પાંખડીઓ/અર્પણ
પાંખડીઓ અર્પણ ન્હાનાલાલ કવિ |
પ્રસ્તાવના → |
ચોપાટીને આરે કે ચોરવાડને સાગરકાંઠે બેસીને પ્રહરો પર્યન્ત
જલલહરીઓ ગણવી અને એમના અર્થસન્દેશ ઝીલવા ત્હને ગમતા.
એ લહરીઓમાં સાગરના શબ્દ નું સાંભળતો.
વાલકેશ્વરના પહાડનો પડદો એક વાર તો ત્હને ડોલતો દેખાયો કે જાણે હમણાં ઉપડશે ને પાછળનાં દર્શન કરાવશે.
ગુજરાતને ત્હારે તેજસ્વી ગુણગરવું સૌન્દર્યશણગાર્યું જોવું હતું. સંસારમાં તું સ્વર્ગ રચતો. લોક ત્હને સ્વર્ગનો ઇજારદાર કહી હસતા.
ત્હારા જેવા મ્હને પણ મનેારથો છે.
પહાડના પડદા ઉપાડી પાછળ દર્શન કરવાના ત્હારે હતા ને મ્હારે યે કોડ છે. વિશ્વભેદોની વાડીઓમાં રમવાના અક્ષરવિહારી કોકને જ અભિલાષ ન હોય. ગુજરાતનો ગુણસોહાગ એ તો ગુજરાતીઓનો ત્રિકાળનો દેશધર્મ છે.
ત્હારા જેવા મ્હને પણ મનોરથ છે ને તે તું જાણતો. ત્હારા અધૂરા રહ્યા: મ્હારા પૂરાશે ? કે જગતના કેટલાક ભેદોની ચાવીઓ જગત્કર્તાએ પોતા કને જ રાખી છે?
અગમ્યના ખોજનાર, અનન્તના આ યાત્રાળુ ! સુન્દરના સપૂત અમૃત ! નવયુગના ઓ પ્રતિહાર ! તુજથી અજાણ્યું ક્ય્હાં છે કે સૂર્યકિરણો કેટકેટલે આઘેથી ઉતરી પૃથ્વી ઉપર વરસે છે ? ત્ય્હાંથી વરસજે ત્હારાં કિરણો; અને આ અણુકિરણોમાં અન્ધારાં હોય ત્ય્હાં ત્હારાં તેજિકરણોના પ્રકાશ પૂરજે.
તું ઉદ્દારધર્મીલો હતો. આ પાંખડીઓને યે સ્વીકારજે ને ઉદ્દારજે.
લોક ત્હને ભૂલતું જાય છે; ત્હને ભૂલે છે એ અમૃતને ભૂલે છે. અમારાથી તો ત્હને ભૂલ્યો યે ભૂલાય એવું ક્ય્હાં કાંઈ ઉણું રાખીને તું ગયો છે ?
વૈશાખી અમાવાસ્યા, વિ. સં. ૧૯૮૬