પાયાની કેળવણી/૩૦. અંગમહેનત અને બુદ્ધિનો વિકાસ

←  ૩૦. "બૌધ્ધિક વિષયો" વિ. ઉદ્યોગ પાયાની કેળવણી
૩૧. અંગમહેનત અને બુધ્ધિનો વિકાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૨. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન →


૩૧
અંગમહેનત અને બુધ્ધિનો વિકાસ

[વર્ધામાં તાલીમ લેવા આવેલ કેટલાક શિક્ષકો સાથેનો વાર્તાલાપ આપતા શ્રી પ્યારેલાલજીના 'સાપ્તાહિક પત્ર'માંથી આ છે. —સં૦]

તમારામાંથી એક ભાઈએ મારા પર પત્ર લખ્યો હતો. તેમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, અહીં અંગમહેનત પર બહુ જ ભાર મૂકવામાં આવે છે. હું માનું છું કે, અંગમહેનત બુદ્ધિ ખીલવા માટેનું એક સારામાં સારું સાધન છે. આપણી આજની સ્કૂલ તથા કૉલેજો બ્રિટિશ સલ્તનતનું બળ જમાવવાને માટે છે. તમારામાંથી જેમણે એનો અનુભવ કર્યો હશે, તેમને એ જરૂર મીઠી લાગવાની. રસ્તો સાફ કરવાનું કે જાજરૂ સફાઈનું કામ તમને આવડે છે ખરું, એવું વિદ્યાર્થીઓને થોડું જ કોઈ પૂછવાનું હતું? પણ અહીં તો સ્વચ્છતા અને સફાઈ એક પાયાની વસ્તુની પેઠે તમને શીખવવામાં આવે છે. ભંગીના કામમાં પણ કળા રહેલી છે. तद्‍ विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया એટલે કે વારંવાર પૂછ પછપરછ કરીને અને વિનયપૂર્વક તમારે એ શીખી લેવું જોઈએ. વારંવાર પૂછવામાં ઉદ્ધતાઈ પણ થઈ શકે છે. જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસાની સાથે સાથે અદબ એટલે નમ્રતા પણ હોવી જોઈએ. તો જ બુદ્ધિનાં દ્વાર ઊઘડે છે.

ઉપયોગી અંગમહેનત મારફત આપણી બુદ્ધિનો વિકાસ થાય છે.એ વિના પણ બુદ્ધિ વધી શકે છે, પણ એ બુદ્ધિનો વિકાસ નહીં પણ વિકાર થશે. એથી આપણે ગુંડા પણ બની શકીએ છીએ.બુદ્ધિની સાથે સાથે આત્મા અને શરીરનો પણ વિકાસ થવો જોઈએ. એટલા માટે અહીંની તાલીમમાં અંગમહેનતને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. બુદ્ધિની સાથે સાથે આત્માનો વિકાસ થાય, તો જ બુદ્ધિનો સદુપયોગ થાય છે, નહીં તો બુદ્ધિ આપણને કુમાર્ગે લઈ જશે અને તે ઈશ્વરી બક્ષિસને બદલે શાપરૂપ બની જશે. તમે આટલી વાત સમજી લેશો, તો તમારી સંસ્થાઓએ તમારા પર ખરચેલાં નાણાં વ્યર્થ નહીં જાય અને તમે તમારું કામ શોભાવી શકશો.

ह૦ बं૦, ૮-૯-'૪૬