પાયાની કેળવણી/૩૮. નવી વિદ્યાપીઠો

← ૩૯. ગ્રામવિદ્યાપીઠ પાયાની કેળવણી
૪૦. નવી વિદ્યાપીઠો
મોહનદાસ કરમચંદ ગાંધી
૪૧. તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ  →


૪૦
નવી વિદ્યાપીઠો

નવી વિદ્યાપીઠોનો વા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતને ગુજરાતી ભાષા સારું, મહારાષ્ટ્રને મરાઠી સારું, કર્ણાટકને કાનડી સારુ, ઉત્કલને ઉડિયા સારુ, આસામને આસામી સારુ , મને લાગે છે કે, આમ ભાષા પરત્વે વિદ્યાપીઠો હોવી જોઈએ.

પણ આ વિચારનો અમલ કરવામાં કંઈક ઉતાવળ થતી હોય એમ લાગે છે. પ્રથમા પગલા લેખે ભાષાવાર પ્રામતો થવા જોઈએ. તેનું રાજ્યતંત્ર જુદૂં હોવું આવશ્યક છે. મુંબઈ પ્રાંતમાં ગુજરાતી, મરાઠી, કાનડી આવે છે. મદ્રાસમાં તામિલ, તેલુગુ, મલયાળી ને કાનડી છે. આંધ્ર વિદ્યાપીઠ નોખી છે. તેને કંઈ કાળ થઈ ગયો. પણ તે ખીલી નીકળી છે એમ ન ગણાય. અનામલી છે તે તામિલ સારુ હોય. તેથી તામિલ ભાષાનું પોષણ થાય છે અથવા તેનું ગૌરવ વધ્યું છે એમ નથી ગણતો. નવી વિદ્યાપીઠો થાય તેના પહેલાં તેની ભૂમિકા રૂપે તે ભાષા જ્યાં છેવટ લગી માધ્યમ હોય એવી છેવટ સુધીની કેળવણીવાળી શાળાઓ હોવી જોઈએ. તો જ વિદ્યાપીઠનું વાતાવરણ જામ્યું કહેવાય. વિદ્યાપીઠ ટોચ છે. પાયો મજબૂત ન હોય તો મજબૂત ટોચની આશા ના રાખી શકાય. વળી, હજુ આપણે પશ્ચિમના પ્રભાવમાંથી મુક્ત નથી થયા. જેઓ માનતા હોય કે પશ્ચીમમાં જ સર્વસ્વ છે ને જ્ઞાનમાત્ર ત્યાંથી જ મળે એમ છે, તેઓને મારે કંઈ કહેવાપણું ન હોય. પશ્ચિમમાં કંઈ જ સાચું નથી અથવા ન મળે એમ મેં કદી નથી માન્યું. ત્યાં શું સારું છે ને શું નઠારું છે, એ સમજવા જેટલી આપણે પ્રગતિ નથી અક્રી. પરદેશી ભાષા કે વિચારના દબાણમાંથી આપણે છૂટ્યા છીએ એમ કહેવાય નહીં. તેથી ડાહ્યા માણસોનો ધર્મ છે કે, નવી વિદ્યાપીઠ સ્થાપવાની ખટપટમાં પડતા પહેલાં થોડો શ્વાસ લે. વિદ્યાપીઠો માત્ર પૈસાથી કે મોટાં મકાનોથી નથી બનતી. વિદ્યાપીઠોની પાછળ લોકમત હોવો જોઈએ; મોટું શિક્ષક મંડળ હોવું જોઈએ; સૂક્ષ્મ વિવેક હોવો જોઈએ.

મારી દૃષ્ટિએ વિદાપીઠોને સારુ દ્રવ્ય કાઢવાનો ધર્મ હકૂમતનો નથી. લોકમાં એ ધગશ હોય તો પૈસો લોકો જ કાઢે. આમ થયેલી વિદ્યાપીઠો શોભી નીકળે. જ્યાં તંત્ર પરાયું છે ત્યાં બધું ઉપરથી ટપકે છે, એટલે લોકો પરાધીન રહે છે. જ્યાં લોકનું તંત્ર છે ત્યાં બધું નીચેથી ઊંચે જાય છે ને તેથી તે ટકે છે, શોભે છે ને લોકોને પોષે છે. વિદ્યાધનમાં રેડાયેલું ધન સારી જમીનમાં વવાયેલા બીજની જેમ અનેક ગણું વળતર આપે છે. પરદેશી તંત્ર નીચે સ્થપાયેલી વિદ્યાપીઠે એથી ઊલટું કામ કર્યું છે. બીજું થવું અશક્ય હતું. એટલે ભારતવર્ષ જ્યાં લગી સ્થિર ન થાય, ત્યઆં લગી નવી વિદ્યાપીઠો કરવામાં હું બહુ ભય જોઉં છું.

વળી હિંદુમુસલમાન ઝઘડાએ એવું ભયાનક રૂપ પકડ્યું છે કે આપણે છેવટે ક્યામ્ જઈને બેસીશું એ કહેવું મુશ્કેલ છે. ધારે ઓએ ન બનવા જેવી વસ્તુ બને ને હિંદુસ્તાનમાં કેવળ હુંદુ જ રહે ને પાકિસ્તાનમાં કેવળ મુસલમાન જ રહે, તો આપણી કેળવણી એક રૂપ લેશે ને તે ઝેરી હશે. જો હિંદુ, મુસલમાન ને બીજા ધર્મો હિંદુસ્તાનમાં ભઆઈ ભાઈ બનીને રહેશે, તો કેળવણી બીજું ને સૌમ્ય રૂપ લેશે. કાં તો આપણે અનેક ધરમ્ના લોકોને પ્રેમથી ભેળવતા આવા છીએ ને તેમાંથી જે સભ્યતા પેદા થઈ છે તેને દૃઢ કરીશું ને વધારે સારું રૂપ આપીશું અથવા એવો કાલ શોધીશું કે જ્યારે કેવળ હિંદુધર્મી જ હિંદુસ્તાનમાં હતા. આવો કાળ મળવો કદાચ અશક્ય થઈ પડે. અને મળે ને તેને અનુસરીએ તો આપણે ઘણા સૌકા પાછા પડીશું ને જગતમાં અળખામણા થઈશું. દાખલા તરીકે, મુસલમાની કાળને ભૂલવા મથીએ તો દિલ્હીની જુમા મસ્જિદ, અલીગઢની વિદ્યાપીઠ, આગ્રાનો તાજમહાલ, દીલ્હી ને આગ્રામાં મુસલમાની જમાનામાં બંધાયેલા કિલ્લાઓ ભૂલવા જોઈશે. આ નિશ્ચયો લેવા જેવું આપણી પાસે વાતાવરણ નથી. સ્વતંત્રતા આપણે ઘડી રહ્યાં છીએ. ક્યાં જઈને ઊભા રહીશું એ આપણે નથી જાણતા. એ ન જાણીએ ત્યાં લગી ચાલુ વિદ્યાપીઠોમાં જે ફેરફાર થઈ શકે તે કરી ને ચાલુ તાલીમી સંસ્થાઓમાં સ્વતંત્રતાનો પ્રાણ રેડીએ તો ઘણું થયું હશે; ને તેમ કરતાં મળેલો અનુભવ નવી વિદ્યાપીઠો સ્થાપવામાં મદદ રૂપ નીવડશે.

રહી પાયાની કેળવણી. આ કેળવણીને વર્ષ તો ઘણાં નથી થયાં એટલે અમલમામ્ ઓછી મુકાઈ છે. અનુભવ ઓછો થયો છે છતાં મનમાં તેનો વિકાસ થયા જ કર્યો છે. અનુભવ પણ એટલો થયો ગણાય કે એને કોઈ કેળવણીકારે ફેંકી ન દેવી જોઈએ. તેની ઉત્પત્તિ આ મુલકના વાતવરણમાંથી થાઈ છે. તેથી તેને પહોંચી વળવા સારુ થઈ છે. આ વાતાવરણ હિંદના સાત લાખ ગામડાં ને તેમાં વસનારા કરોડો ગામડિયામાં છવાયું છે. તેને ભૂલો એટાલે ભીંત ભૂલ્યા. હિંદ તેના શહેરોમાં નથી, તેનાં ગામડાંઓમાં છે. શહેરો પરદેશી તંત્રની હાજત હતાં. તેઓ જેવાં હતાં તેવાં નભે છે, કેમ કે પરદેશી તંત્ર ગયું પણ તેની અસર નથી ગઈ.

આ લેખ હું નવી દીલ્હીમાં લખી રહ્યો છું. અહીં બેઠો હું ગામડાંઓનો શો ખ્યાલ કરી શકું ? જે મને લાગુ પડે છે તે આપણા પ્રધાનમંડળને પણ લાગુ પડે છે. ફેર એટલો કે તેઓને વિશેષ લાગુ પડે છે,

પાયાની કેળવણીના પાયા વિચારી જોઈએ :

(૧) બધી કેળવણી સ્વાશ્રયી હોવી જોઈએ, એટલે કે સરવાળે મૂડી બાદ કરતાં બધુ ખર્ચ પોતે ઉપાડે.

(૨) એ કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલેકે હાથ વડે કંઈક ઉદ્યમ છેવટ લગી થતો હોય.

(૩) કેળવણીમાત્ર પોતાના પ્રાંતની ભાષામાં અપાવી જોઈએ.

(૪) આમાં સાંપ્રદાયિક ધર્મને સ્થાન નથી. સાર્વજનિક નીતિને પૂરું સ્થાન હોય.

(૫) આ કેળવણી એવી છે કે જેને બાળક કે બીજા સીખે એટલે તે વિદ્યાર્થીના ઘરમાં ને ગામમાં પ્રવેશ કરે.

(૬) વળી, આ કેળવણી લેતા કરોડો વિદ્યાર્થીઓ પોતાને હિંદુસ્તાનનું અવિભાજ્ય અંગ ગણશે, તેથી બધા પ્રાંતના વિદ્યાર્થી સમજી શકે એવી એક ભાષા હોવી જોઈશે. આ ભાષા બંને લિપિ - નાગરી અને ઉર્દૂમાં લખાતી હિંદુસ્તાની જ હોઈ શકે.

આ પાયાનો વિચાર કર્યા વિના કે તેની અવગણના કરીને નવી વિદ્યાપીઠો થાય એ દેશને લાભ પહોંચાડે એમ હું માનતો નથી, નુકસાન જ કરે. તેથી બધું વિચારતાં સહુને લાગવું જોઈએ કે, નવી વિદ્યાપીઠ કાઢતાં અચકાવું ઘટે છે.

નવી દિલ્હી, ૨૬-૧૦-'૪૭

ह० बं० તા. ૨-૧૧-'૪૭