← વિચિત્ર માનવીઓ પત્રલાલસા
બુલબુલ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
બુલબુલનો ભૂતકાળ →




૧૦
બુલબુલ

ખોવાયેલાંને બોલાવો : સ્વામીનો સંદેશો કહાવો :
પગ ધોવાને પાણી લાવો : ખોવાયેલાંને માટે !
ભૂખ્યાંને ભોજનમાં લાવો : તરસ્યાને દ્રાક્ષાસવ પાઓ :
પાથરજો હૈયાં થાક્યાંને : લાવો ખોવાયાં સહુને !
કલાપી

'દીનાનાથ અહીં હોય તો તને મળ્યા વગર રહે ?' ચિતરંજને જવાબ આપ્યો. પ્રશ્નના કારણો કેવાં ગૂઢ રીતે સનાતનના હૃદયમાં છૂપાઈ રહ્યાં હતાં તેની ચિતરંજનને શી ખબર પડે ? દીનાનાથને સંભારવાનું કારણ મંજરી, અને મંજરી યાદ આવવાનું કારણ પેલું સુંદર ગીત ! પ્રેમીઓના પ્રશ્નો કોણ પારખે ?

સામાન્ય વાતચીતમાં સનાતનને જરાયે રસ ન પડ્યો. દીનાનાથ ભલે અહીં ન હોય, પરંતુ આ ગીત તો મંજરી જ ગાતી હશે એમ તેને ખાતરી થવા માંડી. સુંદર ગીત ચાલ્યા જ કરતું હતું અને તેનું મધુર વાતાવરણ સમગ્ર ગૃહ ઉપર છવાઈ રહેલું હતું.

સનાતનથી રહેવાયું નહિ. હિંમત લાવી તેણે પૂછ્યું :

'આ કોણ ગાય છે ?'

‘તમે લોકો ગાયનમાં શું સમજો?' ચિતરંજને પ્રતિપ્રશ્ન કર્યો.

'કદાચ ન સમજીએ, પણ તેથી મળતો આનંદ તો અનુભવી શકીએ.'

મેના આ વાદવિવાદમાં પડી નહિ. તેણે કહ્યું:

'એને અહીં જ બોલાવી ગવરાવીએ.'

સનાતન ખુશ થયો. એ ખુશીમાં હૃદયનો કંપ પણ હતો. મંજરી જ હશે ? તોપણ હૃદય ધડકતું હતું. આજે મંજરી આટલી બધી કેમ યાદ આવ્યા કરે છે તેનું કારણ તેને સમજાયું નહિ.

હાથમાં દિલરૂબા લઈ એક છોકરીએ ઓરડામાં પ્રવેશ કર્યો.

સનાતન તેને જોતાં જ ડરી ગયો. તેનું હૃદય ધબકતું બંધ પડશે એમ તેને લાગ્યું. છોકરી આંખે દેખતી ન હતી. તેનું મુખ છોકરી જેવું કુમળું હતું તથાપિ તે છોકરી નહોતી, તે યુવતી હતી. પરંતુ તેનો શુષ્ક થઈ ગયેલો દેહ તેને બહુ નાનું સ્વરૂપ આપી રહ્યો હતો.

'આ છોકરી ગાતી હતી ?' સનાતનના હૃદયમાં પ્રશ્ન થયો. મંજરીને જોવાની લાલસા આ દ્રશ્યમાં પરિણામ પામશે એમ તેણે સ્વપ્ને ધાર્યું નહોતું. નિરાશા ને અનુકંપા એ બંને ભાવો વચ્ચે તેનું હૃદય ઝોલાં ખાતું હતું. એના અને ચિતરંજનના મુખ ઉપર પણ અતિશય કરુણા છવાઈ ગઈ. યુવતી હસતી હસતી સ્પર્શથી પોતાનો માર્ગ કરતી આગળ આવી.

'બુલબુલ ! ત્યાં જ બેસી જા, બેટા !' ચિતરંજને કહ્યું. 'આપણે ત્યાં મહેમાન આવ્યા છે; તારું ગીત સાંભળવા માગે છે.'

બુલબુલના અંધ નયનો નિરાધારપણાનાં ઊંડાં ગર્ત હોય એમ ભાસ થતો હતો. જગતમાં સહુનો ઉપકાર માનવા માટે જ અંધ અવસ્થા સર્જાઈ હોય એમ તેનું મુખ વીલું પડી ગયું. ઉપકારની લાગણી કેમ વ્યક્ત કરવી તે સમજાતું ન હોવાથી થતી ગૂંચવણ મુખ ઉપર સ્પષ્ટ જણાઈ આવી. સર્વની નજર પોતાના ઉપર જ હતી એમ તેના હૃદયમાં સમજાયું. અને સ્ત્રી જાતિનો આવી સ્થિતિમાં સ્વાભાવિક ઉત્પન્ન થતો સંકોચ તે અનુભવવા લાગી. પરંતુ તે કોઈને દેખી શકતી નહોતી. પોતે આ જિંદગીમાં દર્શનસૃષ્ટિના ભંડાર કદી ખોલી શકવાની નહોતી એમ તે જાણતી હતી, અને તે ભાવમાંથી ઉત્પન્ન થતી દીનતા પાછી તેના મુખ ઉપર સામ્રાજ્ય ભોગવી રહી.

છતાં તેનું મુખ હસતું જ રહ્યું હતું.

મેનાએ એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. સનાતન મંજરીને ભૂલી ગયો. કરુણાનો પારાવાર ઉલટાવવા માટે અંધાવસ્થા બસ છે. તે કરુણાના સાગરમાં ડૂબકાં ખાવા લાગ્યો.

'આ છોકરીને હું બુલબુલ કહું છું. એનામાં નથી રૂપ, નથી રંગ, એની આંખ ગયા પછી એની આખી દુનિયા મરી ગઈ છે. ફક્ત એ એના કંઠમાં જીવે છે. એનું ગાન સાંભળ્યા પછી આપણી પણ આખી દુનિયા મરી જાય તો હરકત નહિ.'

ચિતરંજને બુલબુલને ઓળખાવી, અલબત્ત, તે રૂપાળી તો નહોતી જ, પરંતુ તેના મુખ સામું જોવું ન ગમે એવું તેનું સ્વરૂપ ન હતું. સનાતન કશું બોલી શક્યો નહિ. જરા રહીને તેની કરુણાએ જિજ્ઞાસાને થોડું સ્થાન આપ્યું. તેણે ધીમે રહી ચિતરંજનને પૂછ્યું : 'એ કોણ છે ?'

'હમણાં જ ઓળખાવી ને ? એ બુલબુલ છે !' ચિતરંજને તેની જિજ્ઞાસાને વધારે તીવ્ર કરે એવો ઉત્તર આપ્યો.

'એ તો એનું નામ. પણ એ છે કોણ ?' સનાતનથી સ્પષ્ટ પૂછી ન શકાયું કે એ ચિતરંજનના શા સંબંધમાં આવી છે ? એટલે ફરી ઉલટાવીને તેની તે જ વાત પૂછી.

ચિતરંજન સમજી ગયો હતો કે સનાતનથી સ્પષ્ટ રીતે કાંઈ પુછાતું નથી. તેની મુશ્કેલી દૂર કરવા તેણે કહ્યું :

'હં, હં. એ મારી શી સગી થાય એમ તું પૂછવા માગે છે? એ તો મારી દીકરી છે.'

‘આપની દીકરી ?' આશ્ચર્ય પામી સનાતને પૂછ્યું. તે જાણતો હતો કે ચિતરંજને કદી ઘરસંસાર માંડ્યો જ ન હતો.

'મારે એવી ઘણી દીકરીઓ છે, જેને દુનિયા તજી દે છે તેને હું સંઘરું છું.' ચિતરંજને જવાબ આપ્યો. જવાબથી સંજોગોનું ગૂઢપણું ઓછું થયું એમ સનાતનના મુખ ઉપરથી લાગ્યું નહિ. ચિતરંજન હસ્યો.

‘સમજ ના પડી, ખરું? હરકત નહિ. બુલબુલ ! હવે ગા જોઈએ !' ચિતરંજને વાત બદલી.

બુલબુલે પ્રથમ સંકોચ સાથે દિલરૂબા વગાડવા માંડ્યું. આછા આછા સૂરે તેણે ગાનની શરૂઆત કરી.