પંચતંત્ર: સોનાની ચરક
પંડિત વિષ્ણુશર્મા



સોનાની ચરક


એક ગરીબ શિકારી હતો. તે જંગલી પંખી-પ્રાણીઓનો શિકાર કરતો અને પોતાનું તથા પોતાના કુટુંબનું પેટ ભરતો. એક વાર એ સાંજ સુધી રખડતો રહ્યો પણ એને ક્યાંય કોઈ શિકાર ન મળ્યો. એ ખૂબ થાકી ગયો. હવે એનામાં ચાલવાનીયે શક્તિ રહી ન હતી. કંટાળીને એ એક ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો. અને ચારે તરફ જોવા લાગ્યો કે, કોઈ પંખી એના હાથમાં આવી શકે એમ છે ! ત્યાં અચાનક એક નાનકડું પંખી એણ ઉપરની ડાળ પર બેઠેલું જોયું. દેખાવમાં તો એ કાબર જેવું નાનકડું જ હતું. પણ એનો રંગ સોના જેવો ચળકતો હતો. ત્યાં જ એ ચરક્યું તે સીધું શિકારીના પગ પર પડ્યું. અને તે ચરક તરત જ સોનું બની ગઈ. શિકારીએ આશ્ચર્યથી તે ગઠ્ઠાને ઊંચકીને જોયું તો તે સોનું જ હતું.

શિકારીને થયું, આ પક્ષીને પકડું તો મારું દળદર ફીટી જાય. એણે તો પેલા સોનાનો ગઠ્ઠો લંગોટીને છેડે વીંટી દીધો. અને ત્વરાથી એ પંખી પર જાળ નાખી. નસીબ યોગે પંખી જાળમાં ફસાઈ ગયું. શિકારી તો પંખીને લઈને ઘરે આવ્યો. એક પિંજરામાં પંખીને પૂર્યું. અને પેલો સોનાનો ગઠ્ઠો લઈને બાજુના નગરમાં ગયો. અને એક સોનીને ત્યાં પેલો ગઠ્ઠો બતાવ્યો. સોનીએ કહ્યું, 'આ તો ચોખ્ખું સોનું છે.' અને એણે એના પૈસા આપ્યા.

શિકારી તો ખુશ થઈ ગયો. એ પૈસામાંથી એના કુટુંબે તે દિવસ પેટ ભરીને ખાધું. છતાં ઘણા પૈસા વધ્યા.

હવે શિકારીને વિચાર આવ્યો કે, જો હું રોજ રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા પર શંકા પદશે અને હું અભણ માણસ રાજના માણસોના હાથમાં ફસાઈ જઈશ. તેઓ માનશે કે મેં ક્યાંકથી મોટી ચોરી કરી છે. કારણ કે આ પક્ષીની ચરક સોનાની છે એવું કોઈ માનશે નહિ. અને રાજા મને કાળકોટડીમાં પૂરી દેશે. કોઈને પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે. એના કરતાં હું મારી જાતે જ રાજાને આ પક્ષી ભેટ આપું એટલે રાજા મારા પર ખુશ થશે અને મને મોટું ઈનામ આપશે.

આમ વિચારીને શિકારી બીજે દિવસે રાજાના દરબારમાં ગયો. તેણે પ્રણામ કરીને રાજાને કહ્યું, 'હે મહારાજ ! આ પક્ષીની ચરક સોનાની બની જાય છે. આવા આ અદ્‍ભૂત પક્ષીને હું તમારે ચરણે ભેટરૂપે ધરું છું. તો તમે સ્વીકાર કરો.'

રાજાને અને દરબારમાં બધાને જ નવાઈ લાગી. કોઈએ એવું કદી સાંભળ્યું ન હતું.

રાજાએ પંખીનું પાંજરું હાથમાં લીધું અને આમતેમ ફેરવીને જોવા માંડ્યું.

ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો, 'મહારાજ ! આ માણસ તમને છેતરવા આવ્યો લાગે છે. પક્ષીની ચરક કદી સોનાની બનતી હશે ! એને એમ કે, આવું એકાદ પક્ષી મહારાજને ભેટ ધરી આવું એટલે મહારાજ મોટું ઈનામ આપશે.'

'નહિ, નહિ, મહારાજ ! હું તમને છેતરતો નથી. મારી વાત તદ્દન સાચી છે.' શિકારી ઉતાવળથી બોલી ઊઠ્યો. 'એ ચરકે ત્યારે તમે પરીક્ષા કરજો.'

પણ મંત્રી પોતાની વાત વારંવાર કરવા લાગ્યો. રાજા આવા પક્ષી બદલ એક જંગલી માણસને શિરપાવ કે ઈનામ આપે એ મંત્રીથી સહન થાય એમ ન હતું. એ બહુ ઈર્ષાળુ હતો.

રાજાને પણ મંત્રીની વાત સાચી લાગી. એટલે એણે પંખીને પિંજરામાંથી કાઢીને ઉડાડી મૂક્યું. પંખી દરબારમાં લટકાવેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું. બધાએ આતુરતાથી તેની ચરક પર નજર ઠેરવી. અને બધા સ્તબ્ધ બની ગયા.

સાચે જ તે પક્ષીની ચરક સોનું બનીને ચમકી રહી હતી. રાજાએ ઉત્સુકતાથી ઊઠીને તે ચરક હાથમાં લીધી તો તે સોનાનો ગઠ્ઠો હતો.

ત્યાં જ પક્ષી બોલ્યું, 'હે રાજન ! હું આ સોનાની ચરક બતાવવાની હોંશિયારી મારવામાં આ શિકારીની જાળમાં ફસાયું, એટલે હું મૂરખ અને તેં ધીરજ ન રાખી, મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તું પણ મૂરખ.' કહીને પક્ષી ઊડી ગયું અને જરા વારમાં તો દેખાતું બંધ થઈ ગયું. પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને ઘણો પસ્તાવો થયો. છતાં તેણે શિકારીને મોટું ઈનામ આપ્યું.

મંત્રી માથું ઊચું જ ન કરી શક્યો.

'હે કુમારો ! દરેક કાર્યમાં ધીરજ રાખવી. કોઈ નિર્ણય ઉતાવળે ન લેવા. નહિ તો રાજાની જેમ પક્ષી ગુમાવવાનો વારો આવે.'