પાયાની કેળવણી/૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર

← ૫. સ્વાવલંબી કેળવણી પાયાની કેળવણી
૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ →



સ્વાવલંબન વિષે વધુ વિચાર

[શ્રી. મ. હ. દે. ના 'સ્વાવલંબી કેળવણી' નામના લેખમાંથી. -સં૦]

એક પ્રસંગે ગાંધીજીએ સ્વાવલંબી કેળવણીની કલ્પના સદંતર દારૂબંધી જલદી કરવાની જરૂરને લીધે ઊપજેલી છે એમ ન લેશો એમ કહ્યું,

"તમારે એટલી પાકી ખાતરી રાખીને જ શરૂઆત કરવાની છે કે આવક થાય કે ન થાય, કેળવણી અપાય કે ન અપાય, તોય સંપૂર્ણ દારૂબંધી તો કર્યે જ છૂટકો છે. એ જ પ્રમાણે એવી પણ પાકી શ્રદ્ધા રાખીને જ શરૂઆત કરવાની છે કે, હિંદુસ્તાનનાં ગામડાંની હાજતો જોતાં, આપણે ગામડાંની કેળવણી ફરજિયાત કરવી હોય તો તે સ્વાવલંબી કરવી જ જોઈશે."

એક કેળાવનીકાર જે ચર્ચા કરતા હતા તેમણે કહ્યું : "પહેલી શ્રદ્ધા તો મારા મનમાં ઊંડી વસી ગયેલી છે, ને એને જ હું એક મોટી કેળવણી માનું છું. એટલે હું દારૂબંધીને સફળ કરવા માટે કેળવણીને છેક જ જતી કરવી પડે તોપણ કરું. પણ બીજી શ્રદ્ધા મારા મનમાં વસતી નથી. કેળવણીને સ્વાવલંબી બનાવી શકીય એ હું હજુ માની શકતો નથી."

"ત્યાં પણ તમે એ શ્રદ્ધા રાખીને જ શરૂઆત કરો એમ હું ઈચ્છું છું. તમે એને અમલમાં ઉતારવા માંડશો એટલે તમને એનાં સાધનો ને માર્ગો સૂઝી રહેશે. નહીં તો એ પ્રયોગ મેં જાતે જ કર્યો હોત. હજુ અન જો ઈશ્વરની કૃપા હશે તો કેળવણી સ્વાવલંબી થઈ શકે એ બતાવવાને હું મારાથી બનતું કરીશ. પણ આટલો મારો વખત બીજાં કામમાં રોકાઈ ગયો છે; એ કામો પણ એટલાં જ અગત્યનાં હતાં. પણ આ સે ગાંવના નિવાસથી એ વિષે મનમાંછેક જ પાકી ખાત્રી થઈ ગાઈ છે. અત્યાર સુધી આ છોકરાંઓનાં મગજમાં આ બધી માહિતી ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન કર્યા કર્યો છે, ને એમના મગજ જાગ્રત થાય ને એનો વિકાસ કેમ થાય એનો વિચાર કદી કર્યો જ નથી. હવે આપણે 'રૂક જાઓ' નો પોકાર કરીએ અને શારીરિક કામ દ્વારા બાળકને યોગ્ય કેળવણી આપવા પર આપણી બધી શક્તિ વાપરીએ. શારિરીક કામ એ શ્રમ પ્રવૃત્તિ ન હોય, પણ બૌદ્ધિક શિક્ષણનું મુખ્ય સાધન હોય."

"એ પણ હું સમજી શકું છું. પણ એમાંથી નિશાળનું બધું નિકળવું જોઈએ એ શરત શામાટે?"

"એથી આ શારીરિક કામ કેટલું કીમતી છે એની ખરી કદર થશે. બાળક ચૌદ વરસની ઉંમરે, એટલે કે સાત વરસનું ભણતર કર્યા પછી, નિશાળ છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવવાની કળા આવેલી હોવી જોઈએ. અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપે એમનાં માબાપને મદદ કરે છે - એમનાં મનમાં લાગણી એ હોય છે કે, હું જો માબાપની જોડાજોડ કામ નહિ કરું તો માબાપ ખાસે શું અને મને ખવડાવશે શું ? એ જ એક કેળવણી છે. એ જ પ્રમાણે શાળા સાત વર્ષની ઉંમરે બાળકને પોતાને હવાલે લે ને તેને કમાતું બનાવી માબાપને પાછું આપે. આમ તમે કેળવણી આપવાની સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો. તમારે છોકરાઓને એક યા બીજા ધંધાની તાલીમ આપવી જ રહી. આ ખાસ ઉદ્યોગની આસપાસ એનાં મગજ, શરીર, અક્ષર, કલાવૃત્તિ વગેરેની કેળવણી ગોઠવશો તો જે કારીગરી એ શીખશે તેમાં નિષ્ણાત થશે."

"પણ ધારો કે એક છોકરો ખાદી બનાવવાની કળા ને શાળામાં શીખવા માંડે છે. તો આપ એમ માનો છો કે એને એ કળામાં નિષ્ણાત થતાં પૂરાં સાત વરસ લાગશે?"

"હા. જો એ યાંત્રિક રીતે ન શીખે તો સાત વરસ લાગવાં જ જોઈએ. આપણે ઇતિહાસના અભ્યાસને માટે કે ભાષાઓના અભ્યાસને માટે વરસો શા સારુ આપીએ છીએ? અત્યાર સુધી આ જે વિષયોને કૃત્રિમ મહત્તવ અપાયું છે એના કરતાં આ ઉદ્યોગોનું મહત્ત્વ કંઈ ઓછું છે શું?"

"પણ આપ તો મુખ્યત્વે કાંતણ પીંજણનો વિચાર કરો છો, એટલે આપ આ નિશાળોને વણાટશાળાઓ બનાવવા માગો છો એમ જ લાગે છે. કોઈ બાળકને વણાટ પ્રત્યે વલણ ન હોય ને બીજી કોઈ ચીજ માટે હોય તો?"

"બરાબર છે. તો આપણે એને કંઈ બીજો ઉદ્યોગ શીખવીશું. પણ તમારે એટલું જાણવું જોઈએ કે, એક નિશા।ળ ઘણાં ઉદ્યોગો નહીં શીખવે. કલ્પના એ છે કે, આપણે પચીશ છોકરાં દીઠ એક શિક્ષક રાખવો જોઈએ, અને એ દરેક નિશાળમાં એક એક નોખા નોખા ઉદ્યોગનું - સુતારી, લુહારી, ચમારકામ કે મોચીકામનું શિક્ષણ આપીએ. માત્ર તમારે એટલી હકીકત ધ્યાનમાં રાખવાની છે કે, તમારે આ દરેક ઉદ્યોગ વાટે બાળકના મનનો વિકાસ સાધવાનો છે. તે ઉપરાંત બીજી એક વસ્તુ પર ભાર દેવા ઇચ્છું છું. તમારે શહેરોને ભૂલી જવાં જોઈએ ને બધી શક્તિ ગામડાં પાછળ વાપરવી જોઈએ. ગામડાં એ તો મહાસાગર છે. શહેરો એ તો સિંધુમાં કેવળ બિંદુવત્ છે. એથી જ તમે ઈંટો બનાવવા જેવા વોષયોનો વિચાર કરી શકતાં નથી. છોકરાઓને ઇજનેર બનવું જ હોય તો સાત વરસના અભ્યાસ પછી તેઓ એ ઉંચા ને ખાસ અભ્યાસની કૉલેજોમાં જશે.

"બીજી એક વસ્તુ ઉપર ભાર દઉં. આપણને ગામડાંના ઉદ્યોગને કશી વિસાતમાં ન ગણવાની ટેવ પડેલી છે, કેમ કે આપણે શિક્ષન અને શારીરિક કામ બેને વિખૂટાં રાખેલાં છે. શારીરિક કામને હલકું ગણવામાં આવેલું છે, અને વર્ણસંકર થઈ ગયેલો હોવાને લીધે આપણે કાંતનાર, વણનાર, સુતાર, મોચીને હલકા વર્ણના - વસવાયાં ગણતા થયા છીએ. ઉદ્યોગોને કંઈક હલકો, બુદ્ધિમાન લોકોને હીણપત લગાડે એવો માન્યો, એટલે આપણે ત્યાં ક્રૉમ્પટન ને હારગ્રીવ જેવા યંત્રશાસ્ત્રીઓ પેદા થયા નથી. એ ધંધાઓને સ્વતંત્ર પ્રતિષ્ઠાવાળા માન્યા હોત તો આપણા કારીગરોમાંથી મોટા શોધકો જરૂર પેદા થયા હોત. યંત્રોની શોધ થતાં મિલિ થઈ ને તેણે હજારોને બેકાર બનાવ્યા એ સાચું. એ અલગ વસ્તુ હતી એમ હું માનું છું. આપણે આપણી બધી શક્તિ ગામડાં પાછળ વાપરીને જોઈશું તો હાથઉદ્યોગના એકાગ્ર અભ્યાસથી જે બુદ્ધિ જાગૃત થશે તે આખી ગામડાંની વસ્તીની જરૂરિયાત પૂરી પાડશે.

ह० बं० ૧૯-૯-'૩૭