પલંગ પાયે તને કુસુમમાળાવડે
પલંપ પાયે તને કુસુમમાળાવડે નરસિંહ મહેતા |
પલંગ પાયે તને કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યો લાજ લોપી;
માહરે મંદિરથકિ કોણ મૂકાવશે, શું કરશે સહુ શોક્ય કોપી.
તું વનમાળી કાહાવે, હું કુસુમ વનવેલડી, નીર નિત સીંચતો કાં અરોપી;
ભ્રમર જાએ ફુલ, ફુલ મકરંદ વશ, કમળમાં હેત ન રહ્યોરે રોપી.
પ્રીતનો કરનાર પ્રેમના પાત્રશું, તન મન પ્રાણ ત્યાં મેલે સોંપી;
ભણે નરસઈઓ જેમ રીસ ઊતરે, ત્યમ તું શિખ શાણી દે રે ગોપી.