← કુંવારો કે બ્રહ્મચારી? પાંખડીઓ
વટેમાર્ગુ
ન્હાનાલાલ કવિ
વીણાના તાર →








૭ : વટેમાર્ગુ

⚜️ ⚜️ ⚜️
















લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી.

ગામની તે ગોપિકા હતી.

માર્ગે જતાં-આવતાં તે કૃષ્ણભક્તિનાં ગીત ગણગણતી, એટલે લોક એને ગામની ગોપીકા કહેતાં.

ગામની રૂપવતીઓને રાસડા એ ઝીલાવતી. પાણીકેડે સાહેલીસંઘની એ સંઘવણ હતી. મન્દિરમાં અને મહોત્સવોમાં ગાયો સમાં સહીયરધણની એ ગોવાળણ હતી. સહુ એને ગામની ગોપિકા કહેતાં.

એના પાયમાં ઝાંઝર ઝમઝમતાં. એની ત્વચા કાચ જેવી પારદર્શક અને નખ અડતાં શોણિતની શેડ ઉડશે એમ ઉચ્ચરતી રાતાં કમળવર્ણી હતી. મન્દિરધેનૂ સમી તે ગામમાં ઘૂમતી.

એની ડોકનો મરોડ અજબ હતો. એનાં પગલાંનો ઉછાળ અનોખો હતો. એની આંખડીનું મટકું મનોહારી હતું. એના આખા યે અંગનો ઉઠાવ મોહિનીછલકાતો હતો. સ્‍હામાં મળે તે સહુ એનાં દર્શન કરીને સંચરતાં.

યૌવનના આંગણમાં ઉભેલી એ યુવતિ રસકુંજની કીમિયાગરણ ને પ્રમદવનની પ્રમદા સમી હલેતાવેડાને હીંચકે હિંડોળા ખાતી હિંડતી. મતવાલી ગાયના જેવું અજબ તે માથું ઉછાળતી.

પુરુષોનાં પુરુષાતનને જીતનાર પ્રકૃત્તિના પ્રફુલ્લેલા પુષ્પ સરિખડી એની આંખડીઓ ફરફરતી.

એનું નામ વિજ્યા હતું.

પણ એ જગત્‌‍વિજ્યા યે એકદા હારી બેઠી, ને પાંડવોની પેઠે નિજનું સર્વસ્વ હારી બેઠી. એક પાસામાં કોઈ સર્વસ્વ હારી જાય એમ પ્રારબ્ધપાસા સમા એક મટકામાં એ સકળ હારી બેઠી.

અને એ આમ બન્યું.

ગામને પાદર કૂઈ હતી, ને ગામની ગોરીઓ ગામલોકને એ કૂઈનાં પાણી પાતી. લોક એને મીઠી કૂઈ કહેતાં.

ગામ ફરતો ઉજ્જડ વગડો ઢોળાતો. હુનાળામાં ત્ય્હાં ધોમ ધખધખતા, શિયાળામાં ત્ય્હાં શીતળ વાયુ સુસવાતા. વર્ષા આછી વર્ષે ત્‍હો યે ત્‍ય્હાં બારે માસ ધરતી રસાદ્ર રહેતી.

ત્રણે ય ઋતુઓ ત્ય્હાં જોમ લખવતી એ ગામલોકને ગમતું.

મીઠી કૂઈ કને થઇને વગડાનો મારગ વહેતો. પાણીના વ્હેળા જેવો એ વગડાનો મારગ વહેતો. ગગનમાંથી પડતી ગંગા સમો મારગ ઉત્તરની ધાર ઉપરથી ઉતરતો ને દક્ષિણની ખીણોમાં ઢળી જતો. આભના બન્ને યે છેડાને પરોવતો જાણે તે દોરો હતો.

વગડાના વટેમાર્ગુઓની એ વાટ હતી. જગતના જાત્રાળુઓ એ માર્ગે જતાઆવતા. અનન્તમાંથી ઉતરી એ મારગ અનન્તમાં ઢોળાતો.

મીઠી કૂઈ કને ગામની ધર્મશાળા હતી. પણ ધર્મશાળામાં તો અપંગો જ પડ્યા રહેતા.

એકદા મીઠી કૂઈને કાંઠડે એ હૈયું હારી બેઠી.

સ્હવારનો પહેલો પ્રહર ઉતર્યો હતો, ને બીજો પ્રહર બેસતો હતો.

રોજ તો સહિયરસાથમાં મીઠી કૂઈએ સ્‍હાંજે સ્‍હાંજે તે પાણી જતી. આજ મહીનાં ગોરસ બેવડાયાં હતાં એટલે વ્હલોણામાં ગોળી ઠાલવી, ને ગોરસીઓ ભરી, ને માખણ તાવ્યાં : તેથી પાણિયારે પાણી સ્હવારે ભરવાનાં આવ્યાં. સહિયરો રસોડામાં હતી એટલે એ એકાકી પાણી સંચરી.

સ્હવાર હસતું હતું ને એ યે હસતી હતી. મદને ઝોલે ચ્‍હડેલી તે પ્રમદા ઝોલાં ખાતી જતી હતી.

સૂર્યનો તડકો હજી કુમળો હતો, છતાં ઉષ્માની ઝાળના પહેલા ફણગા એમાંથી ફૂટતા હતા.

મીઠી કૂઈને પગથિયે ઝોલાં ખાતી ખાતી તે ચ્‍હડી : જાણે કો રાજવીની રાજધેનુ.

ગાળામાં ઘડો પરોવી જળમાં સીંચ્યો. મીઠી કૂઈનાં જળ છાછરછલ્લાં હતાં. પછી જળદોરના વ્હામ ઉછાળતી હલેતાએ હિન્ડોલડોલન્તી નિજની છબિ આભના અરીસામાં જોઇ.

છબિલીનો છાક જાગ્યો હતો.

પહેલે ડૂબણે ગાગર અડધેરિક ભરાઈ. બીજે ડૂબણે ગાગર છલકાઈ ગઈ ને ગરણું ધોવાયું.

ત્રીજી વેળ જળમાં ઘડો સીંચ્યો તે ગાળે ગરણું બાંધીને સીંચ્યો. એક વાર-બે વાર દોર હલાવતી તે કૂવાકાંઠે ઉભી હતી : જાણે ગામની ગોપિકાનું ગૌરવ.

ગુડ ગુડ ગુડ ગુડ ગડગડતો ગરણુંબાંધ્યો ઘડો ધીરે ધીરે ડૂબતો જતો. પરપોટા ઉઠતા ને ફૂટી જતા. પરપોટા ગણતી હોય એવી તે મીઠી કૂઈને કાંઠડે ઉભી હતી.

કેળનો ડોડલો નમતો હોય એવો એના કંઠનો ત્રિભંગ હતો. કટીદેશે સિંહલંક મરડી પાલવનો પંખો ખાતી તે ઉભી હતી. એની આંખલડી આભમાં ઘૂમી આવતી હતી.

ગુડ ગુડ ગુડ ગુડ ઘડો ભરાઈ રહ્યો. દોરના ઉછળતા લસરકા અન્તરિક્ષે ઉછળી રહ્યા. દેહનો હિન્ડોલે પ્રમદાના મદનાં ઉછળતાં મોજાંઓ સરિખડો ઉછળતો.

ઘડાનો ગાળો છોડ્યો; ગરણું ઉતાર્યું; બેડલું ભરાઈ રહ્યું; ને ઉંચે જૂવે તો સન્મુખ ઉભો દીઠો વગડાનો વટેમાર્ગુ : જાણે કો જાદુગરો જોગી !

‘બાઈ ! વ્રજપુરનો કેડો કિયો ?’

ચમેલી સરિખડાં લોચન ઉઘાડી પ્રમદાએ ઉંચું જોયું. યૌવનનો થાંભલો, પુરુષાતનનો મોભ, દેવોના જાજવલ્યદીવડા શો એ એક લ્હેરખડો પુરૂષ હતો.

એના કાને એકએક ફૂલ હતું, એને મોળીડે ફૂલનો તોરો લટકતો.

‘હા, વ્રજપુરનો ને ?’

કદી યે મૂંઝાતી નહિ એને આજ અમૂંઝણ ઉગી. પોપચાં વડટોચને વધાવતાં એ આજ નમી ગયાં. એનાં અંગઅંગ આજ નીતરતાં.

પાલવછેડલો સંકોરીને તે બોલી : ‘વ્રજપુરનો ને ? પેલા વડલા પડખે છે તરશીંગડો. એ તરશીંગડાને અળગો મ્હેલી નદી ભણી વળશો એટલે વ્રજપુરનાં ઝાડવાં ઝંખાશે.’

બોલતાં બોલતાં એ ઝંખવાઈ ગઈ : જાણે ચન્દ્રકળા ઉપર કોઈ વાદળછાયા આવી બેઠી ન હોય !

ઉડીને પડતા પાંદડા સમી પ્રમદાની હાથેળી ઉછળી ને દિશા દાખવીને પડી. ઝાડની ડાંખળીઓ સરિખડી એની આંગળીઓ ફરફરતી.

‘વગડાના વટેમાર્ગુ છો ને ?’

એના કંઠમાં વાંસળી બોલતી; એને મુખડે મરકલડાં પડતાં.

તે ગયો. પાણી યે ન પીધું ને વટેમાર્ગુ વગડાની વાટે વળ્યો. નારીહૈયામાં નરની છબી પાડીને તે ગયો.

જતાં જતાં તે લલકારતો હતો. આકાશમાં જાણે વરત નાંખતો હોય ને ઉત્તર માગતો હોય એવું એ લલકારતો હતો. ગેબના પડદા એને બોલડે ડોલતા. પ્રલંબ સૂરે એ લલકારતો હતો :

અમે પરદેશી પાન, વાના વળૂંધ્યાં આવિયાં.

તે ગયો.

પનિહારીનું પાણી યે ન પીધું ને વટેમાર્ગુ વગડાની વાટે વળ્યો.

હથેળીમાં ફૂલ રમે એમ એ વગડાની હથેળીમાં રમતો જતો. પ્રમદાની દૃષ્ટિકિરણનો દોર, ગગનાંગણમાં ઉડતો પતંગ જેમ દોરને આકર્ષતો ઉડે ને ઉડે ને આકર્ષે એમ, પાછળ પાછળ આકર્ષાતો ગયો. વગડો વીંધીને મારગ પડેલો હતો. ને વગડો વીંધીને એની નજરો પડતી. આભની ઝાલર પાછળ એ સન્તાયો ત્ય્હાં સૂધી એણે નિરખ્યાં જ કીધું : જાણે ચક્ષુનું એક જ અંગ એને રહ્યું હતું !

પછી એણે પત્થરની પૂજા માંડી.

મીઠી કૂઈને કાંઠડે ક્ય્હારેક એ એકલવાયી જતી. જઇને બેડલું ભરતી, ને એની વાટ જોતી. પણ વગડાની વાટના વટેમાર્ગુ ગયા પાછા વળ્યા છે વિરલા જ.

મીઠી કૂઈને કાંઠડે ગોપિકા ગણગણતી તે સારૂં ગામ સાંભળતું; વગડો એક જ શ્રવણસૂનો હતો.

એક વાર ગોકુળ આવજો,

ગોવિન્દરાય ! એક વાર ગોકુળ આવજો. (લોકગીત)

લોક કહે છે પન્થીની પ્રીત શી ?

ખરેખર ! પન્થી તો ઉડતી પાંખનો પડછાયો છે.