પત્રલાલસા/સૂનાં સિંહાસન
← વ્યવહાર | પત્રલાલસા સૂનાં સિંહાસન રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
તરસી નજર → |
આશાભર્યાં ઊછરતાં પ્રિય બાલ બાલા !
સંસાર મધ્ય વડવાનલ કેરી જવાલા !
... ... ... ...
પોષ્યાં દૂધે અમૃતથી અજવાળી ગોરાં !
તે વત્સ કાજ વિષઅશ્રુ તણા કટોરા !
નાનાલાલ
વ્યોમેશચંદ્રને મળવા માટે નંદકુંવરે બૂમ મારી તે વખતે મંજરીનું માથું ખરેખર દુખતું હતું. તેનાં માતાપિતાને આશ્ચર્ય લાગ્યું કે આવી કહ્યાગરી છોકરી નીચે આવવા કેમ ના પાડતી હતી ? માથું ખરેખર દુખતું હોય તોપણ વિવેકી માણસોએ વિવેક તજવો ન જોઈએ.
વ્યોમેશના ગયા પછી નંદકુંવર ઉપર જઈ જુએ છે તો મંજરીની ઓરડી બંધ હતી. મંજરી કોઈ દિવસ ઓરડી બંધ કરી બેસતી નહોતી. તેમણે બૂમ પાડી. મંજરીએ ઊઠી બારણું ઉઘાડ્યું. તેની આંખો લાલ હતી. વાળ સહજ વીખરાયેલા હતા. મુખ ઝાંખું, ચોળાયેલું લાગતું હતું. માતા કાંઈ પણ પૂછે તે પહેલાં મંજરી બોલી : ‘મારું માથું બહુ જ દુખે છે.' અને આમ બોલતાં બોલતાં તે રડી પડી.
માતાપિતાનાં હૃદય જીતવા માટે બાળકનું એક જ આંસુ બસ છે. દીકરીને વાંસે હાથ ફેરવી નંદકુંવરે બેસાડી, અને પોતે પણ તેની પાસે બેઠાં. તેનું માથું દબાવવા માંડ્યું. થોડી વારમાં દીનાનાથ પણ ઉપર આવ્યા. મંજરીના આધારે જીવતાં આ માતાપિતા તેના શરીરની સ્થિતિ વિચારી ગભરાઈ ગયાં. મંજરી તે સમજી ગઈ. તેનું માથું ખરેખર દુખતું હતું પણ પોતાનાં માતાપિતાનું હૃદય તેથીયે વધારે દુખતું હોવાને લીધે તેણે સ્વસ્થતા ધારણ કરી. સ્વસ્થ થતાં મુખ ઉપર પ્રફુલ્લપણું આવવા માંડ્યું. અને તેણે વાતો કરવા માંડી.
માતાપિતા આ જોઈ ખુશ થયાં. દીનાનાથની નજર પલંગ આગળ પડેલા કાગળોના ટુકડા ઉપર પડી. છોકરીને હવે પરણાવી દેવી જોઈએ એવો વિચાર વધારે તીવ્ર થયો.
મંજરીને મળવા તેની એક સહીપણી આવી. તેને સોંપી નંદકુંવર અને દીનાનાથ નીચે ગયાં. બાળલગ્નથી કશો જ ફાયદો નથી એમ દીનાનાથ જાણતા હતા. પરંતુ બહુ મોટી ઉંમરે લગ્ન કરવું એ પણ વાસ્તવિક નથી એમ તેમનો વિચાર હતો. તેમનું ચાલ્યું હોત તો મંજરીને ક્યારની પરણાવી દીધી હોત. પરંતુ લાયક વરનો અભાવ અને પોતાની આર્થિક અશક્તિ એ બે કારણોને લીધે તેમની ઇચ્છા નહિ છતાં મંજરી વગર પરણ્યે મોટી થતી હતી.
મંજરી કેટલીક વખત ઘણી જ દિલગીરીમાં હોય એમ લાગતું. કેટલીક વખત તે વગરકારણે આનંદમાં આવી જતી. ક્વચિત્ તે ઘણી જ વાતોએ ચઢતી અને ક્વચિત્ તે વગરબોલ્યે આખો દિવસ ગાળતી. નંદકુંવર પણ સમજી શક્યાં કે આ બધાં દર્દનો એ જ ઈલાજ છે. 'છોકરીને જલદી પરણાવી દેવી એટલે તેનું જીવન આમતેમ હાલતું મટી સમતોલ થશે.'
જીવનના મહાસાગરમાં યૌવનનો વંટોળ ભયંકર ઊથલપાથલો કરે છે. મહાસાગરનાં મોજાને તે હિમાલયની ઊંચાઈએ ચઢાવે છે અને પાતાળની ઊંડાઈએ ધકેલી દે છે. હૃદયનાવડું બિચારું આ ઉછાળાઓને વશ થઈ ઘડીમાં આકાશ જુએ છે અને ઘડીમાં સાગરનું તળિયું નિહાળે છે. સમાજના સુકાનીઓ લગ્નનો એ જબરજસ્ત ખડક ખોળી કાઢી નાવડાને સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે. એક ખડકે નાવડું લંગરાય તો યૌવનનો વંટોળ શાંત પડે અને મધ્યસાગરનાં આકાશ-પાતાળ એક કરી નાખતાં મોજાના ભયંકર હીંડોળમાંથી નાવડું ઊગરી જાય.
પરંતુ એ ઊગરેલું નાવડું બિચારું સાગરના હીંડોળને તો ન જ અનુભવી શકે. જીવન શાંત થાય, સભ્ય થાય, સરલ થાય ? પરંતુ લગ્નથી જીવન સમતોલ થઈ જાય; પ્રમાણિક વ્યાપારીના ત્રાજવા સરખી બંને બાજુ સરખી : નહિ વધારે, નહિ થોડી. જુગારીની લાખોની હારજીતનો કંપ તેનાથી અનુભવી શકાય નહિ. હિમાલયના શિખર ઉપર જણાતું સૌંદર્ય તેમાં ન જ જણાય. સાગરના અંધકારમાં ડૂબકી મારી તેના તળિયા ઉપર ઊભા રહેતાં જે કમકમી આવે તે આ જીવનને અજાણી જ રહે. સપાટ જમીન ઉપર સીધે રસ્તે ચાલ્યા જતાં જે મધ્યમ અનુભવો થાય તેને પરિણીત. જિંદગી સાથે સરખાવાય.
એ બેમાંથી સારું શું હશે ? કોણ જાણે ! વસતિ તો સપાટ પ્રદેશમાં જ હોય છે. ઈશ્વરનો શો ઉદેશ હશે ? હિમાલય ઉપર જીવન નથી જ. પણ એટલું તો ખરું જ કે તોફાની જીવન લગ્ન થયે ઠંડું પડે છે; શાંત થાય છે, તોફાની જીવનને એક જ ધમકી આપવી બસ છે. ‘તને પરણાવી દઈશું!' ઉછાળે ચઢેલું હૃદય શાંત થવું જ જોઈએ, પામર બનવું જ જોઈએ. જીવનની મસ્તી મટાડવા માટે આ માત્ર બસ છે.
અને છતાં બધાંય પરણે છે. જીવન તેથી જ ઉચ્ચ નહિ થતું હોય ? લગ્નો અજાણતાં જ થાય છે ! પુરુષ સ્ત્રીને ખોળે છે અને સ્ત્રી પુરુષને ખોળે છે. પરસ્પરને માગે છે, પરસ્પરનાં બંધનને માગતાં નથી. પરંતુ તેમને ભાગ્યે જ ખબર હોય છે કે લગ્ન એ પરસ્પરનો સંબંધ નહિ પણ પરસ્પરનું બંધન પણ છે. સંબંધ વિના બંધન શક્ય નથી. પરંતુ બંધન વિનાનો સંબંધ શક્ય છે ? જગતે ખોળવું પડશે. અને તે ખોળે જ છે.
હિંદુ સંસારમાં આવાં બંધનો રચવાનું કામ માબાપ બહુ સારી રીતે બજાવે છે. વંશપરંપરાથી ઊતરી આવેલી આ આવડત બાળકનાં જીવનને શાંત પાડવા બહુ ઉપયોગી થઈ પડે છે. દીનાનાથ અને નંદકુંવર હિંદુ જ હતાં અને તેમને પણ આ ગુણ વારસામાં મળેલો જ હતો. તે આધારે તેમણે વિચાર કર્યો કે હવે મંજરીને પરણાવવી જ જોઈએ.
મંજરીની સહિયરનું નામ માલતી હતું. બંને બહેનપણીઓએ એકબીજાની ખબર પૂછી. આજે મંજરીને માલતીનું આગમન બહુ જ ગમ્યું. ઘણે દિવસે તે આવી હતી. તેનું સાસરું આ ગામમાં હતું, અને તે પિયર જઈ આવી હતી. તેનો વર પણ કૉલેજમાં ભણતો હતો અને તે આ વર્ષે છેલ્લી પરીક્ષા પસાર કરી ગયો હતો. તે ઘણુંખરું સનાતન પાસે આવતો એટલે તેને મંજરીએ પોતાની શેરીમાં આવતો જોયેલો પણ ખરો. મંજરીએ પોતાની ખુશાલી દર્શાવી, તેના વર સંબંધી વાતમાં જ તેને દોરી. ખરે, સખીઓની વાતમાં નેવું ટકા વરની જ વાત હોય છે. માલતીનો વર મુંબઈ ગયો હતો. તેને વધારે ભણવાની ઇચ્છા હતી. તેને વકીલ થવું હતું. બહુ ખર્ચ આવે છે. નાનીનાની ઓરડીઓમાં રહેવું પડે છે. એકલા ગમે નહિ એટલે એક દોસ્તદારની સાથે તેને રહેવું પડયું, વગેરે નાની વિગતો માલતીએ સંભળાવી.
'પણ તું જાણે છે ને બહેન, કે મુંબઈમાં વગર પરણેલાઓથી રહેવાય જ નહિ.' માલતીએ મુંબઈમાં રહેવાની એક ભારે શરત બતાવી.
'એમ કેમ ?' મંજરીએ સવાલ કર્યો.
મુંબઈની તો વાત જ જવા દો ને, એટલું બધું નઠારું છે ! એમનો કાગળ આવ્યો હતો કે એમનો પેલો દોસ્ત તો ચાલ્યો જ ગયો.' માલતીએ કહ્યું. 'કયો દોસ્ત ? અને શું કરવા તે ચાલ્યો ગયો?' મંજરીને વાતમાં રસ પડ્યો હતો. ગમે તે રીતે સનાતનની ખબર મળી આવે તો સારું એ ઇચ્છાથી તેણે માલતીની સાથે તેના વરની વાત લંબાવ્યા કરી. બિચારી માલતી ! પોતાના પતિ સિવાય જગમાં બીજી મહત્ત્વની વસ્તુ હોઈ શકે નહિ એમ ધારી તે તેના ઝીણામાં ઝીણા સ્વભાવનું વર્ણન કરતી હતી. પરંતુ તેને ખબર નહોતી કે મંજરીનું ધ્યાન માલતીના પતિ કરતાં તેના દોસ્તની વાત તરફ વધારે વળતું હતું.
'મુંબઈમાં તે કાંઈ એક લાલચ હોય છે ? હજારો લાલચો !' માલતીએ જવાબમાં કહ્યું. 'એટલે મારા પતિની સાથે રહેતાં એને ફાવે ? એમનું કામ તો એવું કે નજર ઊંચી કરે જ નહિ.'
નજર પણ ઊંચી ન કરે એવા શુષ્ક પતિનાં વખાણથી મંજરીને કંટાળો આવ્યો. ચોખ્ખી વાત ન કરતાં હજારો લાલચની મોઘમ વાતથી મંજરીને સંતોષ થાય એમ નહોતું.
'શાની લાલચ ? અમથી ઘેલીઘેલી વાત કર્યા કરે છે ! અને તારો વર પણ એ લાલચમાં નહિ ફસાય એવું તું શા ઉપરથી કહે છે ?' મંજરીએ જણાવ્યું.
'એ કદી ફસાય જ નહિ ને ! હું એમને ન ઓળખું ?' પત્ની તરીકેનું અભિમાન માલતીમાં વ્યક્ત થયું. 'અને પાછી હું છું ને ? માટે જ મેં કહ્યું હતું કે પરણેલા હોય તે જ મુંબઈ રહી શકે.'
જગતમાં કેટલી માલતીઓને તેમના પતિ છેતરતા હશે ? દરેક પતિએ પોતાના હૃદય ઉપર હાથ મૂકી તેને તપાસી જોવાની જરૂર છે – અગર તપાસવાની જરૂર જ નથી. હાથ મૂક્યા સિવાય પણ હૃદય કહી આપે છે કે પત્નીની નજર આગળ રહેતો પતિ અને તેની નજર બહાર રહેતો પતિ એ બન્ને ભિન્ન વ્યક્તિઓ છે.
હશે !
'હજી મને સમજાયું નહિ. તું શું કહેવા માગે છે ?' મંજરીએ પૂછ્યું.
માલતીનું મુખ સહજ મલક્યું. ‘તું તો છે જ એવી !' કહી તેનું માથું પકડી પોતાની પાસે ખેંચ્યું. અને મંજરીના કાનમાં ધીમે રહીને કાંઈ વાત કરી. ઓરડો ખાલી હતો. ઘરમાં કોઈ સાંભળે એટલું પાસે નહોતું. છતાં બીતી બીતી - ચારે પાસ નજર નાખતી અને સહજ હસતી માલતીએ મંજરીના કાનમાં શી વાત કરી ?
મંજરી સહજ ગંભીર થઈ. 'એમાં પડ્યા એટલે એમને કાંઈ ફાવે ?' 'એ' અને 'એમાં' અને :'એમને' વગેરે સ્વરનો ઘણી જ અર્થસૂચક ભાષામાં માલતીએ બધો :ભાવાર્થ સમાવ્યો. ‘અને તું એને ઓળખતી પણ હોઈશ.'
'કેવી રીતે ? તારા વરના દોસ્તને હું શી રીતે ઓળખું ?' મંજરીએ :કહ્યું.
'ખરું કહે છે ! મારા વરના દોસ્તને તું ન જ ઓળખે. તારા વરનો દોસ્ત હોત તો તને ઓળખાણ પડત.' કટાક્ષમાં માલતીએ જણાવ્યું.
'જા, જા, હવે. ઓળખતી હઈશ તો તને કહીશ. શું નામ ?' મંજરીએ પૂછ્યું. પૂછતાં પૂછતાં તેનું હૃદય ધબક્યું. માલતીનો વર તેની પડોશમાં ઘણી વખત આવતો હતો. કોનું નામ દેશે?
‘સનાતન.' માલતીએ કહ્યું.
પોતાને ગમતા પુરુષનું નામ બીજું કોઈ લે તોપણ તે સારું જ લાગે છે. મંજરીને આ નામ બીજાને મુખેથી બહુ દિવસે સાંભળતાં સંતોષ થયો.
'સનાતનનાં વખાણ કરતાં એ થાકતા જ નહિ.' માલતીએ પ્રથમની સ્થિતિ કહી. 'જે કાંઈ વાત આવે તેમાં 'સનાતન આમ કહે છે અને સનાતન તેમ કહે છે' એમ તેનો જ મત આગળ કરતા. હવે બધી જ વાત ફરી ગઈ. નઠારી સોબતમાં સનાતન પડ્યો ! લુચ્ચા લફંગાઓની સંગતમાં ફરે છે, મારામારીઓ કરે છે, કુટ્ટણીઓના ઘરમાં છે અને આમ દિવસ ગુજારે છે. કાગળમાં આ વાત લખતાં પણ એમને તો રડવું આવ્યું. આંસુથી થોડા અક્ષરો પણ ચેકાઈ ગયા એટલો બધો સનાતન માટે ભાવ છે !'
મંજરી આશ્ચર્યથી મૂઢ બની ગઈ. ક્યાં સનાતન ઉચ્ચ પ્રકારનો અભ્યાસી, શરમ અને સભ્યતાથી ભરેલો, જીવનમાં પ્રવેશતો યુવક ! અને ક્યાં આ અસભ્ય વાતાવરણમાં ફરતો અનાર્ય !
સનાતનની ખબર મળશે એ લોભથી માલતીને તેના વરની સામાને કંટાળો ઉપજાવે એવી વાત કરવાને મંજરીએ પ્રેરી હતી. કંટાળો સહીને પણ તેણે વાત કઢાવી. અને પરિણામ ?
પરિણામ એ જ કે સ્વપ્ને પણ ન ધારેલી હકીકત સાંભળવાનો પ્રસંગ આવ્યો. તે દુઃખી થઈ ગઈ. અને દુઃખના આવેશમાં માલતીની વાત સાચી ન હોવાનું તેણે જાહેર કર્યું.
માલતીએ પોતાના પતિનો કાગળ મંજરી પાસે ધર્યો. મંજરીએ વાંચ્યો. સનાતનના અધઃપતનની જ તેમાં કથની લખેલી હતી.
‘માટે જ મેં કહ્યું કે મુંબઈમાં વગર પરણેલાથી રહી શકાય જ નહિ.' માલતીએ પરણેલાનું મહત્ત્વ બતાવતું કથન ફરી કર્યું.
મંજરીને વિચાર આવ્યો કે સનાતનને તે કાગળ લખે તો ? તે પોતે મુંબઈ જઈ સનાતનને આ ખરાબ રસ્તેથી બચાવે તો ? વિક્રમની વાતો વાંચેલી, અને તેમાં ખરાબ માર્ગે જતા પતિને છૂપે વેષે લલચાવી સુપંથમાં વાળનાર પત્નીઓની વાર્તાઓ તેના ધ્યાનમાં હતી. પણ તે કામ તો પત્ની કરી શકે ! પોતે કોણ ? શું સગપણ ? શો સંબંધ ? પારકાને માટે આ બધું કેમ થાય ?
તેનું હૃદય વીંધાઈ ગયું. તેને અને સનાતનને કશો જ સંબંધ નથી એમ તેની ખાતરી થઈ. અને છતાં હૃદય તેની પાછળ દોડતું હતું !
માલતી વિદાય થઈ. સનાતનની વધારે વાત છેડવાનું મંજરીએ બંધ રાખ્યું. તેનું સિરનામું પૂછી જોવાનો વિચાર પણ મોકૂફ રાખ્યો. શરમથી તે આગળ કાંઈ જ કરી શકી નહિ.
એકલી પડતાં ફરી તે વિચારમાં ગૂંથાઈ અને ગૂંચવાઈ. કાંઈ જ ન ફાવ્યું એટલે તેણે ગાવાનું શરૂ કર્યું. ગીતમાં પણ રડવું આવે એવી જ કડીઓ કંઠમાં આવ્યા કરતી હતી. આમ કેમ ?
સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં
ને મારા સૂનાં સિંહાસન કાન્ત રે
સ્નેહધામ સનાં સૂનાં રે !
આંબાની ડાળી મ્હોરે નમી
મ્હોંય કોયલ કરે કલ્પાંત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે !'
ગીત ગાતાં તે ખરેખર રડી પડી. એ કોને માટે રડતી હતી ? શાને માટે રડતી હતી ? તેનો ખોવાયેલો સનાતન જડ્યો અને પાછો ખોવાઈ ગયો !