પાંખડીઓ/અંજનશલાકા: અથવા સતી કે સુન્દરી?

← વીણાના તાર પાંખડીઓ
અંજનશલાકા: અથવા સતી કે સુન્દરી?
ન્હાનાલાલ કવિ
હું તો નિરાશ થઇ →








૯ : અંજન શલાકા
અથવા

સતી કે સુન્દરી ?

⚜️ ⚜️ ⚜️













‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’

અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા.

મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી રહ્યો, સતીઓ થતી બંધ કર્યે સૈકો થવા આવ્યો. વીસમી સદ્દીમાં ત્હાંરે નરમેઘ પૂજવા છે ?’

‘ખ્રીસ્તીઓનાં દેવળો પૃથ્વી ઉપર કેટલાં હશે ?’ એણે પૂછ્યું.

‘ત્હાસરી તો બુદ્ધિનું બજાર એટલે અપ્રસ્તુતના પ્રશ્નો. વાત કરતાં વગડે દોડે ! ત્હાીરા પ્રશ્નને ને ચાલતી વાતને લેવાદેવા શી છે ?’

‘પણ કહે તો ખરો કે ખ્રીસ્તી દેવળો કેટલાંક છે દુનિયામાં ?’ એ હઠે ચ્હેડ્યો.

‘હશે-લાખ હશે, બે લાખ હશે.’

‘યૂરોપઅમેરિકામાં ગામડાં ને નગરો એટલાં દેવળો તો ખરાં ને ?’

‘ હા સ્તો. એથી બમણાં, પણ ઓછાં નહિ.’

‘મ્હારા વીસમી સદ્દીના આરાધક ! ઉતાવળા મા થાવ. પૃથ્વી ઉપરના પાંચ લાખ ખ્રીસ્તી દેવળોમાં આજે યે નરમેધની આરાધના થાય છે. મેકાલે તો નાસ્તિક હતો ને બેન્ટિકને એના પાશ ચ્હ ડ્યા’તા. બેન્ટિક ઈશનો દિલોજાન આરાધક હોત તો અમારી એ ઈશૂડીઓને ન અવરોધત. બેન્ટિકનો કાયદો એટલે સતીત્વનો અવરોધ. સાચા ખ્રિસ્ત ભક્તો સતીને નરમેધ ન ભાખે.’

‘પણ એકસો વર્ષ થયાં બારણાં દેવાયે. આજ શું છે એનું ?’

‘આજ એ છે કે સતીની ભાવનાને બદલે સુન્દરીની ભાવના આપણા સંસારે ચક્રવર્તી થઈ એનું એ પરવ.’

‘પણ જગત એથી આગળ વધ્યું કે પાછળ પડ્યું ?’

‘તું એક ઉત્તર આપે તો હું એનો ઉત્તર આપું.’

‘પૂછે ત્ય્હારે ઉત્તર આપું કે પૂછ્યા પહેલાં ?’

‘કહે ત્ય્હારે. Moral-નૈતિક ભાવનાઓના વિકાસથી જગત આગળ વધે કે સૌન્દર્યની ભાવનાઓના વિકાસથી ?’

‘બન્નેયથી.’

‘એ નિશ્ચિત ઉત્તર નથી. માનવીની ચક્રવર્તી ભાવના કઈ ? પુણ્યની કે સૌન્દર્યની ?’

‘મ્હેં ઉત્તર આપ્યો : હવે ત્હાીરો વારો.’

‘ફિલસુફીને નહિ ભાખું, ઉત્તરમાં ઇતિહાસ કહું.

એટલામાં સુન્દરતાના શણગાર સજેલી સુન્દરી સમું શણગારેલું કન્યાવિદ્યામન્દિર આવી પહોંચ્યું.

બારણામાં જ અધિષ્ઠાત્રીએ અમને સત્કાર્યા. એમનો શક્કો આજ ઓર હતો. પાણીથી ન્હાય ને નીતરે એમ સૌન્દર્યથી એ જાણે ન્હાતાં ને નીતરતાં હતાં.

મ્હેં પૂછ્યું : ‘ એ સતી છે કે સુન્દરી ? હજી કુંવારાં તો છે.’

‘હવે છાલ છોડ ને ઉત્સવ માણ.’

‘જો : આજ તો યૂરોપમાં એવું છે કે રાજાની વહુ તે રાણી ખરી, પણ રાણીનો વર તે રાજા નહિ.’

‘એટલે ?’

‘એટલે એ કે મહેતાજીની પત્ની શાળાના ઉત્સવમાં મહાલે; પણ મહેતીજીને વર હોય તો કોઈક ખૂણાને શોભાવી મહેતીજીને માણતી નિહાળી રહે.’

અમે શાળામન્દિરમાં ગયા. સભાગૃહમાં પણ સુન્દરતા ચક્રવર્તી હતી.

‘પણ આજ આટલો યુવકવર્ગ કય્હાંથી ? બાળાઓનું પ્રદર્શન તો, મુખ્યત્વે, ત્હેમની માતાઓ કને હોયને ? ‘

‘યુવતિઓ પરણવાની છે યુવકોને ને ? એટલે યુવકસંઘને ન્હોતર્યો છે આજ. રહી જતા’તા એમણે માગી માગીને ન્હોતરાં લીધાં.’

નાટકગ્રહના જેવું કંઈક સભાગૃહ રચ્યું હતું. વચ્ચે રંગભૂમિ સમું તખત હતું, ફરતાં સભાજન હતાં.

બે ન્હાની બાળાઓએ નાન્દી ગાઈ. સભાઓમાં નાન્દી ગાવાનું ન્હાનકડી બાળાઓને કેમ સોંપાય છે ?

લોક કુતૂહલદૃષ્ટિએ જોઈ રહ્યું હતું.

પછી આવ્યો સંવાદ, સરસ્વતી ને લક્ષ્મીનો. પેલો સંસ્કૃત શ્લોક લક્ષ્મીજીએ છટાથી ગાયો કે ત્હારો ભક્ત મ્હારા પિતાને પી ગયો. ત્હારા આરાધકે મ્હારા પતિને છાતીમાં લાત મારી. વિ. સરસ્વતીએ પોતાની દલીલો સાત્ત્વિક્તાથી ઉચ્ચારી. નિર્ણય ન થયો; એટલે વિધાત્રી દેવી અદ્ધરથી ઉતર્યાં. રંગરંગનાં અજવાળાં એમનાં ઉપર વરસાવવામાં આવ્યાં : જાણે મેઘધ્નુષ્યની ડાળખીએ લટકી ઉતરતાં નહોય ! એમણે નિર્ધાર ઉચ્ચાર્યો કે શ્રમ છતાં સિદ્ધિ વિધિદેવને હાથ છે.

ને પછી આવ્યો ગરબો. એ સાંભળવાને ને જોવાને યુવકમંડળ આવ્યું હતું. હવે તો ગરબો સાંભળવાનો એટલો જ જોવાનો હોય છે.

સહુને જાણે જગાડવાને હોય એમ નરઘાં ઉપર થાપ પડી ને પછી રહી ગઈ. આજનો ગરબો જલતરંગ સાથે ઝીલવાનો હતો.

સભાગૃહ ચિત્રવત્‌ બની રહ્યું.

ઘૂઘરિયાળા રૂપાના રાસદાંડિયા લઈને ઝીલનારીઓ આવી. એમને પગ ઠમકે ધરતી ધ્રૂજતી.

દીવાળીમાં દીવા કરે એમ સભાજનોની આંખડીઓમાં દીવા પ્રગટ્યા.

શ્રી નટવર વસન્ત થેઇ થેઇ નાચી રહ્યો.

મોરલીને શબ્દે ગરબો ઉપડ્યો. જલતરંગની ઘંટડીઓ ગુંજારવ કરતી.

નાચી રહ્યો, જગ નચાવી રહ્યો;

શ્રી નટવર વસન્ત થેઈ થેઈ નાચી રહ્યો.

ગરબો કહેતો કે જગત આખું નાચતું. ત્ય્હારે સભાજનો કાંઈ જગત બહાર નહોતા બેઠા. હવાઇ ઓ છૂટે એમ કામણવર્ણાં નયનકિરણો દિશદિશમાંથી ઊડતાં હતાં.

મ્હેં કહ્યું : એક અંજનશલાકા આમની આંખોમાં આંજવી જોઈએ. આંખોમાં આંખનિર્મળી છાંટો.

એણે કહ્યું : હા; દુનિયાના Scientistsની પરિષદ ભર એટલે શોધી કહાડે.

કોયલ મધુર મોરલી બની, નાચે નટવર કહાન.

અમારી સન્મુખની ધરતી જાણે રત્નોની ખાણ હોય ને અમે ખણીખણીને મંહીથી રત્નો કહાડતા હોઈંએ એમ અમે દૃષ્ટિબાણે ધરતી ખોતરતા.

એણે કહ્યું : ‘ધર્મમન્દિરની છાયામાં ઉત્સવો ઉજવાતા ત્ય્હારે કંઈકે મર્યાદા ધર્મધ્વજની રહેતી હશે ખરી ને ?’

મ્હેં કહ્યું : ‘એ ધજાની છાયા જેટલી. સુન્દરતા ચક્રવર્તી થાય એટલ્લે જગત જાણે હિન્ડોળે ચ્હડે : નાવડું જાણે મોજામાં ડોલે. સંસારશાસ્ત્રની દૃષ્ટિએ મ્હને તો એક જ ભૂલ લાગે છે; પુણ્યભાવનાની પદભ્રષ્ટતા ને સૌન્દર્યભાવનાની સર્વોપરિતા. ‘ ‘સુન્દરતા નહિ, ત્ય્હારે સર્વોપરી શું ?’

‘સૃષ્ટિમાં સર્વોપરી પુણ્ય ને પ્રભુ. એ લોપાય એવાં શિક્ષણ કે સંસાર ન હોય. કન્યાશાળાઓમાં આજ સતીનું નહિ, સુન્દરીનું આદર્શ આરાધાય છે.’


‘આસપાસ જૂવો. આપણી પુરુષોની આંખ સુન્દરીને વાંછે છે કે સતીને ? પુરુષની અંખ વાંછે છે તે કન્યાશાળા આપે છે.’

‘એટલે જ કહ્યુંને કે પુરુષની આંખડીને અંજશલાકા આંજવી જોઈએ-આંખનિર્મળી છાંટવી જોઈએ. ‘ ‘ભરજે જગતના Scientistsની પરિષદ, શોધજે એ આંખનિર્મળી. મ્હારૂં ચાલે તો બેન્ટિકનો કાયદો રદ્દ કરાવું કે સતીઓ પાછી અવતરે.’

મ્હારૂં ચાલે તો હું એવો કાયદો કરાવું કે સ્વેચ્છાથી સતીઓ યે ભલે થાય ને સ્વેચ્છાથી સતા યે ભલે થાય. પછી જોઇ લ્યો પરીક્ષા નર ને નારની ! ‘

અમે બન્ને હસી પડ્યા; કારણ કે અમારામાંથી એક્કેયનું ચાલવાનું હતું જ નહિ-એ વિદ્યામન્દિરમાં, સંસારમાં કે સામ્રાજ્યમાં.