← સમુદ્રસ્નાન પત્રલાલસા
આશા
રમણલાલ દેસાઈ
૧૯૩૧
અસ્પૃશ્ય મિલન →




૨૯
આશા

સંધ્યાના આભ કેરે કાંઠડે ઉઘાડી મિટ
આશાની એક અલબેલડે ઉઘાડી મિટ.
નાનાલાલ

પરંતુ કુસુમના હાસ્યનો પ્રતિધ્વનિ મોટરના ભૂંગળામાં ઢંકાઈ ગયો.અવાજે એકાંતને ઓસારી દીધું. બંને સહજ ચમક્યાં. ભૂંગળું મદનલાલની મોટરનું હતું. મદનલાલનો શૉફર કપડાં લઈ નીચે ઊતર્યો. કુસુમ અને સનાતન બંનેએ પરસ્પરના સામું જોયું. બંનેનાં મુખ ઊતરી ગયાં. બંને પાણીમાંથી બહાર આવ્યાં. જાહેરસ્નાનની હિંદુ સમાજમાં બંધી નથી, પરંતુ પરપુરુષની સાથે એકાન્તસ્તાનની મનાઈ તો છે જ. મનાઈ નહિ તો તેવા સ્નાન માટે આદર તો નથી જ.

સદ્ભાગ્યે મદનલાલ મોટરમાં નહોતા. તોય એક પ્રકારનું ઓશિયાળાપણું બંનેમાં આવી ગયું.

કપડાં બદલી રહેલા સનાતનના હાથમાં શૉફરે ચિઠ્ઠી મૂકી. કુસુમને ભય લાગ્યો. સનાતનને રજા આપી હશે કે શું ? મદનલાલે જાણીને જ પોતાની મોટરમાં કપડાં મોકલ્યાં હશે ? સનાતન સાથે કુસુમ એકલી સમુદ્રસ્નાન માટે જાય એ મદનલાલને ન જ ગમે એટલું સમજવાની શક્તિ કુસુમમાં હતી. તેણે પૂછ્યું :

'શું લખ્યું છે?'

'મને અત્યારે જ ઘેર બોલાવે છે.' સનાતને કહ્યું.

'કોણ ?'

'શેઠસાહેબ.'

કુસુમ કાંઈ બોલી નહિ. સનાતન વિચારમાં પડ્યો. કુસુમે મદનલાલને ન જોયા એટલે તેનું ઓસરેલું આત્મબળ પાછું ઊભરાયું.

'શું કારણ હશે?' સનાતને અડધું પોતાની જાતને અને અડધું કુસુમને પૂછ્યું.

'જે હશે તે. ચાલો મારી સાથે પાછા.' કહી કુસુમ મોટરમાં બેઠી, અને સંકોચાતા સનાતનને તેણે પોતાની સાથે જ બેસાડ્યો.

લંબાઈનો ખ્યાલ ભુલાવતી મોટર જોતજોતામાં બંગલે આવી પહોંચી. મદનલાલ બારણા આગળ ઊભા હતા. પતિ પત્ની તરફ ભલે બેદરકાર રહે; પરંતુ પત્નીનું સમગ્ર ધ્યાન પોતાનામાં જ પરોવાયલું રહે એમ તે માગે છે. મદનલાલની આંખમાં સ્પષ્ટ અણગમો દેખાયો. કુસુમ અને સનાતન એક મોટરમાંથી સાથે ઊતરે એ દ્રશ્ય તેમને પસંદ પડ્યું લાગ્યું નહિ. પતિની ઉદારતાને પણ સીમા હોય છે. અન્ય પુરુષની સાથે સ્નાન કરી રહેલી પત્ની તે પુરુષને સ્નાન પછી પણ સાથે રાખ્યા કરે એ પતિથી ભાગ્યે જ જોયું જાય. જ્યાં સુધી પત્નીત્વ જોડે માલિકીની ભાવના ભળેલી છે ત્યાં સુધી સ્નેહ સાથે ઈર્ષા જોડાયેલી જ સમજવી.

પરંતુ એક ક્ષણમાં જ મદનલાલે મુખ ઉપરનો અણગમો દૂર કરી દીધો. અત્યંત ભાવથી તેમણે સનાતનને બોલાવ્યો :

‘આવો, આવો સનાતન ! તમને ચિઠ્ઠી મળી એ બહુ સારું થયું.'

મદનલાલના મુખ ઉપરનો ક્ષણિક અણગમો વર્તી ગયેલી કુસુમને શંકા પડી કે તેણે પરખેલો અણગમો માત્ર ભ્રમરૂપ પણ હોય, પોતાની શંકાના પડછાયારૂપ પણ હોય.

'આપે ચિઠ્ઠી મળતાં બરોબર આવવા લખ્યું હતું એટલે હું આવ્યો છું. કાંઈ કામ હશે.' સનાતને કહ્યું.

'અત્યારે જ કામ છે, અને તે જરૂરનું કામ છે. માટે જ તમને બોલાવ્યા.' મદનલાલ બોલ્યા.

'બેશક આપ હુકમ કરો.'

'હુકમ ?... હા... હા...! જુઓ. તમે ગોઠવેલી યોજના અમારા ડિરેક્ટરોએ કબૂલ રાખી અને હડતાલ શમી ગઈ એ બદલ હું તમને થોડું ઈનામ આપવા માગું છું.' અંદર જતાં જતાં મદનલાલ બોલ્યા. ત્રણે જણ દીવાનખાનામાં જઈને બેઠાં, અને મદનલાલે દસ હજારનો એક ચેક લખી, ફાડી, સનાતનના હાથમાં મૂક્યો.

ચૅક જોઈ સનાતન સ્તબ્ધ બની ગયો. એકસામટા સો રૂપિયા જોવાની જેને મુશ્કેલી હતી તેના હાથમાં એથી સો ગણી રકમ આવી પડે ત્યારે તેને ચમકાવનારી નવાઈ લાગે એમાં આશ્ચર્ય નથી. ક્ષણભરમાં સનાતન સ્વસ્થ થયો. સ્વાસ્થ્ય આવતાં તેને લાગ્યું કે એ રકમ લેવાની તેની પાત્રતા નહોતી. ચેક પાછો ધરી સનાતન બોલી ઊઠ્યો :

'નહિ, જી ! મેં એવું કાંઈ જ કર્યું નથી કે જેથી હું આટલી ભારે રકમ લઈ શકું. એ તો વગર મહેનતના - ખોટા પૈસા ગણાય.'

મદનલાલ ખડખડ હસ્યા અને બોલ્યા :

'અરે ! તમે તો તદ્દન ભલા માણસ છો ! આ તો હું તમને કશું જ આપતો નથી. બીજા કોઈ પંચ કે લવાદ નીમ્યા હોત. તો તેમની પાછળ કેટલું ખર્ચ કરવું પડત તેનો તમને ખ્યાલ નથી. વળી બીજે બધે હડતાલ છે અને હું બચી ગયો એમાં મને કેટલો નફો થયો તે જાણો છો ?'

'પણ, શેઠસાહેબ ! મહેનતના પ્રમાણમાં બદલો હોય. મને આમાં કેટલી મહેનત પડી છે તે હું જાણું ને ! આટલી બધી રકમ લેવી મને તો અન્યાયરૂપ લાગે છે.'

મદનલાલ અને કુસુમ આ વેદિયાપણું નિહાળી પરસ્પરની સામે જોઈ રહ્યાં. ઈનામ લેનારા ઘણા મળે છે, ઈનામની ના કહેનારા શોધ્યા જડતા નથી. સહજ હસીને કુસુમ બોલી :

'આ તે કેવા વિચિત્ર માણસ છે !'

મદનલાલે કુસુમનો ઉદ્દગાર ધ્યાનથી સાંભળ્યો, અને ધ્યાનથી કુસુમના મુખભાવ નિહાળ્યા. હસતે હસતે તેઓ બોલ્યા :

'અને હજી તો તમારી પાસેથી બીજાં કામ લેવાં છે, સમજ્યા ?'

'આપ તે કહો. ખુશીથી કરીશ.' સનાતન બોલ્યો.

'પણ જ્યાં સુધી તમે આ ઈનામ ન લ્યો ત્યાં સુધી હું તમને કશું કામ સોંપીશ નહિ. જુઓ, અમારા ધંધામાં વખત ઉપર આવા પૈસાનો હિસાબ હોય જ નહિ. કુસુમ ! તું આપ જોઈએ ? તારે હાથે લેશે.' મદનલાલે કહ્યું.

મદનલાલ ભલે ઘણું ભણ્યા ન હોય; વ્યાપારની આંટીઘૂંટી અને અનુભવે તેમનામાં એક પ્રકારની હોશિયારી આણી દીધી હતી. તેમને અમુક રીતના દાવપેચ રમતાં આવડી ગયું હતું.

મદનલાલનો મર્મ કુસુમ સમજી ન હતી. નાના મેજ ઉપર મૂકી દીધેલો ચૅક કુસુમે હાથમાં લીધો, અને સનાતનના હાથમાં તે જોરથી મૂકતાં બોલી : .

'મારા સોગન જે ન લે તેને !'

સનાતનથી કુસુમના હાથને તરછોડ્યો નહિ. ઝડપથી બે-ત્રણ વખત આંખો મટમટાવી મદનલાલ બોલ્યા :

'ઠીક કર્યું. હવે હું તમને એક ખાસ કામ સોંપું છું. તમે ફતેહમંદ થશો તો તેમાં તમારું નસીબ પણ ખીલી નીકળશે.'

સનાતન અને કુસુમ આવા નસીબ ખીલવનારા કાર્યની હકીકત સાંભળવા એકચિત્ત થયાં. મદનલાલના એક મિત્ર અમુક શહેરમાં વસતા હતા. મદનલાલને મુખે એ શહેરનું નામ સાંભળી સનાતન ચમકી ઊઠ્યો. એ જ શહેરમાં તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો ! એની મંજરી એ જ શહેરમાં હતી ! મંજરીના વિચારે તેને વિકળ બનાવ્યો. તેણે કાર્યની રૂપરેખા મદનલાલ પાસે આતુરતાથી સાંભળી. ઈનામનું વિષમ પ્રમાણ તે વીસરી ગયો.

'જુઓ, એક મારા મિત્ર મોટા જાગીરદાર છે. એમની જમીનોમાં કપાસનું વાવેતર ઘણું કરાવે છે. એમને પોતાના શહેરમાં જ એક મિલ ઉઘાડવી છે. બહુ દિવસથી તેમનો વિચાર ચાલ્યા કરે છે. ત્યાં આજ ને આજ - રાતમાં જ જાઓ. અને તત્કાળ બધી વિગત નક્કી કરી આવો. હાલનો સમય ખરેખરો અનુકૂળ છે. બેકાર મજૂરો ત્યાં ગોઠવાઈ જશે; મારા મિત્રથી એક મિલ કાઢી શકાશે; અને મજૂરો જતાં અહીંની કેટલીક મિલોમાં તાળાં લાગશે, તથા આપણા વિરુદ્ધની હરીફાઈ તદ્દન ઓછી થઈ જશે.' શેઠ બોલ્યા. તેમની વ્યાપારી યોજનાશક્તિમાં અંગત લાભ સાથે મિત્ર લાભ કરવાની કુશળતાનો વિચાર સહુને વિસ્મય પમાડે એવો હતો. પરંતુ કુસુમ ચમકી. વ્યાપારી કૌશલ્ય સાથે સાંસારિક યુક્તિઓમાં પણ મદનલાલ પાવરધા બની ગયેલા તેને લાગ્યા.

'સનાતનને અહીંથી કાઢવાનો આ રસ્તો હશે શું ?' કુસુમના હૃદયમાં વિચાર ચમક્યો.

'સાહેબ ! આપનો આભાર માનું છું, પરંતુ મને એ બાબતમાં કશી જ ગમ નથી. કોઈ માહિતગાર માણસને મોકલો તો ?' સનાતને કહ્યું.

'માહિતગાર માણસો અંદરથી પોતાનો સ્વાર્થ સાધશે. તમે પ્રામાણિક છો, અને તમને આમ મોકલીશ તો તમને પણ ધંધાની માહિતી થશે, તમને ત્યાં કશી હરકત નહિ પડે. સાથે એક નોકર લઈ જજો.’

'આમ તો એ શહેર મારું જાણીતું છે. બધો અભ્યાસ મેં ત્યાં જ કર્યો હતો. એ ગૃહસ્થનું નામ શું ?'

'વ્યોમેશચંદ્ર. બહુ સારા માણસ છે. તમારા જેવાને એમની સાથે વાત કરતાં જરૂર ફાવશે. મારી માફક એમને પણ તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેસશે. કેમ, ખરું ને ?' કહી મદનલાલે કુસુમની સામે જોયું.

કુસુમ કચવાઈ. સનાતન સરખા રસિક વિદ્વાન પુરુષને મિલ જેવા હલકા કામમાં કોઈ નાખે એ તેને સુરુચિનો ભંગ કરવા સરખું લાગ્યું. વળી સનાતન દૂર જાય તો એના અભ્યાસક્રમમાં - તેના વિકાસ પામતા સાહિત્યજીવનમાં ખામી આવવાનો કુસુમને સકારણ ભય ઊપજ્યો. સનાતનને દૂર ખસેડવાની વાત તેના હૃદયને ગમે તે કારણે ખૂંચવા લાગી. કુસુમે પોતાનો વાંધો જાહેર કર્યો :

'સનાતનને આવા મેલા ધંધામાં ક્યાં નાખો છો ?'

‘એટલે ? મિલનો ધંધો મેલો છે ?' મદનલાલે હસતાં હસતાં પૂછ્યું.

'નહિ ત્યારે ?'

'મારાં અને તારાં કપડાં ત્યાં જ થાય છે.'

'અ... અને મારું વાચન એમનું એમ રહેશે તે ?'

'સનાતન તો કહેતા હતા કે હવે તું તારી મેળે બધું જોઈ શકે એમ છે.'

‘એ તો કહે. મને ન ફાવે એમના વગર. મારા લેખો બધા અધૂરા રહેશે.'

'બીજા કોઈ ગ્રેજ્યુએટને રોકીશું. એમાં શું? અને વળી સનાતન ક્યાં નાસી જવાના છે ? વખત બે વખત એમને પણ આપણે બોલાવી શકીશું.'

'એમની સાથે વાંચવું લખવું ફાવી ગયું છે અને તમે એમને બીજે કામે રોકો છો !' જરા લાડથી છણકાઈને કુસુમ બોલી. લાડનો અસરકારક ઉત્તર મદનલાલની પાસે હતો. તેમણે કહ્યું :

'તે તું જાણે અને સનાતન જાણે. આ તો સનાતનનું ભવિષ્ય સુધારવાની તક મળે છે. એ જતી કરવી હોય તો તારી મરજી.'

કુસુમની પાસે આ દલીલનો ઉત્તર ન હતો. ખટકતે હૃદયે તે બેસી રહી. સનાતન છેવટના ભાગમાં લગભગ અવાક બની ગયો હતો. આગ્રહપૂર્વક અપાતા ચૅકમાં તેને મુલતવી રહેતી શક્યતા એકદમ ઊઘડતી લાગી. શહેરનું નામ સાંભળતાં મંજરીની હૃદયસ્થ પ્રતિમામાં પ્રકાશ ઊઘડતો લાગ્યો. અને પોતાને જવાની યોજના સાંભળતાં તેનાં સ્વપ્ન સિદ્ધ થતાં લાગ્યાં.

હવે તે પત્ર કેમ ન લખી શકે ? દસ હજારની રકમ તેના હાથમાં આવી હતી અને મિલઉદ્યોગમાં સારું સ્થાન મળે એવી કોઈ અસ્પષ્ટ યોજના તકદીર ઘડતું હતું. મંજરીનું પોષણ કરવાની શક્તિ તેનામાં આવી ગયેલી દેખાઈ. જીવનની પ્રથમ ધનપ્રાપ્તિ મંજરીને જ નામે મૂકવાનો તેણે નિશ્ચય કર્યો. પછી એ કુલીન કન્યાને લગ્ન ભારરૂપ ન જ થઈ પડે. ત્યાં જતાં જ મંજરી મળશે, અને.. તે પોતાની થશે. એ કુમળા વિચારે સનાતનનું હૃદય ધબકી ઊઠ્યું.

મદનલાલને અને કુસુમને સમજ ન પડે એવી સરળતાથી અને ઝડપથી સનાતને મદનલાલની યોજના સ્વીકારી લીધી. શહેરના નામ સાથે જ તેની આંખમાં ઊંડું ઊંડું તેજ ચમકવા લાગ્યું. જાગ્રત છતાં તે કાંઈ સ્વપ્ન જોતો હોય એમ કુસુમને ભાસ થયો. કુસુમને આ યોજના જરાય ગમી નહિ, પરંતુ મદનલાલ અને સનાતન બંનેની સંમતિ તેમાં મળી. રાત્રે ને રાત્રે જ વ્યોમેશચંદ્રને તારથી ખબર મળી. અને એક દિવસ વચમાં જતો કરી ત્રીજે દિવસે સવારે નીકળવા સનાતને કબૂલ કર્યું.

બહુ દિવસથી પત્ર લખવાની તક ખોળતા સનાતનને તે તક મળી ગઈ. મંજરીને પત્ર લખવાની તેને તાલાવેલી લાગી, કુસુમના આગ્રહને માન્ય ન કરી તે ઝડપથી ઘેર જતો રહ્યો.

મદનલાલ પણ કાંઈ ન સમજાય એવી ખુશી વ્યક્ત કરતા દેખાયા. કુસુમ અને સનાતનને પરસ્પરથી દૂર રાખવાના ઉદ્દેશથી તેમણે માંડેલી રમતમાં તેમને વિજય મળ્યો. સનાતન અને કુસુમના વધતા જતા પરિચયથી કેટલાક સમયથી મદનલાલને અણગમો થવા માંડ્યો હતો. કુસુમ અને સનાતન આજે સાથે સ્નાન કરતાં હતાં એ ખબર કપડાં લેવા આવેલા શૉફર દ્વારા પડતાં તેમનો અણગમો વધી પડ્યો, અને બંનેને છૂટાં પાડવા માટે તાત્કાલિક યોજના તેમણે ઘડી કાઢી. અલબત્ત, વ્યોમેશચંદ્રને મિલ કાઢવામાં સલાહ અને સહાય આપવાની વાત કેટલાક સમયથી ચાલતી જ હતી. પરંતુ તેમાં સનાતનને યોજી દેવાનો વિચાર તીવ્રપણે મદનલાલને આજે જ આવ્યો. મિલની હડતાળના અંગે તેણે કરેલી સહાયનો યત્‌કિંચિત બદલો પણ સાથે સાથે આપવાની તેમની ઇચ્છા ફળીભૂત થાય એમ હતું. તેમની યુક્તિ સફળ થઈ.

સનાતને રાત્રે ઘેર જઈ ઝડપથી કાગળ લખવાની શરૂઆત કરી. પરંતુ તેને પત્ર લખતાં મહાભારત મુશ્કેલી નડી. મંજરીને સંબોધન કેવી રીતે કરવું તેની ગોઠવણમાં જ અડધી રાત નીકળી ગઈ. અંતે તેણે પત્ર પૂરો. કર્યો. પ્રેમીઓના પત્ર વાંચવા સરખા હોતા જ નથી. તેમાં શું હોય ? એનો એ શબ્દાડંબર, એના એ ભાવ અને એના એ ઊભરા ! સર્વ પ્રેમીઓના પત્રો ભેગા કરતાં પ્રત્યેકમાં કંટાળો ઉપજાવતું એકતાનપણું જ સંભળાયા કરશે.

પરંતુ એ અભિપ્રાય અપ્રેમીનો - ત્રાહિતનો છે. જેણે પત્રો લખ્યા હોય અને જેને ઉદ્દેશીને લખાયા હોય તેમનો એ અભિપ્રાય નથી જ. પ્રેમીઓ તો માને છે કે પત્રોમાં તેમનાં જિગર ઠલવાય છે. મોડી રાત્રે પૂરો થયેલો પત્ર સવારમાં જ ટપાલમાં પડ્યો. જાણે વહેલો પત્ર ટપાલમાં નાખવાથી તે વહેલો પહોંચવાનો ન હોય !

ત્રીજે દિવસે એ મુંબઈથી નીકળ્યો. નીકળતા પહેલાં તે કુસુમને મળ્યો. સનાતનના મુખ ઉપરનો ઉત્સાહ કુસુમને ન સમજાયો. કુસુમે આગ્રહ કરીને કહ્યું :

'પાછા વહેલા જ આવશો ને ?'

'હા, કામ પૂરું થયે તરત પાછો ફરીશ.' સનાતને કહ્યું.

પરંતુ સનાતનના દેહમાં કાંઈ જુદું જ ચાંચલ્ય દેખાતું હતું. કુસુમે ધાર્યું કે ભવિષ્ય ઊજળું કરવાની અભિલાષા સનાતનને આમ ઉત્સાહ અર્પતી હતી. કુસુમે નિઃશ્વાસ નાખ્યો. તેને લાગ્યું કે ધનમાં રસિકતા હોમાય છે, રસવૃત્તિ ઉપર લક્ષ્મી વિજય મેળવે છે ! જતે જતે તેણે સનાતનને કહ્યું :

'અહં, બહુ પૈસાની લાહ્યમાં પડશો નહિ. આ કુમળું મુખ કઠોર બની જશે.'

મંજરીની મૂર્તિ નિહાળતા સનાતને ક્ષણભર મંજરીને વિચારી. કુસુમના હૃદયને તે જોઈ રહ્યો.