પામર જીવને
નર્મદ



પામર જીવને

(પદ અથવા લાવણી)

શાને સોચ સળગાવે જીવડા, ભેદ પામર નવ પામે રે;
જાણે તારૂં નરસું થાયે, દાઝ હરિની હિત કરવે રે. શા. ટેક

મૃતક માટે કલ્પાંત કરે તું, સ્વાર્થી સમજ સૌ ? દીસે રે;
ઇશ્વરી ધારણ સમજાઉક કારણ, ભરાય તે પર કાં રીસે રે. શા. ૨

ચઢતી પડતીને જગ આધીન છે, મદ રિસ કેમ તું આણે રે;
દેવ દાનવ રાય રંક કરે છે, હાય કલ્લોલ હર ટાણે રે. શા. ૩

સાંજ પડે ને વાહાણું વાએ, ફુલ કો ખીલે બીડાએ રે;
ઋત ઋતના ફેરફાર હોએ, સુખ દુઃખના તેમ જાણે રે. શા. ૪

દરેક ઘટઘટ નાશને જોએ, જગ આ ઘટ માળ જાણે રે;
એક ભરાયે બીજો ઠલાવાએ, શીખામણ ડાહી માને રે. શા. ૫

આવો દેખે: નીમ તું ભાઇ, શોક શો કરવો સારો રે;
કો દિન દેવો જરૂર જરૂર છે, વિચાર એવો મન ધરવો રે. શા. ૬

સહાય માયામઝામાં મહાલે, ધર્મ નીતિ ન હીણો માને રે;
દુઃખનો માર પ્રસંગે મારી, પાધરો કરે કસી તુંને રે. શા. ૭

થયેલી વાતે દીલાસો માને, પ્રભુ બ્રહ્મ ગુણ જાણે રે;
આ ભવબંધન લેશ ન પીડે, મર્મદને સુખ આણે રે. શા. ૮