પાયાની કેળવણી/૧૮. "પશ્ચિમની આયાત નથી"
← ૧૭. એક ડગલું આગળ | પાયાની કેળવણી ૧૮. "પશ્ચિમની આયાત નથી" મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૯. "તળિયું સાબૂત છે" → |
૧૮
“પશ્ચિમની આયાત નથી”
[વર્ધા શિક્ષણ પરિષદે કરેલા ઠરાવો (જુઓ પ્ર૦ ૧૧ માં તે આપ્યા છે.) નો અમલ કરવો સરળા પડે તે સારુ ને આગળના પગલાં ભરવાની સુગમતા પડે તે ખાતર એક વ્યવસ્થિત શિક્ષણ યોજના તૈયાર કરવામાં આવે. એટલે, "એ ઠરાવોને ધોરણે, પ્રાંતોના પ્રધાનો પરિષદના ઠરાવોનો અમલ કરી શકે એવી ઢબની, અભ્યાસક્રમની યોજના તૈયાર કરવા" પરિષદે એક સમિતિ નીમી હતી. આ સમિતિએ દોઢેક માસની અંદર પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું; અને ત્યાર બાદ થોડા વખતમાં ભલામણ રૂપે સવિસ્તર એક અભ્યાસક્રમ રચી દેશ આગળ રજૂ કર્યો હતો. એ નિવેદન અને અભ્યાસક્રમ મળીને, જેને 'વર્ધા શિક્ષણ યોજના' કહેવાઈ હતી, તે થાય છે. એને પુસ્તકાકારે છપાવવામાં આવ્યું હતું. ગાંધીજીએ તેની પ્રસ્તાવના લખી હતી તે નીચે આપી છે. તેનું મથાળું તેમાં ગાંધીજીએ અંતે કહેલા નીચેના વાક્ય પરથી કર્યું છે.: " ... કોઈ પણ અર્થમાં, પશ્ચિમથી આયાત કરેલી એ વસ્તુ નથી." આ વાક્યના સંદર્ભમાં એટલું અહીં કહેવાનું રહે કે, વર્ધા શિક્ષણ પરિષદ મળી તેમાં એવી એક ચર્ચા જાગી હતી કે, ગાંધીજીનો આવિચાર નવો છે ? કે તેને મળતા વિચાર પસ્ચિમના કોઈ કેળવણીકારોએ રજૂ કરેલો છે ? ગાંધીજીએ નીચેની પ્રસ્તાવનામાં એ પ્રશ્ન અંગેની પોતાની સમજની કાંઈક ટકોર કરી છે; અને પોતાના વિચારના મુખ્ય મુદ્દા સાફ ગણી બતાવ્યા છે. -સં૦]
એક હજાર પ્રતની પહેલી (અંગ્રેજી) આવૃત્તિ વેચાઈ ગઈ એ બતાવે છે કે, ડૉ. ઝાકિર હુસેને એમની સમિતિએ જેને “पायानी राष्ट्रीय केळावणी” કહી છે, તે ચીજે હિંદમાં અને હિંદ બહાર ઠીક ઠીક રસ ઉત્પન્ન કર્યો છે. આ ચીજનું “गामडांना हाथ उद्योगो मारफत गामडांनी राष्ट्रीय केळवणी” એવું નામ , ઉપરના નામ કરતાંઓછું આકર્ષક હોવાં છતાં, વધારે સાચું થાત. ‘ગામડાંની’ કહેતાં ઉચ્ચ કહેવાતું કે અંગ્રેજી શિક્ષણ બાદ થાય છે; ‘રાષ્ટ્રીય’ શબડા આજ સત્ય અને અહિંસા એ અર્થ સૂચવે છે; અને "ગામડાંના હાથ ઉદ્યોગો મારફત" એ શબ્દપ્રયોગનો અર્થ એ છે કે, યોજનાકારો શિક્ષકો પાસેથી એવી આશા રાખે છે કે, તેઓ, અમુક પસંદ કરેલા ગામડાંના હાથૌદ્યોગ મારફતે અને ઉપરથી લાદેલાં બંધનો તથા દખલગીરી વગરના સ્વતંત્ર વાતાવરણમાં, પોતાનાં ગામડાંનાં બાળકોની બધી શક્તિઓ ખીલી આવે એ રીતે, એમને કેળવણી આપશે.
આ પ્રમાણે વિચારતાં આ યોજના ગામડાંનાં બાળકોની કેળવણીમાં એક ક્રાંતિ છે. કોઈ પણ અર્થમાં, પશ્ચિમથી આયાત કરેલી એ વસ્તુ નથી. જો વાચક આ વસ્તુ ખ્યાલમાં રાખશે તો , જે યોજનાને તૈયાર કરવામાં દેશના કેટલાક ઉત્તમ કેળવણીકારોએ પોતાનું અનન્ય ધ્યાન અર્પેલું છે, તેવી આ યોજનાને તે વધારે સહેલાઈથી સમજી શકશે.
સેગાંવ, વર્ધા, ૨૮-૫-'૩૮