પંચતંત્ર: સાપની કપટવિદ્યા

પંચતંત્ર: સાપની કપટવિદ્યા
પંડિત વિષ્ણુશર્મા



સાપની કપટવિદ્યા

મૈકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો.

સમય જતાં ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને અપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા હતા. આથી તે ધારેલો શિકાર કરી શકતો ન હતો.

ભૂખ્યો ભૂખ્યો તે વધુ અશક્ત બનવા લાગ્યો. તેને થયું, આમને આમ તો હું મરી જઈશ. જીવતાં રહેવા માટે મારે કંઈક તો કરવું જ જોઈએ. એટલે તે વિચારવા લાગ્યો. અચાનક તેને એક યુક્તિ સૂઝી આવી.

તે તો આનંદમાં આવી ગયો અને પહાડથી સડસડાટ નીચે ઊતરવા લાગ્યો. એ એક તળાવને કિનારે પહોંચ્યો. જ્યાં દેડકાઓનું મોટું રાજ્ય હતું. પુષ્કળ દેડકાંઓ ત્યાં રહેતાં હતાં. એને જોતાં જ બધાં જ દેડકાં તળાવમાં ભાગી ગયાં. પરંતુ એ કોઈ દેડકાં પાછળ દોડ્યો નહિ. એણે એક ઝાડ નીચે આસન જમાવ્યું અને ચૂપચાપ દેડકાંઓની ગતિવિધિ જોવા લાગ્યો.

થોડી વાર થઈ એટલે દેડકાંના રાજાએ બહાર ડોકું કાઢ્યું તો નાગ દૂર એક ઝાડ નીચે ચૂપચાપ બેસી રહ્યો હતો. ધીરે રહીને તે બહાર નીકળ્યો. અને સલામત રહેવાય એ રીતે અંતર રાખીને નાગ પાસે પહોંચ્યો. નાગે દેડકાને જોયો છતાં તે હાલ્યો નહિ. તેમ એની આંખોને પણ હલાવી નહિ. જાણે દેડકાને જોતો જ નથી !

દેડકાને નવાઈ લાગી. તેને થયું, આ નાગની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે ? અથવા તે આંધળો થઈ ગયો હશે ? ધીરે ધીરે એ વધુ નજીક આવ્યો. છતાં તેણે સલામત અંતર તો રાખ્યું જ. અને નાગને બૂમ મારીઃ

'એ નાગરાજ ! આમ ચૂપચાપ કેમ બેઠા છો ?'

'ભાઈ ! મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે. એટલે હું ઢીલો થઈ ગયો છું. મને બ્રાહ્મણે શાપ આપ્યો છે.'

'શાપ !' દેડકાને આશ્ચર્ય થયું. તે નાગની વધુ નજીક કૂદ્‍યો. 'દેડકાભાઈ ! મારા કરમની શું કથની કરું ! હું મારા સ્વભાવ અનુસાર એક ઉંદરનો શિકાર કરવા દોડ્યો પરંતુ ઉંદર પણ જીવ લઈને ભાગતો હતો. તે એક ઘરમાં પેસી ગયો જે બ્રાહ્મણનું હતું. ઘરમાં બ્રાહ્મણના ચાર-પાંચ છોકરાંઓ રમતાં હતાં. ઉંદરની પાછળ હું પણ ઘરમાં પ્રવેશ્યો. ઉંદર હાથવેંતમાં હતો એટલે મેં પણ દોટ મૂકી. ઉંદર છોકરાઓ વચ્ચેથી ભાગ્યો. અને હું પણ તેની પાછળ ભાગ્યો, પરંતુ છોકરાંઓને એકદમ ખ્યાલ ન આવ્યો કે, હું ઘરમાં દોડી રહ્યો છું. છોકરાંઓ પણ દોડાદોડી કરી રહ્યાં હતાં. તેમાં એક છોકરાનો પગ મારા પર પડ્યો અને ગુસ્સે થઈ મેં તેને ડંખ માર્યો.

તે દરમિયાન ઉંદર ભાગી ગયો હતો. હવે મને ભૂલનો ખ્યાલ આવ્યો. મને થયું, માણસો મને શોધી મારી નાખશે. એટલે હું પણ દોડતો ભાગી ગયો. પરંતુ મારા ઝેરથી પેલો છોકરો તરત મરી ગયો. ઘરનાં બધાં રોકકળ કરવા લાગ્યાં. કોઈ છોકરાના બાપને બોલાવી લાવ્યું. એનો બાપ સાચો કર્મકાંડી બ્રાહ્મણ હતો. એટલે મને શાપ આપ્યો કે, 'હે નાગ ! તેં મારા દીકરાનો જીવ લીધો છે એટલે તું દેડકાંની સવારી બની જા. દેડકાં તારા પર સવારી કરશે તો જ તારી સદ્‍ગતિ થશે.'

'બસ ! ત્યારથી હું ઢીલા પગે આવીને અહીં બેઠો છું. ભલા ! મારા પર દેડકાં થોડી સવારી કરવાના હતાં ! મારો કોણ વિશ્વાસ કરે ? મને લાગે છે કે મારી દુર્ગતિ જ થવાની છે. મારો મરણકાળ નજીક છે. એટલે મને બહુ ચિંતા થઈ રહી છે.'

નાગની કરુણ કથા સાંભળી દેડકો પીગળી ગયો. તેને થયું, 'હું મારી પ્રજાને હુકમ કરીશ તો બધાં આ નાગ પર સવારી કરશે. અને એનો શાપ ઊતરી જશે. પરંતુ વાત સાચી... નાગનો વિશ્વાસ કોણ કરે ?'

દેડકો તો તળાવમાં ગયો અને બધાંને નાગની વાત કરી અને બધાંને નાગની વાત કરી. બધાં ગભરાઈ ગયાં... ના, ભાઈ ! નાગનો શાપ ઊતરવાનો હોય તો ઊતરે આપણે શા માટે જીવ જોખમમાં નાખવો જોઈએ ?

પરંતુ બે-ત્રણ દેડકાં સાહસિક હતાં. તેમને થયું, આજે મરો કે કાલે મરો... એમાં શું ફેર પડવાનો છે ! નાગ પર સવારી કરવાની કેટલી મજા આવે ! આપણે સાહસ કરીને નાગ પર સવારી કરવા જઈએ. તેમણે પોતાની વાત દેડકા રાજાને કરી.

રાજા પણ ખુશ થયો કે ચાલો, મારા રાજ્યમાં બહાદૂરો છે ખરા ! તેણે કહ્યું, 'તમે મરજીવા છો. જો તમે નાગની સવારી કરી પાછા આવશો તો હું તમારું બહુમાન કરીશ.'

ત્રણે દેડકાં ખુશ થઈ ગયાં.

દેડકાનો રાજા ત્રણે દેડકાંને લઈને ઊપડ્યો નાગ પાસે અને કહ્યું, 'હે નાગરાજ ! મારા આ ત્રણ દેડકાં તમારા પર સવારી કરશે.'

નાગ તો ખુશ થઈ ગયો અને બોલ્યો, 'તમારો આભાર ! દેડકાભાઈ !' કહીને એણે ત્રણેને પોતાના પર ચઢી જવા કહ્યું. નાગ સરકવા માટે લાંબો થયો એટલે ત્રણે દેડકાં તેના પર કૂદીને બેસી ગયાં. નાગ સરકવા લાગ્યો. દેડકાંનો રાજા તેમને જતાં જોઈ રહ્યો. દૂર દૂર ફરીને નાગ પાછો આવ્યો. એટલે ત્રણે દેડકાં ઊતરી પડ્યાં. અને પોતાના રાજા સાથે તળાવમાં ગયા. ત્યાં રાજાએ ત્રણ દેડકાનું બહુમાન કર્યું. ત્રણે દેડકાં તો છાતી ફુલાવીને પોતાને નાગની સવારી કરવામાં કેવી મજા આવી, રસ્તામાં શું શું જોયું તેનું રોચક વર્ણન કરવા લાગ્યાં.

પછી તો બધા જ દેડકાં નાગની સવારી કરવા તૈયાર થઈ ગયાં. દેડકાના રાજાએ નાગને પૂછ્યું, 'નાગરાજ ! અમારે ત્યાં ઘણાં દેડકાં તમારી સવારી કરવા તૈયાર થઈ ગયાં છે. તેમને બેસાડશો ?'

'હા... હા... કેમ નહિ ? તમે તો મારા પર મહા ઉપકાર કરી રહ્યા છો. હું બધાંને બેસાડીને રોજ ફેરવીશ !'

રાજાએ તળાવમાં જઈને કહ્યું, 'જેને નાગની સવારી કરવી હોય એ નાગ પર બેસી જાય.'

પછી તો પૂછવું શું ? બધા જ કૂદતાં કૂદતાં ભાગ્યાં અને નાગ પર બેસવા પડાપડી કરવા લાગ્યાં. નાગ ધીરેથી એમાંના બે-ત્રણ દેડકાંને ગળી ગયો. કોઈને એ વાતની ખબર ન પડી. નાગ તો સરકવા લાગ્યો. બધાને ફરવાની બહુ જ મઝા આવી. જે રહી ગયા તે નિરાશ થઈને પાછા આવ્યાં. નાગને પણ બહુ મઝા આવી. એને તો વગર મહેનતે ભરપેટ ખોરાક મળી ગયો.

ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. અચાનક દેડકાંઓના રાજાને થયું, દેડકાંઓની વસતી સારી એવી ઘટી ગઈ છે. અહીં કોઈનો ઉપદ્રવ નથી તો વસતી કેમ ઘટી ગઈ છે ? તે ચિંતામાં પડી ગયો. ગમે તેમ તોયે એ રાજા હતો. રાજ્યના રક્ષણની જવાબદારી એના પર હતી. વિચાર કરતાં કરતાં એને નાગ યાદ આવ્યો. વસતી ઘટવા માટે એ નાગ તો કારણભૂત નહિ હોય ?

બીજે દિવસે બધાં દેડકાં નાગ પર સવારી કરવા તૈયાર થયા ત્યારે એ એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને નાગની ગતિવિધિ ધ્યાનથી નિહાળવા લાગ્યો.

નાગ પર બેસવા માટે બધા દેડકાં પડાપડી કરતાં હતાં. ધીરેથી નાગ એના મોં પાસે આવેલા દેડકાને ગળી ગયો. એમ એણે ત્રણ-ચાર દેડકાં ખાધાં. કોઈ દેડકાઓનું એ તરફ ધ્યાન ન હતું. બધાં જ નાગ પર બેસવા માટે પડાપડી કરતાં હતાં. દેડકાંઓનો રાજા ધ્રૂજી ગયો. ફરીથી બધાં દેડકાં પાછાં આવ્યાં. રાજાએ ધીરેથી બધાંને કહ્યું, 'આપણે બહુ બની ગયાં છીએ. આ નાગ ઢોંગી છે. મૂરખ બનાવીને આપણને ખાઈ રહ્યો છે...'

ત્યાં જ એક દેડકી બોલવા લાગી : 'મહારાજ ! મારો દીકરો કેટલા વખતથી નથી મળતો.' તો કોઈ બોલ્યું, 'મારો પતિ ગુમ થયો છે.' આમ એકી અવાજે કેટલાંય દેડકાં પોતાના સ્વજનો ગુમ થયાની ફરિયાદ કરવા લાગ્યાં.

દેડકારાજાને બહુ દુઃખ થયું. તેણે બધાંને આશ્વાસન આપ્યું અને કહ્યું, 'હવે એ નાગ નજીક કોઈ જશો નહિ. તે ભૂખ્યો-તરસ્યો પોતાની મેળે જ ભાગી જશે.'

બીજે દિવસે કોઈ દેડકો તળાવમાંથી બહાર સવારી કરવા ન આવ્યો. એટલે નાગ સમજી ગયો કે, પોતાના કપટની જાણ દેડકાંઓને થઈ ગઈ છે. હવે અહીં કશો ખોરાક મળવાનો નથી. હવે મારે બીજા તળાવની શોધમાં જવું જોઈએ. આમે રોજ ભરપેટ ભોજન મળતું હતું. એટલે એ શક્તિશાળી બની ગયો હતો. એ ધીરેથી સરકીને ચાલ્યો ગયો.

દેડકાંનો રાજા છાનોમાનો તેની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. તેને જતો જોઈને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો.

'હે કુમારો ! આ દુનિયા કપટી લોકોથી ભરેલી છે. માટે ચેતીને ચાલવું. ઝડપથી કોઈનો વિશ્વાસ કરવો નહિ.'