← ઢાળ ૧લી પુણ્યપ્રકાશનું સ્તવન
ઢાળ ૨જી
વિનયવિજય મુનિ
ઢાળ ૩જી →


(ઢાળ બીજી)

(પામી સુગુરુ પસાય - એ દેશી)

પૃથ્વી પાણી તેઉ, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ.
કરી કરસણ આરંભ ખેત્ર જે ખેડિયાં કૂવા તળાવ ખણાવીઆ એ.

ઘર આરંભ અનેક ટાંકા ભોંયરા, મેડી, માળ ચણાવીયા એ. ૩
લીંપણ ગુંપણ કાજ, એણીપરે પર -પરે પૃથ્વીકાય વિરાધીયા એ.

ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતી ધોતી કરી દુહાવ્યા એ.
ભાઠીગર કુંભાર, લોહ સોવનગારા, ભાડાભુંજા લીહા લાગરા એ.

તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રાંગનરાધન રસવતી એ.
એણી પરે કર્માદાન, પરે કેળવી, તેઉ વાયુ વિરાધીયા રે.

વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફલ ફૂળ ચુંટીયા એ.
પ્હોંક, પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેદ્યા છુંદ્યા આથીયાં એ.

અળશી ને એરંડા. ઘાની ઘાલીને. ઘણા તિલાદિક પીલીયા એ.
ઘાલી કોલુમાંહે પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ.

એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદીઆ એ.

આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

કૃમિ સરમીયા કીડા, ગાડર ગંડોલા, ઈયળ પૂરાને અળશીયાં એ.
વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણાં વળી અથાણાં પ્રમુખનાં એ.
એમ બેઇંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

ઉધેહી જૂ લીખ, માકડ મંકોડા, ચાંચડ કીડી કુંથુઆ એ.
ગધહીયાં ઘીમેલ, કાનખજૂરીઆ, ગીંગોડા, ધનેરિયાં એ.
એમ તેઇંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.

માખી મચ્છર ડાંસ, મસા પતંગિયા, કંસારી કોલિયાવડા એ.
ઢીંકણ વીંધુ તીડ ભમરા ભમરીયો, કોતાબગ ખડમાંકડી એ.
એમ ચઉરિંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦

જળમાં નાખી જાળ રે, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપિયા એ;
પીડ્યા પંખીજેવ રે; પાડી પાશમાં પોપટ ઘાલ્યો પાંજરએ.
એમ પંચેંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૧