પત્રલાલસા/અસ્થિર મનોદશા
← અકસ્માતનાં પરિણામ | પત્રલાલસા અસ્થિર મનોદશા રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
મંજરીનું લગ્ન → |
આશાભર્યાં ઉછરત પ્રિય બાલબાલા
સંસાર મધ્ય વડવાનલ કેરી જ્વાલા !
નાનાલાલ
મંજરી ખરેખર વિચિત્ર છોકરી જ હતી. એને શું ગમશે અને શું નહિ એ ભાગ્યે જ કોઈ સમજી શકતું. માતાપિતાની તે લાડકી હતી. તેની મરજી વિરુદ્ધ કાંઈ જ થતું નહિ; - જોકે તેની મરજી તે ભાગ્યે જ વ્યક્ત કરતી. માતાપિતાનું તે અતિશય માન રાખતી, પરંતુ કોઈ કોઈ વખત પોતાનો અણગમો બરાબર બતાવતી.
અમુક માણસો તેને ગમે અને અમુક માણસો તેને ન જ ગમે. ગમતા માણસો સાથે તે ઘણી જ વાત કરે, અને ન ગમે તે માણસો સાથે તે ઘણી જ અતડી રહે. સ્વમાનની ઘણી જ ભારે લાગણી તેનામાં ઊતરી આવી હતી; પરંતુ હૃદયની મૃદુતા ઘણી વખતે એ અભિમાનમાં ઘસડાઈ જતા સ્વમાનને સુંદર સ્વરૂપ આપતી. ઊંચો ઘાટદાર બાંધો, ગૌર વર્ણ, માર્દવની કુમળી રેખા અને સ્વમાનનું તેજ તેને આકર્ષક બનાવતાં. એના તરફ જોઈને ભાગ્યે જ તત્કાળ નજર પાછી ખેંચી લેવાય.
આટલી ઉંમર સુધી તે અવિવાહિત સ્ત્રી હતી તેમાં તેની સ્વેચ્છા જ કારણ રૂપ હતી. હિંદુ સંસારમાં હજી સારું કુળ માન પામે છે. સારા કુટુંબ સાથે સંબંધ બાંધવા સઘળા આતુર રહે છે. એટલે દીનાનાથની આર્થિક સ્થિતિ ઊતરતી થયેલી હોવા છતાં તેના ઘરની કન્યા લેવા ઘણા માણસો ઉત્સુક હતા. પરંતુ કેટલાકને દીનાનાથે જ નાપસંદ કર્યા, કેટલાકને નંદકુંવરે નાપસંદ કર્યો. અને તેમની પરીક્ષામાં પસાર થયેલા સઘળા છોકરાઓને મંજરીએ નાપસંદ કર્યા.
અલબત્ત મંજરી અસભ્ય જરા પણ નહોતી. કોઈ પણ યુવકનું નામ તેની આગળ દેવામાં આવે ત્યારે તે વાતનો ઉદ્દેશ સમજતી હતી. પરંતુ, ઉંમરે પહોંચેલાં માબાપને પોતે જાણે કંઈ સમજતી ન હોય, એમ દેખાવ કરી તે જવાબ આપી શકે એમ હતું. અણસમજના દેખાવ પાછળ અસભ્યતા દબાઈ જાય છે.
'મંજરી ! પેલો છોકરો કેવો ગોરોગોરો છે?' ક્વચિત્ વાતમાં નંદકુંવર પૂછતાં.
'તને ગોરો લાગતો હશે !' મંજરી ભમ્મર ચઢાવી કહેતી. 'આટલો બધો ફિક્કો ! કમકમી ચઢે એવો ગોરો હોય તે કાંઈ સારો લાગે ?'
કોઈ યુવક ઊંચી પરીક્ષામાં પસાર થાય એટલે દીનાનાથની નજર તેના તરફ દોડતી. તેઓ ઘરમાં વાત કરતા કે અમુક છોકરો બહુ ઊંચી પાયરીએ પરીક્ષામાં આવ્યો ! મંજરી સહજ હસતી.
‘કેમ બહેન ! કેમ હસે છે ? ભણનાર તો બહુ જ ઓછા છે.'
'એ જ સારું છે.' હસતાં હસતાં મંજરી કહેતી. 'બહુ ભણ્યો છે પણ એનું મોં કેવું રડતું લાગે છે ? મોં જઈને તો આંખો બંધ કરવી પડે !'
'ત્યારે પેલો તો ભણે છે પણ ખરો, જરા ઊજળો પણ છે, અને સહેજ ચબરાક પણ છે.’ નંદકુંવર બીજા કોઈ છોકરાનાં વખાણ કરતાં.
'એવા ચીબાવલા છોકરા બહુ સારા કહેવાતા હશે !' મંજરી વાંધો લેતી, 'જ્યારે જોઈએ ત્યારે વીલું હસતું મોં રાખે એનું નામ બહુ ચબરાક, ખરું કે ?'
‘તને તો એટલો મિજાજ છે કે ખાસ કરીને ખૂબ કાળો અને કદરૂપો વર ખોળી હું પરણાવવાની છું. તે વગર આ તારું અભિમાન ઓછું થવાનું નથી.' નંદકુંવર અડધું ચિડાઈને અડધું હસીને બોલતાં.
આમ વર્ષો સુધી મંજરીની પસંદગી કોઈ તરફ વળી નહિ. મોટી ઉંમર થતાં પોતાને લીધે માબાપને પડતી આર્થિક અડચણ મંજરી બરાબર સમજી ગઈ હતી, એટલે તેણે પોતાની આવડતનો છાનોમાનો બહુ જ ઉપયોગ કર્યો. તે રૂમાલો ભરતી, કોર ભરતી, કપડાં પણ વેતરી શકતી, અને તેની બહેનપણીઓ દ્વારા પોતાની બનાવેલી ચીજો બજારમાં વેચાવી, તે પોતાના કુટુંબને આર્થિક સહાય પણ આપતી. નંદકુંવર આ વાત જાણતાં, પણ તેમનો બીજો ઈલાજ નહોતો. માત્ર આવક બનતાં સુધી જુદી જ મૂકી રાખતાં.
દીનાનાથને માત્ર તે દિવસે જ ખબર પડી હતી કે મંજરી આવી આવી ચીજ વેચે છે. તેમને પોતાના ઉપર તે દિવસે એટલો બધો ધિક્કાર આવી ગયો હતો કે તેઓ આપઘાત કરવાના વિચારો તરફ દોરાયા હતા. ત્યાર પછી તેમણે સખત હુકમ આપી દીધો કે મંજરી પોતાના શોખથી જે કામ કરતી હોય તેના આવેલા પૈસામાંથી ઘરમાં એક પાઈ પણ વપરાવી ન જોઈએ. છોકરીને પૈસે પોષણ પામવા કરતાં હિંદુ માબાપ મરવું વધારે પસંદ કરે છે.
મંજરીને પરણાવવાની ચિંતા ત્યાર પછી ઘણી જ વધી ગઈ. પરંતુ કોઈ સારો યુવક મળતો નહોતો. વ્યોમેશચંદ્રમાં કોઈ પણ રીતની ખામી ન હતી. તેઓ લક્ષ્મીવાન હતા. તેમની પ્રતિષ્ઠા ઘણી જ સારી હતી. તેઓ સ્વભાવે સુશીલ અને આનંદી હતા. તેમનું શરીર સુદ્રઢ હતું. અને તેમના ઘરમાં ગૃહિણીની ખાસ જરૂર આજકાલ દીનાનાથ જોઈ રહ્યા હતા.
કોણ જાણે કેમ પણ વ્યોમેશચંદ્ર તરફ મંજરીને જરા પણ ઉમળકો આવતો નહિ. તે સમજી શકતી હતી કે આ જાગીરદાર પોતાના તરફ કયા ભાવથી ખેંચાય છે. એટલે તે જાણી જોઈને તેના સંસર્ગમાં આવતી જ નહિ.
તેઓ ઘોડેથી પડી ગયા તે વખતે મનુષ્ય તરીકે ફરજ બજાવવા મંજરી ચૂકી નહિ, જાગીરદારને ઘોડે બેસતાં બહુ સારું આવડે છે એમ તે જઈ શકી. પોતે પડી ગયા હતા છતાં પોતાનો મર્તબો સાચવી રાખવાની વ્યોમેશચંદ્રની શક્તિ તેણે આશ્ચર્યથી જોઈ. ઘોડાને ફટકારવા તૈયાર થયેલા સાઈસને પડેલા વ્યોમેશચંદ્ર રોકતાં તેના હૃદયની ઉદારતા મંજરીને જરા ગમી.
છતાં વ્યોમેશચંદ્ર જાતે ગમતા નહિ !
તેમણે મોકલેલી નોટ તેણે જરાપણ સંકોચ વગર ફાડી નાખી હતી. વ્યોમેશચંદ્ર સંબંધી વાત નીકળતાં તેનો ઉત્સાહ ઓગળી જતો. પોતાનાં માબાપને મુખે તેમનાં વખાણ સાંભળવા છતાં તેના ઉપર એ વખાણની જરા પણ અસર થતી નહિ.
તે હજી સનાતનને ભૂલી નહોતી.
હજી દરરોજ પત્રની રાહ જોતી તે ઊભી રહેતી. સવારે તેનામાં ઉત્સાહ આવી જતો. જાણે આજે જરૂર કાગળ આવવાનો હોય એમ તે આશામાં ને આશામાં ફરતી. ટપાલનો વખત તે કદી ચૂકતી નહિ. બારીએ બેસી તે દરરોજ પત્રની રાહ જોતી હતી. ટપાલી આવી કાગળ નાખી જાય કે તરત દોડીને તે કાગળો ઊંચકી લેતી. જાણીતા અક્ષરવાળા કાગળો જોવાનું તે મુલતવી રાખતી, અને જે અજાણ્યો કાગળ આવે તે પ્રથમ ફોડતી. ફોડી વાંચતાં તે સદાય નિરાશ થતી.
'શું કોઈ દહાડોયે એમનો કાગળ નહિ આવે ?' અંતે નિસાસો નાખી તે બોલી ઊઠતી. ટપાલ પછી આખોય દિવસ તે લગભગ શોકમાં ગાળતી. હસવાનો, આનંદનો પ્રસંગ આવ્યે હસતી પણ ખરી, પરંતુ તેનાં સર્વ કાર્યમાં શોકની છાયા જણાતી.
પાછું સવાર પડે એટલે કાગળની આતુરતામાં ટપાલીની રાહ એ જોતી બેઠી જ હોય ! આ તેનો નિત્યક્રમ હતો.
પ્રિયતમાનાં દર્શન માટે હૃદયને જેટલી વિકળતા થાય તેટલી જ વિકળતા પ્રિયતમના પત્ર માટે થાય છે એ કોણ નથી જાણતું ?
નંદકુંવરને એક દિવસ તાવ આવ્યો. મંજરી પોતાના રોજના ક્રમ પ્રમાણે પત્રની આશામાં નિરાશ થઈને બેઠી હતી એટલામાં વ્યોમેશચંદ્રની નાની છોકરી ઘરમાં આવી.
'ભાઈ દાદરેથી પડી ગયો છે. બોલાતું નથી અને બાપાજીથી તો ઉઠાતું નથી. મને બોલાવવા મોકલી છે.'
ઉપર મુજબ તેણે સંદેશો કહ્યો. નંદકુંવરથી તો ઉઠાય એમ નહોતું. દીનાનાથ ઘરમાં નહોતા. એકલી મંજરી જઈ સારવાર કરે એમ હતું. પરોપકારી માતાએ જરાપણ સંકોચ વગર મંજરીને છોકરી સાથે જવા જણાવ્યું. મંજરીને ઘણુંય અતડું લાગ્યું. આવી રીતે એકલા જવાનો તેને આ પ્રથમ પ્રસંગ હતો, અને સ્ત્રીના કુદરતી સ્વભાવ પ્રમાણે તેણે વ્યોમેશચંદ્રના ભાવ પરખી લીધા હતા. આથી તેને ઘણો સંકોચ સ્વાભાવિક રીતે થયો. પરંતુ આવા પ્રસંગોમાં એવાં કારણો બાજુએ મૂકવા પડે છે.
છોકરીની આંખમાંથી આંસુ વહેતાં હતાં. મંજરી તે ખમી શકી નહિ. મંજરીએ તેને પોતાની પાસે લીધી.
‘વેલી ! રડીશ નહિ. હું આવું છું હોં !'
કહી મંજરી તૈયાર થઈ. માંદી માતાને મૂકી ઓળખીતાને ત્યાં સારવાર કરવા મંજરી ચાલી.
વેલી મંજરીની આંગળીએ વળગી. છોકરી ઘણી વાતોડી હતી. તેણે ઘેર પહોંચતાં પહોંચતાં તો મંજરીની સાથે કંઈક વાતો કરી નાખી. આ નાની બાળકીના સ્મિત. ઉત્પન્ન કરે એવા પ્રશ્નો, તેનું સુંદર અજ્ઞાન, અને વાત કરવાની મીઠી રીતથી મંજરીને પણ તેના ઉપર મોહ ઊપજ્યો.
'તમે મને બહુ જ વહાલા લાગો છો.' વેલીએ વાતમાં જ મંજરીને જણાવ્યું. ‘તમારું મોં મને એવું ગમે છે !'
'એવું' શબ્દ ઉપર મૂકેલા ભારથી વેલીની પ્રમાણિક માન્યતા બહુ જ સ્પષ્ટ થઈ. મંજરી હસી.
‘મને તમારી પાસે રાખો તો ?' જવાબ આપતાં ગૂંચવાઈ જવાય એવો પ્રશ્ન વેલીએ પૂછ્યો. 'તને મારે ત્યાં મોકલશે ?’ મંજરી વાતોમાં દોરાઈ.
'કેમ નહિ ? બાપાજી કાંઈ ના નહિ પાડે. અમે તો બધાંય તમારે ત્યાં આવીએ.' વેલીએ સરળતાથી રસ્તો બતાવ્યો.
મંજરીને પોતાના પિતાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવ્યો. આ સરળતાથી વાત કરતી વેલીના જીવનમાં આર્થિક પ્રશ્ન ઉદ્ભવે એમ હતું જ નહિ, એ પ્રશ્ન હજી તેની વિચારસૃષ્ટિની બહાર હતો. પરંતુ મંજરીને તો તે નિત્યનો પ્રશ્ન હતો, પિતાની પ્રથમ જેવી સ્થિતિ હોત તો તે કેવી સહેલાઈથી વ્યોમેશચંદ્રના ચાર છોકરાંને બોલાવી પોતાની પાસે રાખી શકત ? એ પ્રશ્ન ઉદ્દભવતા તેનું મોં સહજ ઊતરી ગયું.
'અમે આવીએ તે નહિ ગમે ?' વેલીએ પૂછ્યું.
‘શા માટે નહિ ?' મંજરીની ગ્લાનિ બાલિકાની નિર્દોષ વૃત્તિએ દૂર કરી. 'જરૂર. જ્યારે જ્યારે મન થાય ત્યારે ત્યારે મારે ત્યાં રમવાને આવજો, હું બહુ રમતો બતાવીશ, હોં !'
વેલી ખુશ થઈ ગઈ અને મંજરીની આંગળી જોરથી પકડી દબાવવા લાગી. વ્યોમેશચંદ્રનું મકાન આવતાં વેલી દોડતી દોડતી આગળ ગઈ અને મંજરી આવ્યાની ખબર તેણે બધાંને આપી.
પડી ગયેલા છોકરાને વ્યોમેશચંદ્રની પાસે સુવાડ્યો હતો. પિતાનું હૃદય અતિશય દ્રવતું હતું. નંદકુંવરની રાહ જોઈ બેઠેલા વ્યોમેશચંદ્રને મંજરી આવ્યાની ખબર પડતાં ઘણી નવાઈ લાગી. પરંતુ એ નવાઈ અણગમતી નહોતી.
વેલી મંજરીને પોતાના ભાઈ પાસે લઈ ગઈ. છોકરાની મૂર્છા વળી હતી. તેને ગમે તેમ બાંધેલા પાટા છોડી મંજરીએ ઠીક કરી બાંધી આપ્યા.
છોકરાને કરાર વળ્યો. બહુ દિવસથી માતાની સારવાર ભૂલેલા બાળકને મંજરીની ભાવભરી સારવારથી કોઈ અજબ સંતોષ વળ્યો. છોકરો મંજરીના મુખ સામું જોયા જ કરતો હતો. વેલી તો મંજરીની આસપાસ ઝઝૂમી જ રહેતી. કાંઈ પણ લાગ મળે એટલે મંજરીના શરીરને તે અડકી લેતી. બાળકીને મંજરીનો મોહ જ લાગ્યો હતો. આમ ઘણું ઝઝુમવાથી મંજરી કંટાળશે એમ ધારી વ્યોમેશચંદ્રે વેલીને દૂર ખસવા જણાવ્યું.
'વેલી ! જરા દૂર બેસ. ઘડી ઘડી અડ્યા ન કરીએ.' વ્યોમેશે કહ્યું.
મંજરીએ આટલી બધી વાર વ્યોમેશચંદ્ર અત્યંત નજીક હોવા છતાં તેના તરફ દ્રષ્ટિ પણ કરી નહોતી. તેને અતિશય વિચિત્ર અનુભવ થયા કરતો હતો. તેની ખાતરી હતી કે વ્યોમેશચંદ્રની નજર તેના ઉપર સતત પડેલી જ રહી હશે. એક ક્ષણ તેણે વ્યોમેશ તરફ જોયું, પરંતુ આ સભ્ય ગૃહસ્થ ખાસ કરીને પોતાની નજર મંજરી ઉપર ન પડે એવી કાળજી રાખતા જણાયા. મંજરીના સામી તેમની નજર હતી જ નહિ.
'અડકું છું તે નથી ગમતું ?' વેલીએ પિતાને જવાબ આપવાને બદલે મંજરીને પ્રશ્ન પૂછ્યો.
જવાબમાં મંજરીને સહજ હસવું આવ્યું. અને વેલીને તેણે પોતાની સોડમાં વધારે દબાવી. વેલીને સ્વર્ગ મળ્યું હોય એમ લાગ્યું. પિતાની ફરિયાદ ખોટી હોવાનો વગર બોલ્યે પુરાવો મળ્યો.
થોડી વારમાં મંજરી ઘેર જવા માટે ઊઠી. બાળકોને જ નહિ પણ વ્યોમેશચંદ્રને પણ તેના જવાનો વિચાર અણગમતો થઈ પડ્યો. ઘવાયલા બાળકે મંજરીને જતી જોઈ પૂછ્યું :
'હવે તમે નહિ આવો?'
ખરા મનથી ઉચ્ચારેલાં બાળકોનાં વાક્યો પાછળ કેટલું બળ રહેલું છે તેની બાળકોને ખબર પડતી નથી. દુઃખીને તે ખડખડાટ હસાવી શકે છે : પથ્થર જેવા હૃદયને પિગળાવી નાખી નયનો દ્વારા તેને આંસુ રૂપે વહેવરાવી દે છે. જગતમાં બાળક ન હોત તો માનવી પશુ કરતાં પણ નીચલી ભૂમિકાએ હોત. વગર સમજ્યે, વગર જાણ્યે હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતાં બાળકો હૃદયને અણધારી ગતિ આપે છે.
'ના ભાઈ ! હું આવીશ હો ' કહી મંજરીએ વ્યોમેશચંદ્રની હાજરીમાં ઉચ્ચારેલાં ગણ્યાગાંઠયા વાક્યોમાં ઉમેરો કર્યો.
‘ત્યારે તમે જાઓ જ નહિ તો ?' વેલીએ આગ્રહમાં વધારો કર્યો.
મંજરી ફરી હસી.
‘તમે લોકો કાયર નહિ કરો.' કહી વ્યોમેશચંદ્રે મંજરીને જવા માટે સૂચન કર્યું.
મંજરી એક માણસ સાથે ઘેર પાછી આવી.