન હતું છતાં તે સુકન્યાને જોઈ મૂંઝાયો, મૂંઝવણમાં જ તેનાંથી પુછાઈ ગયું : 'કેમ આટલી વાર લાગી ?'

પ્રભાકરનું મસ્તક દબાવી મૂંઝવણ અનુભવી ઝડપથી આવતી સુકન્યાથી બોલાઈ ગયું :

'મારા મનમાં એમ કે જયાને ગાલે ટપલી લગાડી રહે, પછી હું આવું.'

'શું ?' ભગીરથ જરા કડક અવાજે બોલ્યો.

બહુ બોલી જયા સફાળી બેઠી થઈ ગઈ. પતિ અને પત્નીની આંખ જોઈ તે સહજ ઓશિયાળી બની ઓરડાની બહાર ચાલી ગઈ.

સ્ત્રીપુરુષની સમાનતા આ યુગનું કામશાસ્ત્ર એમ શીખવે છે કે સ્ત્રીત્વ તથા પુરુષત્વને વારંવાર આગળ કરી સ્ત્રીપુરુષના સંબંધની સ્વાભાવિકતાને વિકૃત ન બનાવવી. નહિ તો અનીતિ ગુપ્ત રહી વધારે ફેલાશે અને અસ્વાભાવિક સ્વરૂપો ધારણ કરશે. જૂનું કામશાસ્ત્ર કહે છે કે પુરુષ એ પુરુષ. તથા સ્ત્રી એ સ્ત્રી. એમ ચોકકસપણે સમજી લઈ સબંધમાં આવવું – અગર ન આવવું . એ દારૂદેવતાનો સંબધ છે. સ્વાભાવિકતાનો સંબંધ સરળતામાં લપસી પડવાનો ભારે ભય છે.

વર્તમાન યુગ આ બે વિચારોની વચમાં ઝોલાં ખાઈ રહ્યો છે. જાતીય આકર્ષણનું અંતિમ પરિણામ પાપ નથી, એવી પ્રેરણા આ પાપરહિત બનતા જતા યુગના સંસ્કારો આપ્યે જાય છે; છતાં એમાં પાપ માનતા જૂના યુગના સંસ્કારો હજી દટાતા દટાતા પણ જીવતા રહી ગયા છે. એ જૂના સંસ્કારભૂતો અનેક નવીન સંસ્કાર સંબંધમાં ઝેર રેડે છે, અને સ્ત્રીપુરુષ વચ્ચેની, કંઈક મૈત્રીઓ, કંઈક પ્રેમો, અને કંઈક અર્ધપ્રેમોને ખંડેર સરખા બનાવી મૂકે છે !

ભગીરથ અને સુકન્યા બન્ને એ જૂના સંસ્કારપિશાચની ચુંગાલમાં સપડાયાં. તે જ ગુણથી ભગીરથ અને સુકન્યા પરસ્પર સાથે બોલતાં બધ થઈ ગયાં. જો કે મહેમાન સમક્ષ વધારે મૂર્ખાઈ ન થાય એટલા પૂરતું બોલવાની દરકાર તેઓ રાખતાં જ હતાં.

તો ય પતિ પત્નીના માનસમાં પડેલો ફેર મહેમાનો ન સમજે એટલાં તે ભોળાં ન હતાં. પ્રભાકરને ઘરમાંથી ચાલ્યા જવાની ઈચ્છા થઈ પરંતુ સુકન્યા તેને આગ્રહપૂર્વક રોકી રાખતી. પતિને જાણી જોઈ બાજુએ મૂકી તેની જ સાથે તે એકલી ફરવા જતી અને એકલી વાતો કરવા બેસતી.

જયાને પણ બહુ બેચેની લાગવા માંડી. એ બેચેની આ મિત્રોનું ઘર તત્કાળ છાડવાથી મટે એમ હતું. પરંતુ ભગીરથ જયાને લઈ ફરવા જતો. અને શાન્ત પડી જતી જયાને વાતો કરતી નિહાળવા પોતે જ અતિ વાચાળ બની જતો.

પરંતુ આ સ્થિતિ લાંબો વખત ચાલી શકે જ નહિ. શસ્ત્રોની વૃષ્ટિ વચ્ચે રહેવું સહેલું છે; ઊંચા મનવાળાં પતિ-પત્નીના ઘરમાં મહેમાન બની રહેવું અસહ્યું અને અશક્ય છે.

ઓછાબોલા પ્રભાકરે એક દિવસ સુકન્યાને કહ્યું :

'હવે હું કાલે જઈશ.'

'શા માટે ?'

'હું અહીં આવ્યો છું તે તમારા જીવનમાં વિક્ષેપ પાડવા માટે નહિ.

'વિક્ષેપ શા માટે પડે?' સુકન્યાએ પોતાના સ્ત્રીત્વનું ગૌરવ ધરી પૂછ્યું.

'તું જોતી નથી ? ભગીરથને આપણો સંબંધ રુચતો નથી.'

'એને ના રુચે તો એ જાણે. એની આંખમાં તો કમળો છે.'

'એની આંખનો કમળો વધારવો કે ઘટાડવો ?'

'હું તદ્દન સરળ અને નિર્દોષ છું. પરંતુ મારું વ્યક્તિત્વ હું દબાવી દેવા માગતી નથી.'

'પણ ભગીરથને ન ગમતી વાત કરવાથી ફાયદો શો ?'

'ફાયદાનો પ્રશ્ન નથી, સિદ્ધાન્તનો સવાલ છે.'

'શો સિદ્ધાન્ત?'

'પુરુષમિત્રો સાથે સંસર્ગ રાખવાની મારે સ્વતંત્રતા હોવી જોઈએ. જો, આ હું તને “કીસ” કરું છું. તને અને મને ક્યાં વિકાર ઊપજ્યો? ' પ્રભાકરની ભયંકર મૂંઝવણ છતાં સુકન્યાએ પોતાના મિત્ર પ્રભાકરને ચુંબન કર્યું.

ચુંબન વિકારપ્રેરક હોઈ શકે કે નહિ તેની ચર્ચા મીમાંસકો કરી શકે. નિષ્ણાત વૈજ્ઞાનિકની દેખરેખ અને પ્રયોગશાળા વગર આવા પ્રયોગો કરવામાં કંઈ જોખમ રહેલું છે કે નહિ તે વૈજ્ઞાનિકો જ નક્કી કરી શકે. પ્રભાકરમાં જરા પણ વિકાર નહોતો ઊપજ્યો એની ખાતરી એના ફિક્કા લોહી ઊડી ગયેલા મુખ ઉપરથી થઈ શકે એમ હતું. જુગારમાં હજારો રૂપિયો જીતેલો – અગર હારેલો પુરુષ એકાદ રૂપિયો ફેંકતા જરા પણ કંપ અનુભવતો નથી, એવી અકંપ ધીરતાથી ચુંબન ફેંકી ઊભેલી સુકન્યામાં પણ વિકાર નહોતો ઊપજયો, એમ તેની ગર્વિષ્ટ મુખમુદ્રા સાબિતી આપતી હતી.

વિકાર ઊપજ્યો માત્ર ભગીરથની આંખમાં તે એ જ ક્ષણે બારણાં આગળ થઈ પસાર થયો.

એકાદ ચમચમતી ધોલ અગર કપરી આંખથી જૂના જમાનામાં કંઈક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાતું હતું. આ ઉદાર યુગમાં એ મુશકેલ બનતું હોય છે. ઉશ્કેરાયલો ભગીરથ જયા પાસે આવી બેઠો.

'તને કાંઈ ભાન છે કે નહિ, ભગીરથ ?' જયાએ પૂછ્યું.

'મને પૂરતું ભાન છે, અને હું બધું સમજું છું.' ભગીરથે કહ્યું.

'તું સમજતો હોય તો મને આજ જવા દે.'

'બિલકુલ નહિ. મારા મિત્રોને મારા ઘરમાં માનભર્યું સ્થાન છે.'

'ખરું. પરંતુ મિત્રો રાખતાં તારું સ્થાન માનભર્યું મટી જાય છે તે ?'

'હું જરા પણ સહન કરીશ નહીં અવિશ્વાસ કરી નહિ.'

'મારા રહેવાથી એ અવિશ્વાસ વધ્યે જશે.' ‘તેની મને પરવા નથી. હું શુદ્ધ છું. અને તમે અડક્યા છતાં પણ શુદ્ધ છું એ હું જગતને બતાવી આપીશ.'

'પણ એ બધી મહેનત લેવાનું કારણ?'

'કારણ એટલું કે પતિપત્ની વચ્ચે જાસૂસી સંબંધ બંધ થવો જોઈએ.’

'તે કેમ બંધ થાય?'

'જો તારે ગળે હાથ નાખીને બેસું તોપણ કોઈને વહેમ પડવો ન જોઈએ. શા માટે એમાં દોષ જોવાય? ' કહી ઉગ્ર ભગીરથે જયાના ખભા પર હાથ મૂકી દીધો.

સ્પર્શાસ્પર્શની ભાવના અંત્યજો માટે જ સુધરી છે એમ નહિ. સ્ત્રીપુરુષના સ્પર્શની છોછ પણ હવે ઘણી ઘટતી જાય છે. એ વિકાસનું લક્ષણ હોવા છતાં જ્યાએ આછો છણકો કરી ભગીરથનો હાથ ખસેડી નાખતાં કહ્યું.

'જા જા વનચર.'

આમ જયાને ખભે મુકાયલો ભગીરથનો હસ્ત નવયુગના સામાન્ય સંજોગોમાં અજીઠો કે અસ્વાભાવિક ન જ લાગત. પરંતુ બારણા આગળ થઈ પસાર થતી સુકન્યાને એ દ્રશ્યમાં સમુદ્રમંથનનું મહત્વ લાગ્યું, અને મંથનનું ઝેર તેની આંખમાં તરી આવ્યું.

જૂની રીતભાત ખરાબ હતી એ આપણે જાણીએ છીએ. નવી રીતભાતથી થતા ફાયદા અને ગેરફાયદાનું વર્ગીકરણ કરવાની જરૂર ઝડપથી ઊભી થતી જાય છે એ પણ ભૂલવા સરખું નથી.

એનું એક પરિણામ એ આવ્યું, કે જયા અને પ્રભાકર બન્ને મહેમાનો તે જ દિવસે પહેલી મળતી ગાડીએ ચાલ્યાં ગયાં. ભગીરથ અને સુકન્યા બંનેએ રહેવા માટે તેમને અતિશય આગ્રહ કર્યો; પરંતુ શાન્ત પ્રભાકર અને બોલકણી જયા બન્નેએ એ આગ્રહ માન્યો નહિ. ફરીથી આવવાનું આશ્વાસન આપી ભયંકર બનતા જતા ગૃહમાંથી નીકળી જવામાં જ તેમણે સલામતી માની. એનું બીજું પરિણામ એ આવ્યું કે ભગીરથ અને સુકન્યા એકબીજાની સાથે બોલતાં બંધ થઈ ગયાં.

પતિ પત્ની વચ્ચેનાં મૌન ઘણી વખત ઉપવાસ સરખી ઉન્નત આધ્યાત્મિક અસર ઉપજાવે છે. પરંતુ છૂટાછેડાને આરે આવી બેઠેલી આપણી વર્તમાન લગ્નભાવનામાં એ પ્રયોગ અધિભૌતિક અને અધિદૈવિક આપત્તિરૂપ નીવડે એવો પણ સંભવ રહે છે. ભગીરથ અને સુકન્યા પરસ્પરનું અસ્તિત્વ જાણે ન હોય એમ વર્તન કરવા લાગ્યા. એક ઘરમાં રહ્યા છતાં લાંબો વખત અબોલા ચલાવવા એ તપસ્વીને પણ મુશ્કેલ પડે એમ છે. પતિપત્નીના વ્યવહારમાં અલ્પજીવી અબોલા માટે ઠીક ઠીક સ્થાન છે. પરંતુ જેમ જેમ કલાકો વધતા જાય તેમ તેમ અબોલા પાળવાનું અશક્ય બનતું જાય છે. એક કલાક સુધી પતિ પત્ની આસાયેશ સહ ન બોલે; બીજે કલાકે સહેજ મૂંઝવણ પડે તો ય વેઠી લઈ અબેલા પાળી શકાય; આગ્રહી પતિપત્ની પોતાના દ્રઢ સંકલ્પબળને પ્રભાવે ત્રીજો કલાક પણ વગર બોલ્યે વટાવી દે; પરંતુ હસીને, રડીને અગર મારામારી કરીને પણ, પતિપત્ની ચોથે કલાકે ન બોલ્યાં હોય એવું કદી બનતું નથી.

બધા ય નિયમને અપવાદ હોય તેમ રીસશાસ્ત્રના નિયમો પણ અપવાદને પાત્ર હોય છે. નવજીવનમાં દાખલ થયેલું સમાન હક્કનું તત્ત્વ પતિ પત્નીના મૌનને પાંચ કલાક સુધી લંબાવવામાં સફળ થયાના દાખલા બનવા લાગ્યા છે.

પરંતુ ભગીરથ અને સુકન્યાનું મૌન એથી પણ આગળ લંબાયું. પ્રેમયુદ્ધમાં પણ મહારથી અને અંતિરથીના દરજ્જા યોજી શકાય એમ છે. ભગીરથ મહારથી હશે, તો સુકન્યા અતિરથી હતી. સમાન હક્કના મોરચા આવાં યુદ્ધોને પાણીપત અગર હલદીઘાટ કરતાં પણ વધારે આકર્ષક અને ઉત્તેજીત બનાવી મૂકે છે.

'હું શાને બોલું ?' બોલવાનું મન થતાં ભગીરથ પોતાના મનને વારતો.

'એ ન બોલે પછી હું શાની બોલું ?' સુકન્યા પણ પોતાની વાચાળતાને વારતી.

ન બોલવાનું કષ્ટ પણ અસહ્ય છે. બોલાઈ જવાની અનેક ક્ષણો આવતી. પરંતુ વીરવીરાંગના સદા ય સચેત રહે છે.

'શું સ્ત્રી માટે મારે પહેલું બોલવું, એમ? એ નહિ બને. સ્ત્રીજાતિના હક્ક હું સમજું છું.' સુકન્યા વિચારતી અને બોલવાની તક જતી કરતી.

'મારે એની ખુશામત કરવાની શી જરૂર ? એને ગરજ હશે તે એ બોલશે.' ભગીરથ વિચારતો. પુરુષની કઠણાશ હજી ગઈ નથી.

અલબત્ત, બોલવાની જરૂર અને ગરજ પ્રત્યેક ક્ષણે બન્ને માટે વધારે અને વધારે તીવ્ર બનતી જતી હતી, અને કદાચ બન્નેથી એકી સાથે બોલાઈ જવાય એવી પરિસ્થિતિ પણ ઊભી થતી. પરંતુ પ્રથમ ઉચ્ચાર થઈ જવાના અપમાનભયમાં સમાન હક્કનો સંભવિત અકસ્માત અટકાવી દેવામાં આવતો. કદાચ બન્નેથી સાથે ન જ બોલાયું તો ? પહેલું બોલાયાનું અપમાન કેમ વેઠાય?

વળી ઝઘડાને અને સમયને પણ ગાઢ સંબંધ છે. ઝઘડા દિવસે દીપી ઊઠે છે. જે સમૂળા ઓસરી ન જાય એ પતિ પત્નીને સીધાં ઈસ્પિતાલમાં જ મોકલી દેવા જોઈએ. ભગીરથ અને સુકન્યાનાં હૃદય રાત પડતાં હળવાં બની ગયાં, મધરાત થતાં લગભગ પીગળી ગયાં, અને પાછલી રાતે તો જાણે બન્ને હૃદયો એક બની જશે એમ લાગ્યું.

પરંતુ જેમ દેશને ખાતર મરનાર વીરો મળી આવે છે તેમ સ્વમાનને ખાતર મરનાર પતિપત્ની પણ મળી આવે છે. યોગીને પણ અસાધ્ય એવો સંયમ જાળવી બન્નેએ કવિતામાં અમર થાય એવું સ્વમાન સાચવી રાખ્યું, અને અપાર પ્રલોભનો વચ્ચે થઈને તેમણે તેમનું અબોલાનું વહાણ રાત્રે સુરક્ષિતપણે હંકાર્યું. આમ તેમણે પતિ પત્ની વચ્ચેની એક અશક્યતાને શક્ય કરી. છતાં બીજો દિવસ આમ ને આમ વિતાવવો એ મહા કષ્ટપ્રદ વસ્તુ હતી. કાંઈ પણ બન્યા સિવાય – કાંઈ પણ કર્યા સિવાય અબોલા– અને તેમાં સમાયેલું સ્વમાન અને તેના ઊંડાણમાં રહેલા સમાન હક્કની મહાપવિત્ર ભાવના એ સર્વ ભસ્મીભૂત બને એમ હતું. સમાન હક્કનાં શૂરા, સુખનો ભોગ આપીને પણ, સમાન હક્કની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.

નાની મોટી પ્રવૃત્તિ માગતો દિવસ તો જેમ તેમ વીત્યો. પરંતુ પ્રવૃત્તિહીન રાત્રિ ભય ઉપજાવતી હતી. ભગીરથે સંધ્યાકાળ થતાં કપડાં પહેર્યા, નાની બૅગ તૈયાર કરી, અને નાનકડો પત્ર પરબીડિયામાં નાખી જ મેજ્ ઉપર મૂકી તે ઘરમાંથી બહાર નીકળ્યો. ઘરથી બહાર નીકળતાં તેણે સહજ પાછું જોયું. સુકન્યા બારીએ ઊભેલી ઝાંખા થતા પ્રકાશમાં દેખાઈ. બંને પરસ્પરને નિહાળતાં પકડાઈ ગયાં. સ્વમાનની વેદી ઉપર જીવન હોમતાં પત્નીએ પરસ્પર સામેથી દ્રષ્ટિ વાળી લીધી. સુકન્યા બારી છોડી ઘરમાં ગઈ; ભગીરથ સીધું જોઈ સ્ટેશને જઈ આગગાડીમાં બેઠો.

સુકન્યા આખી રાત એકલી પડી. તેના સ્વમાનને ઘસી ધારદાર બનાવતું અન્ય સ્વમાન અદૃશ્ય થયું એટલે તેના હૃદયમાં કઈ અકથ્ય પીડા ઉપન થઈ. ઘર એકદમ ખાલી ખાલી લાગવા માંડ્યું, એકાન્ત ઘરનો તેને ભય લાગવા માંડ્યો. ભગીરથ પાછો આવશે એવી આશામાં તે બારીએ ઊભી રહી, અને પ્રત્યેક પડછાયામાં ભગીરથનો ઈશારો જોવા લાગી. પરંતુ એને ક્યાં ખબર હતી કે ભગીરથ તો એ સમયે રેલગાડીમાં કલાકના ચાલીસ માઈલની ઝડપે સુકન્યાથી દૂર ને દૂર ચાલ્યો જતો હતો !

મધરાત સુધી એક વીરાંગનાને છાજે એટલી દ્રઢતાપૂર્વક તે હૃદયવેદના સહી રહી. પરંતુ મધરાત પછી પથારીમાં સૂતાં બરાબર તેનું હૈયું હાથ રહ્યું નહિ. પ્રચંડ પ્રયત્નો વડે સાચવી રાખેલી સ્થિરતા હાલી ગઈ અને એકાએક તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ખાળ્યાં ખળાય નહિ એવા આંસુપૂરમાં તેનું સ્વમાન વહી ગયું અને સ્વમાનનું સ્થાન સ્વામીએ લીધું. ભગીરથ વગર રહેવાશે જ નહિ એવી સુકન્યાને ખાતરી થઈ. મેજ ઉપર ભગીરથે મૂકેલો પત્ર તેણે વાંચ્યો. પિતાના એક મિત્રને ત્યાં તે ચાલ્યો જતો હતો એટલી જ ટૂંકી હકીકત તેણે પત્રમાં લખી હતી. પ્રભાત થતાં જ તે પત્રમાં લખેલે સરનામે જાતે જ જવા તૈયાર થઈ.

સ્ત્રીપુરુષના સમાન હક્ક હોવા જોઈએ, છતાં વસ્ત્રાલંકારની બાબતમાં પુરુષવર્ગ સ્ત્રીના ત્રણગણા હક્કનો સ્વીકાર જગતભરમાં કરે છે. પુરુષને એક નાની બૅગ વડે ચાલી શકે; ત્યારે સ્ત્રીથી ત્રણ ટ્ર્ંકો વગર મુસાફરી થાય જ નહિ. નોકરની પાસે ગાડી મંગાવી તેમાં સર સામાન મુકાવી સુકન્યા ગાડીમાં બેઠી. પરંતુ ગાડી ચાલે તે પહેલાં જ તેને યાદ આવ્યું કે એક મહત્ત્વની વસ્તુ તે ભૂલી ગઈ છે. તે ઝડપથી ઘરમાં ગઈ અને એક પેટીમાંથી ભૂલાયલી વસ્તુ લઈ ઓટલે આવી. જેવી પગથિયાં ઊતરવા વિચારતી હતી તેવું જ તેણે નવાઈ જેવું દ્રશ્ય જોયું. ભગીરથ બહુ જ ઝડપથી દરવાજામાં પ્રવેશ કરતો હતો.

સુકન્યા સ્થિર ઊભી રહી. ભગીરથને જોઈ તેણે વસ્તુસંતાડવા હાથની મુઠ્ઠી વાળી દીધી. અને તે સાથે જ તેના સ્વમાનમાં પાછો જીવ આવ્યો. ભગીરથને જોઈ ચમક અને આનંદ અનુભવતી પત્ની આનંદને અને આવકારને અંકુશમાં રાખી શકી. ભગીરથ ક્ષણ બે ક્ષણ સુકન્યા સામે જોઈ રહ્યો. સુકન્યાના પગ આગળ લેટી પડવાની તેની તૈયારી તેની આંખમાં દેખાઈ. પરંતુ ગર્વ ઘેલડી સુકન્યાએ પોતાની આંખ ફેરવી લીધી, અને ગુમાનમાં બાજુએ ફરી ઊભી રહી.

ભગીરથ ધરની અંદર ધસ્યો. પોતાના મેજનું એક ખાનું તેણે ઉઘાડ્યું અને ખાનાના ખૂણામાંથી એક નાનકડી પતાકડી કાઢી તેણે ખિસ્સામાં મૂકી તે મૂકતાં બરાબર તેણે જોયું કે સુકન્યા તેની પાછળ ઉભી ઊભી તેની ચર્ચા જોતી હતી. ભગીરથ સહેજ સંકોચાયો.

'શું લઈ જાય છે?' સુકન્યાએ ગાંભીર્યથી પૂછ્યું. કલાકોના કલાક પછી એ ગમતો ઘાંટો ભગીરથે સાંભળ્યો.

'એ જાણવાનો તને હક્ક નથી.' ભગીરથે જવાબ આપ્યો.

'એમ કે? તારા હક્ક તું ભોગવ્યા કર.' સુકન્યા બોલી, અને ત્યાંથી પાછી ફરવા લાગી.

'પણ તું જાય છે ક્યાં?' ભગીરથે સુકન્યાનો હાથ પકડી પૂછ્યું.

'ફાવે ત્યાં. એ જાણવાનો તને હક્ક નથી.' કહી સુકન્યાએ ભગીરથનો હાથ તરછોડી નાખ્યો.

ગુસ્સે થવું, પાછા અબોલા લેવા, કે હસવું એની ગૂંચવણમાં પડેલો ભગીરથ સુકન્યાની સામે જોઈ રહ્યો. ભાંગેલા અબોલા ફરી તાજા કરવાની હિંમત રહી ન હતી. હસવા માટે બન્ને તૈયાર હોવા છતાં બંનેનું સ્વમાન તેમ કરવા દે એમ ન હતું. એટલે ગુસ્સે થઈને પણ પરસ્પર સાથે બોલવું એ જ એક માર્ગ રહ્યો હતો. તેણે ગુસ્સામાં પૂછ્યું :

'મારા ઘરમાંથી તું ક્યાં જાય છે તે જાણવાનો મને હક્ક નથી ?'

'જરા ય નહિ. મારા ઘરમાંથી તું ગયો તે તેં મને કહ્યું હતું ?' સુકન્યાએ સામો જવાબ આપ્યો.

'મેં ચિઠ્ઠી લખી હતી. પણ આ તારા હાથમાં શું છુપાવ્યું છે?' ભગીરથને જોતાં બરાબર જોરથી મુઠ્ઠી વાળી સુકન્યાએ કશી વસ્તુ સંતાડી હતી તે હજી તેના હાથમાં જ રહી ગઈ હતી, તેનો ઉલ્લેખ ભગીરથે કર્યો.

પરંતુ સમાન હક્કને જીવની માફક જાળવી લેતી સુકન્યા બોલી : 'તારા ખિસ્સામાં શું સંતાડ્યું તે બતાવે, પછી હું મુઠ્ઠીમાં શું છે તે બતાવીશ.'

'ખિસ્સામાં છબી છે...'

'અને એ છબી કોની છે એ પણ હું જાણું છું.'

'કોની છે ?' કહે.'

'જયાની. બીજા કોની હોય ?' અગ્નિ વરસતી સુકન્યા બોલી.

ભગીરથ ક્ષણભર સુકન્યા સામે જોઈ રહ્યો, અને એકદમ તેણે ખિસ્સામાંથી છબી કાઢી સુકન્યાની સામે ધરી કહ્યું :

'જો જો, અદેખી. આ કોની છબી છે?'

સુકન્યાએ ધારીને છબી જોઈ; તે જયાની નહિ પણ તેની પોતાની જ હતી. શું રીસાયલો ભગીરથ પત્નીની છબી લેવા માટે પાછો આવ્યો હતો?

હવે ભગીરથે છબી ખિસ્સામાં મૂકી ચાલવા માંડ્યું. સુકન્યાએ તેનો હાથ પકડી કહ્યું :

'ક્યાં જાય છે?'

‘ફાવે ત્યાં.'

'ત્યારે આવ્યો હતો શા માટે ?'

'છબી વગર રહેવાયું નહિ એટલે અડધે રસ્તેથી પાછો વળ્યો.'

'હવે જવાનું નથી.'

'કેમ? તારી સાથે મારાથી રહેવાશે નહિ, '

'અને મારી છબી જોડે રહેવાશે, ખરું ?'

નીચે બૂમાબૂમ થતી સંભળાઈ : નોકર અને ગાડીવાળો લડતાં હોય એમ લાગ્યું. સુકન્યાએ બારીમાંથી કહ્યું :

'પેટીઓ પાછી લાવ; અને ગાડીવાળાને પૈસા આપી જવા દે.'

'પણ આ તો સાહેબને લાવેલો ગાડીવાળો છે.'

'એને પણ જવા દે. બેગ અંદર લઈ આવ.' સુકન્યાએ હુકમ કર્યો.

માનવીના રોષને પણ હદ હોય છે, રોષ પણ થાકીને સૂઈ જાય છે. સુકન્યાનો છટાદાર હુકમ સાંભળી ભગીરથે સ્મિત કર્યું,

'તું હસ ને ! તારે શું ? અમારા જીવને શું થતું હશે તે તું શાનો જાણે?' સુકુન્યાએ ભગીરથ પાસે આવી છણકો કર્યો.

'તારા જીવને શું થતું હશે તે હું જાણું જાણું છું.'

'જાણ્યું તેં.'

'મને અને મારા ઘરને છોડી જવા તું તૈયાર હતી એ તો મેં પ્રત્યક્ષ આંખે જોયું.'

'મને વધારે છંછેડીશ નહિ. હું ક્યાં જતી હતી તે તું જાણે છે?'

'ના.'

'જો જો, હું તો આની પાછળ જતી હતી.' કહી સુકન્યાએ પોતાની મુઠ્ઠી ઉઘાડી, અને ભગીરથની આંખ આગળ એક ઝીણી વસ્તુ ધરી.

ભગીરથની છબીવાળું એ નાનકડું લૉકેટ હતું ! પત્રમાં લખેલા સ્થળે ભગીરથની પાછળ સુકન્યા જતી હતી ! મુખ જોવા માટે તેણે લૉકેટ હાથમાં રાખી લીધું હતું !

શી આ ઘેલછા ? બન્ને શંકાશીલ બન્યાં, લડ્યાં, અબોલ રહ્યાં, જુદાં પડ્યાં, તો ય પાછા આવી એક જ સ્થળે ભેગાં મળ્યાં ! પતિ પત્નીની છબી લેવા પત્ની પાસે આવ્યો; પતિની છબી લઈ પત્ની પતિ પાછળ જતી હતી ! સમાન હક્ક !

એક ન સહેવાય એવો વિચાર ભગીરથને આવ્યો :

'લૉકેટમાં બીજા કોઈની છબી હોય તો ?'

એ સંભવિત હતું. ચીડવવા, હક્ક સ્થાપન કરવા, સ્વમાન જાળવવા આપણે આપણા હૃદયભાવ છુપાવીએ છીએ. પતિપત્ની પરસ્પરને પ્રિય ન લાગે એવું ભાગ્યે જ બને છે. એમ બને ત્યારે જાણવું કે સમાન હકના સ્થાપનામાં કંઈક ભૂલ થઈ છે !

'શો વિચાર કરે છે ? ' સુકન્યાએ પૂછ્યું. તે પતિમય થઈ ગઈ હતી. પત્નીમય થઈ ગયેલા ભગીરથે પોતાના મનનોને પ્રશ્ન બદલી પૂછ્યું.

'મારી પાસે જયાની છબી હોત તો ?'

ક્ષણવાર નયન ચમકાવી સુકન્યાએ જવાબ વાળ્યો :

'તારી પાસે જયાની છબી હોત તો પણ હું તો, અંહ ! આમ જ કરત.' કહી તે ભગીરથની કોટે વળગી પડી. સ્ત્રીનો અગ્રહક્ક સ્વીકારાયો. શંકા ઓસરી ગઈ હતી : રોષ તો અદ્રશ્ય થઈ જ ગયો હતો. પરસ્પરને ઝંખતાં હૃદયો ભેગાં થઈ ગયાં. ભાંગતું ઘર સંધાઈ ગયું; વિમુખ થતાં જીવન સજ્જડ ચોંટી એક થયાં.

પરંતુ સ્વમાનના આવેશમાં – સમાનતાના દુરાગ્રહમાં – પરસ્પરની પાસે બીજી જ છબીઓ હોત તો ? પતિ પત્નીની છબી નીકળી એ અકસ્માત જ હતો; બીજી કોઈની છબી હોત તો પણ પતિપત્ની સ્નેહી જ હતાં. એ અકસ્માત બનત તો નવાઈ ન હતી. પરંતુ એનું પરિણામ શું આવત એ વિચાર કરી થથરતાં ભગીરથ અને સુકન્યા એકબીજાને એવાં વળગી પડ્યાં કે બૅગ મૂકવા આવેલા નોકરને ત્યાંથી ચાલ્યા જવું પડ્યું.

'આપણે પ્રભાકર અને જયાને પાછાં બોલાવવાં જોઈએ, નહિ?' સ્થિર બનેલા ભગીરથે બીજે દિવસે કહ્યું.

'જરૂર, આપણે એમને ભયંકર અન્યાય કર્યો છે.' જે મિત્રોની મૈત્રી જીવનકલહ બનવાની હતી તે મિત્રોની મૈત્રી હવે સુકન્યાએ નિર્ભયતાથી સંભારી.

‘ત્યારે તું આજે જ પત્ર લખી દે, બંનેને.'

સુકન્યાએ વિવેકભર્યા, આગ્રહભર્યા પત્રો લખ્યા, અને તેમાં નવા જમાનાની ઉદારતાને શોભે એવી મશ્કરી પણ લખી કે તેને સ્ત્રીપુરુષ મિત્રોના ચુંબનમાં કે સ્પર્શમાં જરા ય ભય રહ્યો નથી. ત્રીજે દિવસે જયાના હસ્તાક્ષરવાળે કાગળ ફોડી વાંચતાં સુકન્યાનાં ભવાં સંકોડાયાં. બીજા પત્રો વાંચતા વાંચતાં પત્નીનું સૌન્દર્ય નિહાળતો ભગીરથ બોલ્યો :

'શું છે? જયા આવે છે ને ?'

'ના, રે. એ તો આપણને બોલાવે છે.' સુકન્યાએ કહ્યું.

'કેમ?'

'જયા અને પ્રભાકર પરણે છે !' સુકન્યાએ પત્રમાંની ખબર આપી.

'એમ?' ચમકીને ભગીરથ બોલી ઊઠ્યો.

'હા. અને પાછી આપણને મહેણું મારે છે.'

'શું?'

'કે એ તદ્દન જૂના જમાનાની બની ગઈ છે, અને પુરુષ કે સ્ત્રીમિત્રના સ્પર્શ–ચુંબનમાં પાપ માનતી ગઈ છે.'

બન્ને જણ સામસામું જોઈ રહ્યાં સ્વતંત્ર – અતંત્ર વર્તનને સંસ્કારની પરાકાષ્ટા માનતાં કેટકેટલાં દંપતી આચારસ્વાતંત્ર્યને સહી શકતાં નથી ! પોતાના વર્તનમાં વિશુદ્ધિ માનતાં માનવતાં પ્રેમીઓને એ સ્વાતંત્ર્ય અસહ્ય થઈ પડે છે, અને તેમના પ્રેમ માત્ર પડછાયા બની જાય છે. એ સ્વાતંત્ર્ય કરતાં સંકોચ વધારે સલામતીભર્યો છે એટલું તો બંનેને સમજાયું.

'આપણે હવે કદી વલકુડાં બનીને પુરુષોને બાઝવું નથી !' સુકન્યાએ નિશ્ચય જાહેર કર્યો.

'અને મારે પણ સ્ત્રીઓની પાછળ વ્હીલાવેવલા બની ફરવું નથી.' ભગીરથે નિશ્ચય કર્યો.

અલબત્ત, એ નિશ્ચયમાં એક અપવાદ તો હતો જ ! પણ એ અપવાદ વાણીમાં સ્પષ્ટ કરવાની બન્નેમાં કોઈને જરૂર ન હતી. કારણ બન્નેએ પરસ્પરને અડકીને ફરીથી જયાને પત્ર સાથે વાંચ્યો !