પાંદડું પરદેશી (રામનારાયણ પાઠક)

પાંદડું પરદેશી
રામનારાયણ પાઠક




પાંદડું પરદેશી (રામનારાયણ પાઠક)

રામનારાયણ પાઠક

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !

એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !

મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !

એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !

મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !

મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !