પાયાની કેળવણી/૯. રાષ્ટ્રીય શિક્ષકોને
← ૮. શહેરો માટે પણ એ જ | પાયાની કેળવણી ૯. રાષ્ટ્રીય શિક્ષકોને મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને → |
૯
રાષ્ટ્રીય શિક્ષકોને
૧
જેઓ કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાઓ ચલાવી રહ્યા છે તે શિક્ષકોને મારી એવી સૂચના છે કે, તેઓએ પ્રાથમિક સિક્ષણ।આ। આજકાલ હું જે લખી રહ્યો છું તે જો તેમને ગળે ઉતર્યું હોય તો તેનો યથાશક્તિ અમલ કરવો, અને પધ્ધતિસર હિસાબ રાખવો અને પોતાના અનુભવ મને મોકલવા. જેઓ મેં સૂચવેલી પધ્ધતિ પ્રમાણે શાળા ચલાવવા તૈયાર હોય, જેઓ હાલ નવરા હોય, અથવા જે બીજું કામ કરતા હોય તે છોડીને શાળા ચલાવવા તૈયાર હોય, તે મને લખે.
મારી માન્યતા એવી છે કે, પ્રાથમિક શાળાને સ્વાવલંબી કરવા તુરંત નજરે ચડતો ઉદ્યોગ કંતામણ ઇત્યાદિ છે. એમાં રૂ વીણવાથી માંડીને ભાતીગર નકશીદાર ખાદી બનાવવા લગીની ક્રિયાઓનો સમાવેશ થાય છે. એમાં મજૂરી કલાકની ઓછામાં ઓછી બે પૈસા ગણાવી જોઈએ. શાળા પાંચ કલાક ચાલે તેમાં ચાર કલાક મજૂરી, અને એક કલાક જે ઉદ્યોગ શીખવવામાં આવે તેનું શાસ્ત્ર, અને બીજા વિષયો, જે ઉદ્યોગ શીખવતાં ન શીખવી શકાતા હોય, તે શીખવવામાં આવે. ઉદ્યોગ શીખવા શીખવવાના વિષયોમાં અમુક અંશે અથવા સર્વાંશે ઈતિહાસ, ભૂગોળ અને ગણિતશાસ્ત્ર આવે. ભાષાજ્ઞાન અને એના પેટામાં વ્યાકરણ તથા શુધ્ધ ઉચ્ચારણ તો આવે જ. કેમ કે શિક્ષક ઉદ્યોગને આ બધા જ્ઞાનનું વાહન ગણશે અને તેથી બાળકોની બોલી સ્પષ્ટ કરાવશે. એમ કરવામાં સહેજે વ્યાકરણનું જ્ઞાન આપશે. પહેલેથી જ ગણવાની ક્રિયા તો બાળક્ને શીખવવી જ જોઇશે. એટલે જ ગણિતથી જ 'ગણેશાય નમઃ' શરૂ થશે. સુઘડતા એ કંઈ નોખો વિષય હશે જ નહીં. બાળકોના દરેક કાર્યમાં સુધડતા હોવી જોઈએ. તેઓનો શાળામાં પ્રવેશ જ સુઘડતાથી શરૂ થશે. એટલે અત્યારે મારી કલ્પનામાં એક પણ વિષય એવો આવતો નથી કે જે ઉદ્યોગો શીખવતાં શીખવતાં બાળકને શીખવવાપણું નહીં હોય.
મારી કલ્પના એવી છે ખરી કે, જેમ મેં શીખવાના વિષયોને જુદા ગણ્યા નથી પણ એક બીજામાં ઓતપ્રોત છે, અને બધાની ઉત્પતિ એક જ વસ્તુમાંથી થયેલી છે, તેમ શિક્ષકની કલ્પના પણ એકની જ છે. વિષયો પરતવે નોખા શિક્ષકો નહીં પણ એક જ. વર્ષો પરત્વે નોખા હોય. એટલે કે, સાત ધોરણ હોય તો સાત શિક્ષક હોય, અને એક શિક્ષક પાસે પચીસથી વધારે છોકરાં ન હોય. જો કેળવણી ફરજિયાત હોય તો પ્રથમથી જ બાળક ને બાળાઓના નોખા જ વર્ગ હોવાની આવશ્યકતા હું ગણું. કેમ કે છેવટે દરેકને એક જ ધંધા શીખવવાના નહીં હોય, તેથી પ્રથમથી જ નોખા વર્ગો હોય તો વધારે સગવડવાળા થશે, એવી મારી માન્યતા છે.
આ પધ્ધતિમાં, કલાકોમાં શિક્ષકોની સંખ્યામાં, વિષયોની ગોઠવણીમાં ફેરફારને અવકાશ ભલે હોય; પણ જે સિધ્ધાંતને અવલંબીને શાળામાત્રને ચાલવું છે એ સિધ્ધાંત અચલિત સમજીને મારી કલ્પનાની શાળા ચાલી શકે.
અત્યારે ભલે એ સિધ્ધાંતનો અમલ કરીને કોઈ પ્રકારનું પરિણામ ન બતાવી શકાયું હોય, પણ જે પ્રધાન આવા શિક્ષણનો આરંભ કરવા ઇચ્છે એને એ સિધ્ધાંતો વિશે શ્ર્ધ્ધા હોવીજ જોઈએ. અને આ શ્રધ્ધા બુધ્ધિ ઉપર રચાયેલી છે, તેથી આંધળી નહીં પણ જ્ઞાનમય હોવી જોઈએ. એ સિધ્ધાંતો બે છેઃ
૧. કેળવણીનું વાહન કોઈ પણ ગ્રામોપયોગી ઉદ્યોગ હોય.
૨. એકંદરે કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ. એટલે કે, ભલે પહેલાં એકબે વરસ થોડી સ્વાવલંબી ન હોય, પણ સાત વરસનું સરવૈયું કાઢતાં ઉપજ અને ખર્ચ સરખાં હોવાં જોઈએ. મેં કેળવણીનાં સાત વરસ ગણ્યાં છે એમાં વધઘટને અવકાશ છે.
ह.बं. , ૧૯-૯-'૩૭ મેં રાષ્ટ્રીય શિક્ષકોને ઉદ્દેશીને જે લેખ લખ્યો હતો તેના જવાબમાં મારી પાસે દરરોજ અનેક કાગળો આવી રહ્યા છે, એ સંતોષની વાત છે. એ કાગળો પરથી જોઉં છું કે, તે લખનારાઓ મારી વિનંતિનો અર્થ સમજ્યા નથી. જેમને કંઈક લાભદાયક હાથઉદ્યોગ દ્વારા કેળવ્ણી આપવા વિષે સંપૂર્ણ શ્રધ્ધા ન હોય અને જેઓ એ કામ કેવળ પ્રેમભાવે અને માત્ર આજીવિકા પૂરતા પૈસા લઈને કરવા તૈયાર ન હોય એવાઓની જરૂર નથી. એવા સૌને મારી સૂચના એ છે કે, તેમણે કાંતવાની કળા આવડે તેની અગાઉની સર્વ ક્રિયાઓમાં પૂરેપૂરા નિષ્ણાત બનવું. તે દરમ્યાન હું મારી પાસે આવેલાં બધાં નામો નોંધી રાખું છું. મેં ઘડેલી યોજનના અમલમાં જે પ્રગતિ થશે તેની આ પત્રલેખકોને મારા તરફથી યથાસમયે ખબર મળશે. સાત પ્રાંતિક સરકારો જો મારી યોજના મંજૂર રાખવા ને તેનો પ્રયોગ કરવા પ્રેરાય, તો તેમની માગણીને પહોંચી વળવાને સારૂ મારો આ પ્રયત્ન છે.
ह.बं. , ૧૦-૧૦-'૩૭