← અસ્પૃશ્ય મિલન પત્રલાલસા
ગજગ્રાહ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
કરાલ નિશ્ચય →



૩૧
ગજગ્રાહ

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર,
સખી ટહુકારમાં જીવવું મોંઘાં મોર દિદાર.
નાનાલાલ

એકાગ્ર બની ગયેલાં સનાતન અને મંજરીને વ્યોમેશચંદ્ર આવ્યાની ખબર પડે નહિ એ સ્વાભાવિક હતું. મકાન ઘણું મોટું હતું. જાગીરદારની જાહોજલાલી રાતના અવરજવરને નિત્યનો ક્રમ બનાવતી હતી. વ્યોમેશચંદ્ર ઘવાયલી સ્થિતિમાં પાછા ફર્યા એથી થતો વિશેષ ગરબડાટ પરસ્પરના સાનિધ્યમાં અણઓળખાયેલો રહ્યો. બંનેનું માનસ એવી તીવ્ર લાગણીઓ અનુભવતું હતું કે તેમને પ્રત્યક્ષ સમાચાર સંભળાય નહિ ત્યાં સુધી તેમનાથી પરસ્પરને છોડાય એમ નહોતું. ત્રાહિત માનવીની પણ ઘવાયલી સ્થિતિ અન્ય કુમળા ભાવોનું તિરોધાર કરે છે. આજ તો ઘરનો માલિક ઘવાયેલો હતો.

પલંગ ઉપર સૂતેલા વ્યોમેશચંદ્રની મીંચાતી ઊઘડતી આંખ કોઈને ખોળતી હતી. તેમની પાસે નોકરો ઊભા હતા, એક-બે બાળકો ઊભાં હતાં, પરંતુ તેમની વિકળતા શમતી ન હતી. તેમના ઘા ઉપર પાટા બંધાતા હતા. ડૉક્ટર માટે એક માણસ દોડ્યો જ હતો. આવતા બરોબર વ્યોમેશચંદ્રે મંજરીને સંભારી. મંજરી ઉપર જાસૂસી કર્યા કરતી લક્ષ્મી જાણતી હતી કે ઘવાયલી મંજરી પોતાના ઘા રુઝવવા - કે તાજા કરવા મધરાતે ક્યાં ગઈ હતી ? તે મહેમાનના ઓરડા તરફ ગઈ. થોડી વાર ત્યાં છુપાઈને તે ઊભી રહી. બંનેની વાતચીતના આછા ટુકડા તેણે સાંભળ્યા. મંજરીનો સનાતન સાથે નાસી જવાનો નિશ્ચય તેણે સાંભળ્યો એટલે તેણે જાહેર થઈ બધી હકીકત કહી.

સનાતન અને મંજરી બંનેની માનવતાએ પરસ્પરના પ્રેમસંસ્મરણને અટકાવી દીધું. પ્રેમ એ સર્વોત્કૃષ્ટ ભાવ હશે - છે જ. પરંતુ સ્વમાન અને કરૂણાના ભાવો પ્રેમનો પણ ભોગ માગે છે. વ્યોમેશચંદ્રના પલંગ પાસે પહોંચતાં જ બંને પ્રેમીઓને સમજાયું કે વ્યોમેશચંદ્રની વિકળ આંખ મંજરીને ખોળતી હતી.

'બહેન ! જરા પાસે તો જાઓ ?' લક્ષ્મીએ ચાલાકીભર્યું સૂચન કર્યું.

મંજરી પલંગ ઉપર બેસી ગઈ. વ્યોમેશચંદ્રે મંજરીનો હાથ પકડી લીધો; મંજરીએ તેમાં વાંધો લીધો નહિ કે અણગમો બતાવ્યો નહિ. ઊલટું બીજે હાથે તેણે વ્યોમેશચંદ્રના કપાળ ઉપર આવી ગયેલા વાળ સહજ ઊંચા કર્યા.

વ્યોમેશચંદ્રની વિકળતા શમી ગઈ. તેમણે આંખ મીંચી. તેમના મુખ ઉપર એક પ્રકારની શાંતિ છવાઈ. મંજરીની આંખ ક્ષણ માટે સનાતનની આંખ સાથે મળી. અને મંજરીએ દ્રષ્ટિ ફેરવી લીધી.

ડૉક્ટર આવતાં વ્યોમેશચંદ્રે આંખ ઉઘાડી. મંજરી તેની પાસે જ બેઠેલી હતી. મંજરીનો હાથ વ્યોમેશચંદ્રના હાથમાં જ હતો. ડૉક્ટરની સારવાર કરતાં મંજરીનો હાથ વ્યોમેશચંદ્રને વધારે આરામ આપતો હતો.

રડતાં છોકરાં અને માણસોને વ્યોમેશચંદ્રે કહ્યું :

'ગભરાવાનું કારણ નથી.'

ડૉક્ટરે પણ તેમ જ જણાવ્યું. પરંતુ પાટા બાંધી દવા આપ્યા પછી મંજરીને એક બાજુએ બોલાવી ડૉક્ટરે ખાસ કાળજી રાખવા જણાવ્યું. જરા સરખી નિષ્કાળજી વ્યોમેશચંદ્રને ઘાતક નીવડે એવો સંભવ ડૉક્ટરે બતાવ્યો. મંજરીના પોતાના હાથ વગર પાટા છોડવા, બાંધવા કે દવા આપવાની તેમણે મના કરી.

વ્યોમેશચંદ્રના કેટલાક ખેડૂતો વર્ષોથી તેમને સાથ આપતાં નહોતા. ખેડૂતોની સ્થિતિ પરત્વે દયા ખાઈ વ્યોમેશચંદ્રે બે-ત્રણ વર્ષ ખેડૂતોને માફી આપી. પરંતુ એ માફી ખેડૂતોને હક બની ગઈ લાગી. જમીનનો ખરો માલિક ખેડૂત કે જમીનદાર એ પ્રશ્ન ધીમે ધીમે તીવ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે. સુખી જન્મના અકસ્માતે જમીનદારો જમીનની માલિકી લઈ બેસે અને તલપૂર મજૂરી વગર મજૂરોના નફામાંથી સારો લાભ મેળવે એ સામાજિક ન્યાય કે અન્યાય ગણાય એ પ્રશ્નની ચર્ચા નિરુપયોગી છે. જે તે સમય એ પ્રશ્નનું નિરાકરણ કર્યું જાય છે. તથાપિ જમીનદારો પોતાની માલિકી માનતા કે મનાવતા અટકે એ પહેલાં જમીનદારો અને ખેડૂતોના માનસમાં ભારે ક્રાન્તિ થવાની જરૂર છે. એ માનસક્રાન્તિ સ્થૂલ રૂપ ધારણ કરે છે. દીવાની ફોજદારી કરી વ્યોમેશચંદ્રે જમીન ઉપરથી કઢાવી મૂકેલા ચાર-પાંચ ઉગ્ર ખેડૂતોએ વ્યોમેશચંદ્રનું ખૂન કરવાનો નિશ્ચય કરી નાખ્યો હતો.

માનવીનું હૃદય ગુનો કરવા પ્રેરાય છે ત્યારે તેને પ્રમાણનો જરાય ખ્યાલ રહેતો નથી. સમાજની અવ્યવસ્થિત ઘટના ઘણા ઘણા ગુનાઓની માતા છે - પછી એ માલિકી જમીનની હોય કે સ્ત્રીની હોય. વ્યક્તિગત માલિકી નાબૂદ થાય તો દીવાની ફોજદારી કાયદાઓનો મોટો ભાગ નિરપયોગી બની રહે, અને માનવી ગુનો અને સજા તેમ જ અદાલત-વકીલોની ભયંકર ચુંગાલમાંથી ઊગરી જાય.

વ્યોમેશચંદ્રના હિતચિંતક ખેડૂતોમાંથી કોઈ કોઈએ તેમને ચેતવણી આપી હતી. પરંતુ એક કુશળ, બહાદુર અને અનુભવી જમીનદાર તરીકે તેમને ખેડૂતોના ભયંકર નિશ્ચયનો જરાય ડર લાગ્યો નહિ. મોટા જમીનદારો અને વ્યાપારીઓને એવી ધમકી બીજાઓ મારફત સાંભળવા નિત્ય પ્રસંગો આવે છે. એ ધમકીઓને માની તેમનાથી ડરી જવાની નામર્દાઈ બતાવનારથી મિલકતની વ્યવસ્થા થઈ શકે નહિ. તેમણે ગામડે જઈ બીજા ખેડૂતોને જમીન આપવા નિશ્ચય કર્યો. મૂળના તોફાની ખેડૂતોની ઉપરવટ થઈ બીજા ખેડૂતો જમીન રાખવા તૈયાર થયા નહોતા. કેટલાક પ્રયત્ન પછી પરગામના ખેડૂતોએ જમીન રાખવા કબૂલ કર્યું હતું, એટલે ગામડે જઈ પોતાનો દાબ બેસાડી પોતાના ધાર્યા ખેડૂતોને જમીન આપવાની સામાન્ય ક્રિયા વ્યોમેશચંદ્રને કરવાની હતી. તે કરવાનો તેણે નિશ્ચય કર્યો હતો. મિલ કાઢવાના કામે આવનાર પ્રતિનિધિને રોકીને પણ આ કાર્ય કરવાની જરૂર તેમને દેખાઈ હતી. એટલે સનાતન આવવાનો હતો છતાં વ્યોમેશચંદ્ર ગામડે જવા તૈયાર થયા, અને પોતાનાં માણસોને આગળ મોકલી એકલા ઘોડા ઉપર તેઓ ગામડે જવા નીકળ્યા.

સંધ્યાકાળ થતાં તેઓ પોતાના એક ગામડામાં આવ્યા. ત્યાંના ખેડૂતોએ પોતાના જમીનદારને ખૂબ માન આપ્યું. ખેડૂતોની સાથે તેમનાં સુખદુઃખની વાત કરી તેમને મેળવી લેવાનો પ્રયત્ન કરતાં વ્યોમેશચંદ્રને એ ગામમાં ખૂબ વાર થઈ ગઈ. રાત્રે ત્યાં જ રહેવાનો આગ્રહ ગામડિયાઓએ કર્યો છતાં તેઓ બીજે ગામ જવા સજ્જ થયા. સાથમાં બે વરતણિયા લઈ લીધા.

ગામને સીમાડે પહોંચતાં પહેલાં એક ઝાડીમાંથી બુકાની બાંધેલા પાંચ-સાત માણસો ડાંગ અને ધારિયા સાથે નીકળી આવ્યા. વરતણિયા ચેત્યા. તેમણે ગામની આણ દીધી.

'હરામખોરો ! જો આગળ વધ્યા તો કાલે જીવતા બાળી મૂકશું.' એક વરતણિયાએ કહ્યું.

'કાલની વાત કાલ. આજ તો અમારો દાવ છે.' ટોળીનો આગેવાન બોલ્યો. ડાંગ ઉપાડી ટોળું આગળ વધી આવ્યું.

'‘સાહેબ ! ઘોડો મારી મૂકો.' બીજા વરતણિયાએ કહ્યું. 'જા, જા મગદૂર છે મારા ઉપર કોઈ હાથ કરે !' વ્યોમેશચંદ્રે કહ્યું.

જન્મભરની જમીનદારીએ તેમનામાં એક જાતની નિર્ભયતા અને અભિમાન વિકસાવ્યાં હતાં.

વ્યોમેશચંદ્રના કથનના જવાબમાં એક જબરજસ્ત ફટકો તેમના ઉપર પડ્યો. તેઓ જમીન ઉપર પડી ગયા. પોતાની મહત્તાનો વિચાર માનવીને બહાદુર અને ઝનૂની બનાવી શકે છે. વ્યોમેશચંદ્ર ઊભા થઈ ટોળામાં ઘૂસી ગયા, અને તેમનાથી બને એવી રીતે પ્રહાર કરવા અને ઝીલવા લાગ્યા. વ્યોમેશચંદ્રને સાચવવા મથતા બંને વરતણિયાઓએ સામનો કરી ભારે બુમરાણ મચાવ્યું. ફરતા બબ્બે ગાઉ દૂરના માણસો સાંભળે એવી બૂમો પાડી તેમણે અંગ ઉપર - અગર ડાંગ ઉપર ફટકા ઝીલ્યા છતાં વ્યોમેશચંદ્ર અને વરતણિયા ત્રણે ખૂબ ઘવાયા.

બૂમો અને ધાંધળ સાંભળી ગામ અને ખેતરમાં સૂતેલા ખેડૂતો જાગ્રત થઈ ગયા, અને હાથમાં બળતા કાકડા કે ફાનસો લેઈ આવતા દૂરથી દેખાયા. દીવાનો પ્રકાશ જઈ ટોળીવાળા હરામખોરો નાસી જવા લાગ્યા.

વ્યોમેશચંદ્રે નાસતી ટોળીમાંથી એક બોલ સાંભળ્યો :

‘અમને જમીન ન આપી તો હવે જોઈએ તમે કેવી વાપરો છો !'

વ્યોમેશચંદ્રને ખાતરી થઈ કે આ બધું તોફાન કાઢી મૂકેલા ખેડૂતોનું છે. લોકો આવી પહોંચતાં તેમણે વ્યોમેશચંદ્રને ઓળખ્યા. લોકો દિલગીર થયા. કેટલાક આજુબાજુ હરામખોરોને પકડવા દોડ્યા. અને કેટલાક ગામમાંથી ગાડું-ગોદડાં લઈ આવ્યા.

વ્યોમેશચંદ્રે ઘેર જવાની ઇચ્છા દર્શાવી. ટોળાબંધ માણસો સાથે ગાડામાં ઘવાયેલા વ્યોમેશચંદ્ર ઘેર આવ્યા તે વખતે મધરાત વીતી ગઈ હતી. ડૉક્ટરે આવી સારવાર કરી. મંજરીને બધી સૂચનાઓ આપી. મંજરી વ્યોમેશચંદ્રની પાસે બેઠી અને તેમને ઊંઘ આવી ગઈ.

વ્યોમેશચંદ્રને નિદ્રા આવેલી જોતાં મંજરીએ ઓરડામાં નજર ફેરવી. સનાતન ત્યાં ન હતો. છોકરાં સૂઈ ગયાં હતાં. ચકોર લક્ષ્મી પાસે જ હતી. તેણે કહ્યું :

‘મહેમાન સૂઈ ગયા છે.'

'બહુ સારું.' કહી મંજરી છણકાઈ, અને પલંગ ઉપરથી ઊઠી. તેના ખસતા બરોબર વ્યોમેશચંદ્ર જાગી ઊઠ્યા. તેમણે દયામણે અવાજે કહ્યું :

'મંજરી.'

મંજરી પાછી વળી અને પલંગ ઉપર બેઠી. 'બહુ ન જાગીશ. હવે સૂઈ જા.'

'મને ઊંઘ નથી આવતી.'

'ઊંચો જીવ ન રાખીશ. તું નજર સામે હોઈશ તો મને મટી જશે.' વ્યોમેશચંદ્રે કહ્યું. મંજરી જરા શરમાઈ.

'બોલવાની ડૉક્ટર સાહેબે ના પાડી છે.' મંજરીએ દર્દીને સૂચના આપી.

‘મારી આંખ ઊઘડે તે વખતે હું તને જોઉં એમ કર.' વ્યોમેશચંદ્રે કહ્યું.

'બહેન અહીં જ સૂશે.' લક્ષ્મીએ બન્ને ઉપર ઉપકાર કર્યો.

મંજરીથી પલંગ છોડાયો નહિ. તેનું મન અને શરીર બંને થાકી ગયાં હતાં. વ્યોમેશચંદ્રના પલંગ ઉપર જગા હતી જ. પલંગની મચ્છરદાનીને માથું ટેકવી તે સહજ આડી પડી - જોકે તેને માટે બીજો પલંગ પથરાયેલો હતો જ; વિચિત્ર સ્વપ્નો અનુભવતી મંજરી આમ સૂતી તે જ વખતે ગામમાં કૂકડાનો સ્વર સંભળાયો. પ્રભાતની તૈયારી થઈ રહી હતી. કલાકેક આમ મંજરી સૂતી અને સવાર થઈ ગયું. મંજરી ઝબકીને જાગી. કોઈ સ્વપ્ન તેને પજવતું હતું. સનાતન અને વ્યોમેશ તેના હાથ ખેંચતા હતા ! સનાતનનો હાથ ગમતો હતો. પરંતુ વ્યોમેશચંદ્ર તરફ તે ઘસડાતી હતી. આ ભયંકર ગજગ્રાહથી ગભરાઈ તે જાગી ગઇ. તેણે માથું ઊંચક્યું. વ્યોમેશચંદ્ર જાગતા હતા. તેમની અને મંજરીની આંખ મળી.

'આમ સૂઈ રહી? શા માટે ?' વ્યોમેશચંદ્ર પૂછ્યું.

મંજરીએ જવાબ ન આપ્યો. પરંતુ તે પલંગ ઉપરથી ઊઠી અને વ્યોમેશચંદ્રના મસ્તકેથી જરા ખસી ગયેલા પાટાને સમારવા લાગી.

વ્યોમેશચંદ્રને સ્વર્ગ મળ્યું. તેમને જીવવાનું મન થયું. આવી સ્નેહાળ મંજરીને પૂરી ન સમજવા માટે તેમને પોતાના સ્વભાવ ઉપર કંટાળો આવ્યો.

લક્ષ્મી એકાએક ઓરડામાં આવી બોલી ઊઠી :

'પેલા મહેમાન તો દેખાતા નથી.'

'કયા મહેમાન ?' વ્યોમેશચંદ્ર પૂછ્યું.

'કાલે આવ્યા હતા તે'. લક્ષ્મીએ કહ્યું.

'મુંબઈથી આવનાર હતા તે ?'

'હા.' લક્ષ્મી બોલી.

'ક્યાં ગયા ?' વ્યોમેશે પૂછ્યું.

'ખબર નથી.' 'શા ઉપરથી જાણ્યું ?'

'ચહા આપવા નોકર તેમના ઓરડામાં ગયો. ત્યાં ન મળ્યા એટલે આખું ઘર બધા ખોળી વળ્યા પણ જડતા નથી.'

મંજરી શાંત બેસી રહી. તેની આંખ સખ્ત બની ગઈ. વ્યોમેશચંદ્રે ફરી આખું ઘર ખોળાવ્યું, સનાતનનો પત્તો લાગ્યો નહિ. કલાક, બે કલાક, ત્રણ કલાક રાહ જોયા છતાં સનાતન દેખાયો નહિ, એટલે વ્યોમેશચંદ્રે મુંબઈ તાર કરી મદનલાલને ખબર આપી.

મદનલાલ અને કુસુમ બંનેને નવાઈ લાગી. બંનેએ ખૂબ તપાસ ચારે બાજુએ કરાવી, પરંતુ સનાતન મળ્યો નહિ. માત્ર ત્રીજે દિવસે મદનલાલે ટપાલ ઉઘાડી તો તેમાંથી એક દસ હજારનો ચેક નીકળી આવ્યો. એ સનાતનને આપેલો ચેક હતો.

વ્યોમેશચંદ્રને મદનલાલે પત્રથી જણાવ્યું કે સનાતન મળી આવ્યો નહોતો.

મંજરીએ તે પત્ર સાંભળ્યો. પૂતળીની માફક ક્ષણભર જડ બની ગયેલી મંજરી ઝડપથી વ્યોમેશચંદ્રને પાટો બાંધવા લાગી.